ઘરમાં પડેલા ભંગારને નોન પરફોર્મિંગ એસેટ કહેવાય કે નહીં ?

અતિશય ગૂંચવાયેલા ચહેરે તકુભાઇ બેન્કમાં દાખલ થયા.
બેન્કનો ઓલરેડી ‘કન્ફ્યૂઝ્ડ’ સ્ટાફ તકુભાઇનો ગૂંચવાયેલો ચહેરો જોઇ વધારે ‘કન્ફ્યૂઝડ’ થઇ ગયો. એક કર્મચારીએ પૂછી નાખ્યું. ‘‘ડિપોઝિટનું પૂછવા આવ્યા છો ? ’’
બીજો કહે, ‘‘ના..ના આ તો ખાતામાંથી કોઇ અણધાર્યા પૈસા ‘ડેબિટ’ થઇ ગયા લાગે છે. ’’
ત્રીજો કહે, ‘‘મને લાગે છે કે આ પાર્ટીએ સહીઓ કરેલી ચેકબૂક ખોઇ નાખી છે. ’’
ચોથો કાંઇ બોલવા જાય એ પહેલાં તકુભાઇ ખુદ પ્રશ્નવાચક ભાવથી બોલી પડ્યા. ‘‘એનપીએ એટલે શું ? ’’
બેન્કમાં કોઇએ બોમ્બ ફોડ્યો હોય એવો હાહાકાર મચી ગયો. બે કર્મચારી ટેબલ નીચે છૂપાઇ ગયા. એક  મેડમ સોફા નીચે લપાયાં. કેશિયર બધી કેશ એમને એમ નધણિયાતી મૂકી બેન્ક મેનેજરને ખબર કરવા એમની કેબિન તરફ દોડ્યો. પણ ‘એનપીએ’ શબ્દોચ્ચારનો વિસ્ફોટ જ એટલો પ્રચંડ હતો કે મેનેજર પોતે કેબિનમાંથી બહારની તરફ દોડી આવ્યા. એમાંને એમાં એ અને કેશિયર સામસામે ભટકાયા. હવે ખરો ધડાકો થયો.
તકુભાઇ વધારે ‘કન્ફ્યૂઝડ’ થઇ ગયા. તેઓ એકાદ ટેબલ તરફ નીચે નમ્યા અને ત્યાં લપાઇને બેઠાં બેઠાં થરથર ધ્રૂજતા કર્મચારીને પૂછ્યું. ‘‘એનપીએ એટલે શું ? એ સવાલનો જવાબ ત્યાં નીચે પડ્યો છે ? ’’
ફરી ‘એનપીએ’ શબ્દ કાને પડતાં કર્મચારી ટેબલ નીચે જ ઊંચાનીચા થઇ ગયા તેમાં એમની ટાલ ટેબલ સાથે અથડાઇ. તેમનાથી ‘ઓહ…’ એવો ચિત્કાર નીકળી ગયો.
મેનેજરે ઊભા થતાં થતાં જ ચીસો પાડી. ‘‘મારી નાખો….બધા અમને મારી નાખો. એનપીએના બોજ હેઠળ કચડી નાખો. અમારો બેન્ક કર્મચારીઓનો જ બધો વાંક છે. ’’
‘‘એટલે એનપીએ કોઇક વજનદાર વસ્તુ છે એ નક્કી. જેના બોજ હેઠળ બધા કચડાઇ જાય છે. ’’ તકુભાઇના ચહેરા પર હવે પોતાના સવાલનો જવાબ મળી રહ્યાના ભાવ હતા.
કેશિયર એકદમ તકુભાઇની સામે ધસી ગયા. ‘‘ભઇ, તમને જોઇએ છે શું એ કહો ? કેશ ઉપાડવા આવ્યા છો કે મૂકવા ? પાસબૂક ભરાવવાની છે ? જોજો, લોનની ઇન્કવાયરી છે એવું કહેતા નહીં. ’’
તકુભાઇએ એકદમ નિર્દોષતાથી કહ્યું, ‘‘મારે લોનની નહીં, એનપીએની ઇન્કવાયરી છે. ’’
સોફા પાછળથી પ્રગટ થયેલાં મેડમ કહે, ‘‘જુઓ મિસ્ટર, જેમ આજના ફાફડા એ આવતીકાલની ચટણી છે તેમ આજની લોન પણ આવતીકાલની એનપીએ છે. ’’
‘‘એમ ? ’’તકુભાઇના મોઢામાં પાણી આવ્યું. ‘‘એનપીએ એટલી સ્વાદિષ્ટ ચીજ છે ? ’’
હવે મેનેજર ગુસ્સે થયા. ‘‘ભઇ, તમારો એકાઉન્ટ નંબર બોલો. આ ઘડીએ જ હું તમારું ખાતું બંધ કરી દઉં છું. અમારે હવે એનપીએ મુદ્દે કોઇ વધારે ટેન્શન નથી લેવાં ? ’’
‘‘પણ, ખાતું હોય તો બંધ કરશોને ? હું મારી પાસે એટલે પૈસા રાખતો જ નથી કે બેન્કમાં ખાતું રાખવું પડે. ’’ તકુભાઇએ જરા હળવાશથી કહ્યું.
ફરી થોડીવાર સન્નાટો છવાયો. પછી કર્મચારીઓએ અંદરોઅંદર સંતલસ કરી.
‘આ માણસ તો બેન્કનો ખાતેદાર જ નથી. ’, ‘એટલે જ તો તેણે બેન્કની બ્રાન્ચમાં આમ બેધડક ઘૂસી આવવાની અને ઇન્ક્વાયરી કરવાની હિંમત કરી, બાકી ભોગ લાગ્યા છે કોઇ ગ્રાહકના કે આમ ઘૂસીને સવાલો કરે. ’ ‘મને તો લાગે છે કે કોઇ લોન ડિફોલ્ટર જ છે. એટલે જ પૈસા રાખતો નથી એવું બોલે છે. ’
આવી બધી સંતલસો પછી છેવટે એવું સર્વાનુમતે નક્કી થયું કે ‘જો આ માણસ બેન્કનો ખાતેદાર ના હોય તો તેની સાથે સારી રીતે વર્તવામાં કોઇ વાંધો નથી. આપણા સારા વર્તાવથી પ્રેરાઇને એ વારંવાર બેન્કમાં ધસી આવશે એવું કોઇ જોખમ નથી. અને હા, જો ભવિષ્યમાં ખાતેદાર બની ગયો તો એને પરચો આપતાં કેટલીવાર ? આવા માણસને તો એનપીએની નવી વ્યાખ્યા સાથે બહાર મોકલ્યો હોય તો બેન્કો માટેની લોકોની છાપ પણ એટલી સુધરે. ’
મેનેજરે એકદમ વિવેક અને ઉષ્મા સાથે જઇને તકુભાઇને પૂછ્યું. ‘‘બોલો, નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ વિશે તમને હું શું માહિતી આપી શકું ? ’’
‘‘ઓહો, એનપીએ એટલે કોઇ જાતની એસેટ છે એમ ? ’’ તકુભાઇનો ચહેરો પહેલીવાર હાસ્ય સાથે કૌતુકથી ખીલી ઉઠ્યો.
હાસ્ય ચેપી તો હોય જ છે. સૌ કર્મચારીઓના ચહેરા પર સ્મિત આવ્યું. ‘‘ઓફકોર્સ, યસ, નોન પરફોર્મિંગ તો નોન પરફોર્મિગ પણ એનપીએ એક એસેટ તો છે જ. ’’ મેનેજરે ગર્વ સાથે કહ્યું.
‘નોન પરફોર્મિંગ એટલે કામ નહીં કરતી….મતલબ કે તમારી બેન્કના કોઇ કર્મચારી કામ ના કરે તો તમે એને પણ નોન પરફોર્મિંગ એસેટ ગણાવો ? ’’તકુભાઇએ વધુ એક સવાલ વીંઝ્યો.
મેનેજરે જરા છોભીલા પડી જઇ બાકીના કર્મચારીઓ સામે જોયું. તેની એક લાચાર આંખમાં હા હતી અને બીજી લાચાર આંખમાં ના હતી. એટીએમમાંથી નોટ બહાર પડે તે રીતે કર્મચારીઓની આંખના ડોળા બહાર પડવાની હદે મોટા થઇ જતાં મેનેજર નીચું જોઇ ગયા.
પેલાં મેડમ સમજાવવા લાગ્યાં. ‘‘ ભઇ…અમે તો કર્મચારીઓ છીએ. અમે બેન્કની એસેટ છીએ. અમે બ્રાન્ચમાં ટાઇમસર આવી જઇએ છીએ એ જ અમારું પરફોર્મિંગ કામ છે.’’
કેશિયર પણ સમજાવટમાં જોડાયા. ‘‘મિસ્ટર ,  એનપીએ એટલે તો અસ્તિત્વમાં હોય પણ છતાં પણ કાંઇ કામમાં ના આવતી હોય એવી કોઇ ચીજ. સમજોને કે આ મેડમના હસબન્ડનો કાન ….’’
મેનેજર તેમના કર્મચારીઓની સમજણશક્તિ અને દૃષ્ટાંતશક્તિથી એકદમ પ્રભાવિત થઇ ગયા. ‘‘યસ્સ…દુનિયાની કોઇપણ પત્નીને પૂછી જુઓ. એ કહેશે કે કે તેના પતિના કાનથી વધારે મોટી નોન પરફોર્મિંગ એસેટ કોઇ હોતી જ નથી. ’’ મેનેજરે કાયમની જેમ કર્મચારીઓના સૂરમાં સૂર પુરાવ્યો.
‘‘એમ ? ’’ તકુભાઇની આંખમાં ઝળહળિયાં આવી ગયાં. તેમને ખબર ન હતી કે તેમના પ્રશ્નનો જવાબ આખરે સાંપડી જશે. તેમણે વધારે ખાતરી કરવા પૂછી લીધું. ‘‘મતલબ કે આપણા ઘરમાં કોઇ ભંગાર પડ્યો હોય તો એને ઘરની ‘નોન પરફોર્મિંગ એસેટ’ જ કહેવાયને. ’’
એનપીએની નવી ને નવી વ્યાખ્યાઓ સાંભળીને બેન્ક કર્મચારીઓની આંખમાં પણ હરખના આંસુ આવી ગયાં. એક કર્મચારીએ તો લિસ્ટ પણ બનાવવા માંડ્યું. ‘‘જૂનું ટૂથબ્રશ, હાથો તૂટી ગયું હોય એવું ડબલું, પટ્ટી સાંધેલી સ્લિપર, ગોબો પડેલી તપેલી….’’
તકુભાઇનાં તપેલી જેવા ચહેરા પરનો ગોબો એટલે કે મોઢું ખૂલ્યું અને સવાલ ઉછળ્યો. ‘‘ તો પછી પેલું લોકો લોન લઇને ભાગી જાય છે અને બેન્કના પૈસા ફસાઇ જાય છે એને શું કહેવાય ? એ કોની એસેટમાં ગણાય ? ’’
ફરી જાણે વિસ્ફોટ થયો. મેનેજર સહિતના કર્મચારીઓ ‘ફાયર એક્ઝિટ’વાળા રૂટ પરથી ફરાર થઇ ગયા. બેન્કની બ્રાન્ચ નધણિયાતી થઇ ગઇ. કેશિયરના કાઉન્ટર પર નોટોની થપ્પીઓ પડી હતી. પણ તકુભાઇ તેમાંથી એક પણ નોટ ના ઉઠાવી. એવું વિચારીને કે ‘ મેં ક્યાં લોન માટે અરજી કરી છે તે આમ રેઢા પડેલા પૈસા ઉઠાવું ?’
Advertisements

ભાવનગરની કઠણાઇ

ભાવનગર થી વડોદરા વચ્ચેનું બાય રોડ સ્હેજે ચાર કલાકમાં કાપી શકાય છે. કોઇ ધડબડાટીવાળો ડ્રાઇવર હોય તો સાડા ત્રણ કલાકમાં પણ પહોંચાડી દે. પરંતુ, તાજેતરમાં વડોદરાથી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસ નવ કલાકે પહોંચી. સવારે સાત વાગ્યે વડોદરાથી નીકળેલા પ્રવાસીઓ બપોરે ૧૧ વાગ્યે એટલે કે બપોરનાં ભોજન પહેલાં પોતાના સ્થાને પહોંચી જવાના હતા તેને બદલે ૪૨-૪૩ ડિગ્રી તાપમાનમાં બધા રઝળ્યા અને છેક સાંજે ચાર વાગ્યે ભાવનગર પહોંચ્યા. કહેવાની જરૂર નથી કે તેમાં સ્ત્રીઓ, બાળકો તથા વડીલો પણ સામેલ હતા.

bus02

symbolic image only

આમ થવાનું કારણ એટલું જ કે ભરરસ્તે બસનું એસી બગડ્યું હતું. હવેના એસી કોચમાં એવી બારીઓ હોતી નથી કે તે ખોલી શકાય. એસી બગડે એવા સંજોગોમાં બસ બદલવી જ પડે. બીજો કોઇ વિકલ્પ નહીં. પરંતુ, કેટલાક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર મૂકેલી વિગતો પ્રમાણે પહેલા બે કલાક તો ડ્રાઇવર બસમાં કોઇ ખરાબી હોવા બાબતે કે તે બદલવાની જરૂર હોવા બાબતે સાવ નામક્કર જ ગયો. ઉલ્ટાનું ડ્રાઇવર અને ક્લિનરે સ્ટાફ સાથે બહુ ઉદ્ધત વર્તાવ કર્યો. પ્રવાસીઓએ વડોદરા તથા ભાવનગરની રાજધાનીની ઓફિસે ફોન કર્યા તો ત્યાં પણ બહુ ઉદ્ધત જવાબો મળ્યા. વારંવાર રજૂઆતો તથા આક્રોશ વ્યક્ત કર્યા બાદ રાજધાનીએ મોડે મોડે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી અને તે પણ સાવ પરાણે પરાણે.

આ બનાવને પગલે ભાવનગર જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓના અભાવનો મુદ્દો ફરી લોકચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાવનગરને ટ્રેન, બસ કે પ્લેન સહિતનાં ટ્રાન્સપોર્ટેશન બાબતે વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી અન્યાય થાય છે. ભાવનગરના લોકોએ મુંબઇ કે દેશના અન્ય ભાગોમાં જવા ટ્રેન પકડવી હોય તો ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા સિવાય છૂટકો જ નહીં. રેલવે તંત્રને શું બુદ્ધિ સૂઝી છે કે ભાવનગરથી અમદાવાદ વચ્ચેની ટ્રેન વાયા સુરેન્દ્રનગર થઇને આવે છે. તેમાં પણ ટ્રેનના ટાઇમિંગ એવા છે કે વડોદરા અથવા સુરતના પ્રવાસીએ બહુ અડધી રાતે અગવડો વેઠવી પડે. આથી, ભાવનગરના લોકો નાછૂટકે પહેલાં ભાવનગરથી વડોદરા સુધી પ્રાઇવેટ બસમાં જંગી સામાન સાથે સપરિવાર યાત્રા ખેડે  છે અને પછી વડોદરા પ્લેટફોર્મ પર સમયનો બગાડ કરી ટ્રેન પકડે છે. વળતાં પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. વડોદરાથી ભાવનગર જવા માટે વાયા તારાપુર-આણંદ થઇને ટ્રેન દોડાવવાની વાતો ભૂતકાળમાં અનેક વખત ગાજી છે. પરંતુ, રેલવે તંત્ર કહે છે કે તેઓ એવા જ રૂટ પર ટ્રેન દોડાવે જે તેમના માટે કોમર્શિયલી વાયેબલ હોય. તારાપુર-આણંદ ટ્રેક પર એટલો પેસેન્જર ટ્રાફિક ના મળે અને ગુડ્ઝ ટ્રાફિકની તો ખાસ આશા જ નથી. એટલે આ રૂટની વાત દર વખતે ઊડી જાય છે. પરંતુ, એમ જોવા જઇએ તો આખી ભારતીય રેલવે જ ક્યાં કોમર્શિયલી વાયેબલ છે ? તો તો ભારતભરની ટ્રેન સેવા બંધ જ કરી દો ને….

એસ ટી તંત્ર વડોદરા અને અમદાવાદ વચ્ચે સારી વોલ્વો બસો દોડાવે છે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે પણ વોલ્વો બસો છો. બીજી બસોની લંગાર તો ખરી જ. પરંતુ, ભાવનગર અને અમદાવાદ તથા ભાવનગર અને અમદાવાદ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ દર બે-ચાર કલાકે બસો દોડાવી શકે એટલા પ્રવાસી મળે છે પરંતુ એસટી આ ડિમાન્ડનો લાભ લેતી નથી. ભાવનગરના લોકો અંદરોઅંદર ચર્ચા કરે છે તેમ કદાચ ભાવનગરનું એસટી તંત્ર કે પછી ગુજરાત સ્તરનું એસટીનું તંત્ર પોતે જ ભાવનગરથી અમદાવાદ અને વડોદરા વચ્ચે ખાનગી બસ સંચાલકોને ઘી કેળાં થયાં કરે તેની વેતરણમાં રહે છે.

હવે વધારેને વધારે લોકો પ્રાઇવેટ કાર લઇને નીકળતા થયા છે. પરંતુ, માત્ર બસને બદલે કારમાં આવવાથી કઠણાઇનો અંત આવતો નથી. ભાવનગર અને અમદાવાદ વડોદરા વચ્ચેનો પીપળી સુધીનો હાઇવે કોમન છે. આ હાઇવેની બિસ્માર હાલત અંગે વારંવાર લખાઇ ચૂક્યું છે. થોડા થોડા સમયે આ હાઇવે પર અકસ્માતના બનાવોના સમાચાર છાપામાં ચમક્યા કરે છે. એ સિવાય પણ હાઇવેની હાલત એવી છે કે ઘરે જઇને શેક કરવો જ પડે. આ હાઇવે આમ વર્ષોથી બિસ્માર હાલતમાં રાખવાનું કે પહોળો નહીં કરવા પાછળનું લોજીક તો ગુજરાત મોડલ ગજવતી સરકાર જ જાણે. ભાવનગર અને તેની આસપાસના ધારાસભ્યો તથા સરકારી અધિકારીઓ જેમણે વારંવાર ગાંધીનગરના આંટાફેરા કરવાના હોય. બિસ્માર અને એક્સિડેન્ટ પ્રોન હાઇવેનું જોખમ તેમનાથી વધારે કોઇનેય ખબર નથી. પરંતુ, ગુજરાતમાં ગતિશીલ સરકાર છે અને હાઇવેનું વિસ્તૃતીકરણ કે સમારકામ પણ ગતિશીલ સરકાર તેની ગતિએ કરશે જ એવી તેમને શ્રદ્ધા છે.

સુરતમાં ભાવનગર શહેર અને જિલ્લાના મૂળ વતનીઓ હજારોની સંખ્યામાં વસે છે. દિવાળી વેકેશન જેવા સમયે તેમને પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા અનેક ગણા ભાવ પડાવીને જે રીતે રીતસરના લૂંટવામાં આવે છે તેની તો પાછી અલગ ગાથા છે……

આ બધા મુદ્દા કાંઇ સાવ નવા નથી. પરંતુ, પ્રજાની હાલાકીને નેતાઓ ધ્યાન પર લેતા નથી. તેનું કારણ એ છે કે પ્રજા કોઇ ચોક્કસ પક્ષ કે નેતા માટે સલામત વોટબેન્ક બની ગઇ છે. લોકશાહીમાં કોઇ વિસ્તાર, કોઇ શહેર, કોઇ કોમ, કોઇ સમુદાય , કોઇ ચોક્કસ પક્ષ કે વ્યક્તિ વિશેષ માટે સલામત વોટબેન્ક બની જાય એ બહુ જોખમી બાબત છે. કારણ કે તેમાં પ્રજામતની અવગણના થાય છે, પ્રાયોરિટીઝની બાબતો હડસેલાઇ જાય છે અને પ્રજાના જેન્યુઇન પ્રશ્નો પણ કોઇ સાંભળતું કે ઉકેલતું નથી કારણ કે ચૂંટણીમાં કોઇ વાંધો આવવાનો નથી.

 

ફિલ્મ રિવ્યૂ : સમીક્ષા અને મંતવ્યની ભેળસેળ

કોઇ ફિલ્મનો રિવ્યૂ આપવો એ ખરેખર બહુ જોખમી કામ છે. ફિલ્મની સમીક્ષા કરવા માટે બહુ સજ્જતા જોઇએ. જ્યારે મંતવ્ય તો કોઇપણ આપી શકે છે. ફિલ્મ જોઇ ના હોય તો પણ માત્ર સાંભળેલી વાતના આધારે કે કોઇ ખાસ કલાકાર કે સર્જક માટેની માન્યતાના આધારે મંતવ્ય આપી દેનારાઓ પણ હોય છે. આવા પૂર્વનિર્ધારિત અભિપ્રાયો ઘણી વખત કોઇ ફિલ્મની સફળતા કે નિષ્ફળતામાં મોટો ભાગ ભજવતા હોય છે. અમુક દિગ્દર્શકની ફિલ્મ એટલે બહુ સારી જ હશે કે પછી અમુક હિરોની ફિલ્મ એકવાર તો જોવા જેવી હોય જ એ પ્રકારના મંતવ્યોનો આપણે ત્યાં પાર હોતો નથી. Actress Anushka Shetty HQ Pictures in Bahubali Telugu Movie

તાજેતરમાં બે ફિલ્મો જોવાનું થયું. ‘બેગમ જાન’ અને ‘બાહુબલી-2’. બાહુબલી કદાચ ભારતના સિનેમા ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ તરીકે અનેક વિક્રમો સર્જવા જઇ રહી છે. પરંતુ, મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે ભાગ એકની સરખામણીએ બીજા ભાગમાં ઘણી નબળાઇઓ છે. ખાસ કરીને ક્લાઇમેક્સ સાવ બિનજરૂરી રીતે લાંબો ખેંચવામાં આવ્યો છે અને તેમાં દર્શાવાયેલી મારધાડથી છેવટે કંટાળો જ આવે છે. જોકે, આ અભિપ્રાય બીજા કેટલાક મિત્રો સાથે રૂબરૂ અને ચેટિંગમાં શેર કર્યો તોએ લોકો ભડકી ગયા.

બેગમ જાન વિશે તો કોઇને અભિપ્રાય આપવાનું ટાળ્યું જ છે. ગજબનો begumવિષય અને અમુક બહુ ચોટદાર દૃશ્યો ધરાવતી ફિલ્મ ઘણી બધી બાબતોને એકસાથે સાંકળવા જતાં કયારેક   સાવ અતાર્કીક અને ક્યારેક અતિશય લાઉડ બની જાય છે.

ઘણી ફિલ્મો એવી હોય છે જે ઓવરઓલ મનોરંજક હોય પણ તેમાં અમુક દૃશ્યો ખરેખર ખૂંચે તેવાં કે કંટાળાજનક હોય છે. કોઇ કોઇ ફિલ્મો આખી કંટાળાજનક હોય પણ તેનોએકાદ સીન કે એકાદું ગીત ગમી જાય તેવું પણ બને છે. મોટાભાગની ફિલ્મો આવી ગમતી-અણગમતી અનુભૂતિઓનો સરવાળો છે. આપણને સાવ બકવાસ લાગેલી ફિલ્મ સુપરડુપર હિટ થઇ જાય કે જે ફિલ્મ પર આપણે ઓળઘોળ થઇ ગયા હોઇએ તે જોવા માટે થિયેટરમાં પૂરા એક ડઝન પ્રેક્ષકો પણ ના આવ્યા હોય તો બહુ આઘાત પામવા જેવું નથી. કોઇને કોઇ ફિલ્મની પસંદગી માટે કે નાપસંદગી માટે ઉતારી પાડવા કે અહોભાવ અનુભવવા જેવું પણ નથી. એટલે જ કોઇપણ રિવ્યૂ કે મંતવ્ય વિના જે કલાકાર કે સર્જક માટે પક્ષપાત હોય અથવા તો કોઇ ફિલ્મે સ્હેજ અપેક્ષા ઊભી કરી હોય તે જોઇ નાખવી સારી…

 

લોથલ ,સ્કૂલના પાઠ અને નવા પદાર્થપાઠ

20140826-012529.jpg20140826-012613.jpg

 

સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. ઇતિહાસ જેવા સૌથી રસપ્રદ વિષયને સૌથી બોરિંગ રીતે રજૂ કરવામાં 20140826-012740.jpgઆમ પણ આપણા સરકારી પાઠ્યપુસ્તકોના લેખકો નિષ્ણાતો હોય છે
વર્ષો પછી કોલેજમાં ઇન્ડિયન કલ્ચર વિષય સેકન્ડ સબ્સિડરી તરીકે લીધો હતો ત્યારે ફરી લોથલ વિશે ભણવામાં આવ્યું. આ વખતે વિષયની રજૂઆત થોડી રસપ્રદ હતી અને શિક્ષણ આપવાની પદ્ધતિ પણ એટલે થોડો રસ પડયો. પણ છેવટે તો એ દ્વિતિય ગૌણ વિષય હતો એટલે રસ જાગ્યો એવો સુકાઇ ગયો.
કોલેજમાં એનએસએસના કેમ્પમાં તો અરણેજમાં રોકાવાનું પણ બન્યું. ત્યારે કોઇએ કહ્યું જ નહીં કે અહીંથી પગપાળા ચાલીને જવાય તેટલા જ અંતરે લોથલનો ટીંબો છે. ઘણા સમય પછી તેની જાણ થઇ ત્યારે અફસોસ થયો. બાદમાં તો વડોદરાથી ભાવનગર જવાનું થાય ત્યારે દર વખતે રસ્તામાં લોથલના રસ્તાનું સરકારી પાટિયું આવે અને હું અને ખ્યાતિ એવા મનસૂબા ઘડી લઇએ કે એક20140826-012754.jpg દિ વાત છે આ લોથલનો આંટો મારી જ આવવો પડશે.
મેળ ના પડયો , ના પડયો અને છેક અમદાવાદ ફરી રહેવાનું થયું ત્યારે એકદમ અચાનક વરસાદી બપોરે ધૂન ચડી. ચાલો લોથલ.
અમદાવાદથી રાજકોટ હાઇવે પર સડસડાટ જઇએ ત્યારે બગોદરાના ચાર રસ્તા આવે છે. ત્યાંથી લેફ્ટ ટર્ન લઇએ એટલે લોથલનો રસ્તો છૂટો પડે છે. લોથલ જેવા સબ્જેક્ટમાં તો આપણા જેવા કેટલાને રસ પડે એવો ખ્યાલ હતો એટલે સુમસામ જગ્યાએ આંટા મારવાનું થશે એવી મારી અને ખ્યાતિની ધારણા હતી. પરંતુ સુખદ રીતે તે ધારણા ખોટી પડી. અહીં તો ખાસ્સી સંખ્યામાં લોકો હતા. ગુજરાતીઓ ઉપરાંત ગુજરાતમાં વસી રહેલા દક્ષિણ ભારતીયો તથા અન્ય લોકો પણ પુછતા પુછતા પંડિત થઇને આવી પહોંચ્યા હતા.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીંથી મળેલી ચીજોના પ્રદર્શન સાથે સમજ આપતું એક નાનું મ્યુઝિયમ બનાવ્યું છે. લોથલની અત્યા20140826-012834.jpgરની સાઇટમાં અનુમાન અને કલ્પનાના રંગ ઉમેરીએ તો કદાચ ત્યારે લોથલ કેવું દેખાતું હશે તેનું સુંદર મોડલ પણ બનાવ્યું છે. પણ, એક વાત ખૂંચી. આ મ્યુઝિયમમાં કયાંય ફોટા પાડવાની મનાઇ છે. આ પ્રાચીન ચીજોના કે લોથલના પેલા મોડલના ફોટા પાડીને કોણ શું લાભ લઇ જશે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટવાળાને શું નુકસાન થશે એ સમજાયું નહીં. ખેર, પણ આ મ્યુઝિયમ જોઇને પછી એકચ્યુઅલ સાઇટની લટાર મારવામાં વધારે મજા આવી કારણ કે ત્યારે સ્થળ પર ઊભા રહીને કેટલીય ચીજો કલ્પી શકાતી હતી.
લોથલમાં રહેનારા લોકો દુનિયાભરની પ્રજાઓ સાથે વેપાર કરતા હતા. આ દરિયાપારની પ્રજાઓના સંપર્કના કારણે કદાચ તેમનામાં એક પ્રકારનું રંગીલાપણું આવ્યું હતું. તેમની જિંદગી સાવ શુ્ષ્ક ન હતી. સ્ત્રી અને પુરૂષે ધારણ કરવાની સુશોભન અને શણગારની અનેક ચીજો અહીંથી મળી છે તેનો મતલબ કે લોકોને ઠઠ્ઠારો કરીને મ્હાલવાનો શોખ હશે. સારા દેખાવું, સુંદર લાગવું , સુંદર અ20140826-012913.jpgને આકર્ષક રહેવું તેમને ગમતું હશે. ત્યારની નૌકાઓની બનાવટો, વેપાર વણજની રીતો એ વિશે જાત જાતના અનુમાનો કરી શકાય છે. ત્યારે પૈસાનું ચલણ કેવી રીતે હશે કે કેવી મુદ્દાઓના આધારે બધી ચીજોની લે વેચ થતી હશે તેની કલ્પના કરવાની અમને બંનેને મજા આવી.
લોથલના ટીંબા પર આંટા મારતાં મારતાં એક વાત જરૂર સમજાઇ. શા માટે આર્કિયોલોજીનું ભણતર મહત્વનું છે ? શા માટે લોકોને આર્કીયોલોજીમાં રસ લેતાં કરવાં જોઇએ ? આ ભૂતકાળને સમજવામાં વર્તમાનની અનેક સમસ્યાઓ અને ભવિષ્યના અનેક આયોજનોની ચાવી છૂપાયેલી છે. પાંચ હજાર વર્ષ પહેલાં અહીં એક બંદર ધમધમતું હતું. એક એવી સંસ્કૃતિ પાંગરી હતી જેના છેડા આજના પાકિસ્તાન કે ઇરાન સુધી પહોંચતા હતા. એ લોકો દુનિયાના અન્ય તમામ ખંડો સાથે સંપર્કમાં હતા. તેમનો ધર્મ કયો હતો ? તેઓ કયા સંપ્રદાયને માનતા હતા ? દેશ માટેની તેમની વ્યાખ્યા શું હતી ? તેઓ કઇ સરહદોને માન્ય રાખતા હતા ? તેઓ કયું ચલણ સ્વીકારતા હતા ? તેઓ 20140826-012707.jpgકઇ ભાષા બોલતા હતા અને ત્યારે તે જમાનામાં દુનિયાના બાકીના દેશોના લોકો સાથે કઇ ભાષામાં વ્યવહાર કરતા હતા. ? આ પાંચ હજાર વર્ષમાં આપણે કૂંડાળાઓની બહાર પગ મૂકતા જવાનો હોય તેને બદલે આપણે તો વધારેને વધારે કૂંડાળા રચતા ગયા છીએ અને સમસ્ત માનવજાતને નાહકના ટેન્શનોમાં કેદ કરતાં ગયાં છીએ. આપણા પૂર્વજો પાસેથી આપણે શું શીખવાનું હતું, આપણે શું શીખ્યા ? અહીં ઊભા રહ્યા પછી લોકો જમીનના ટૂકડા માટે ઝઘડતા હોય એ બહુ હાસ્યાસ્પદ લાગે. પોતે જમાવેલી પ્રોપર્ટી, પોતે જમાવેલાં સામ્રાજ્ય કે અન્ય કોઇએ જમાવેલાં સામ્રાજ્યના વારસ હોવાના અભિમાન વિશે વિચારીએ તો એ બહુ ફની લાગે.
આ ટીંબા પર આંટા મારતા મારતાં એ પણ સમજાયું કે હજુ હું અમદાવાદના જે વિસ્તાર માં રહું છું ત્યાં ભૂગર્ભ ગટર યોજના નથી આવી. હજી ખાળકૂવાની સિસ્ટમ ચાલે છે. ત્યારે હું જે પાંચ હજાર વર્ષ પહેલાંના જે ટેકરા પર ઊભા હતો ત્યાં મારાથી કેટલેક ડગલાં દૂર આજની આધુનિક નગર યોજનાઓને ટક્કર આપે તેવી ડ્રેનેજ સિસ્ટમ મોજુદ હતી. મેં વારેવારે સુરતની ગલીઓમાં ઘૂસી જતાં પૂરને જોયું છે વડોદરામાં આવવા જવાના માર્ગો બંધ થઇ જતાં રસ્તાઓ પર કેદ થઇ જતું પાણી જોયું છે. પાણી કયાંથી આવશે અને કયાંથી જશે તેનો વિચાર ગુજરાતમાં જ અમદાવાદથી સવાસો કિલોમીટર દૂરના અંતરે આવેલી આ જગ્યા પર હજારો વર્ષ પહેલાં થઇ ચૂકયો હતો. આ વિચાર આપણે કયાં ચૂકી ગયા ?

 

 

 

જીવનસાથી = પ્રિયજન =મિત્ર

જિંદગીમાં કેટલાક સંબંધોનું સ્વરૂપ સ્થાયી હોય છે. મોટાભાગના બ્લડ રિલેશન્સને તમે આ કેટેગરીમાં મુકી શકો. પણ, બ્લડ રિલેશન્સ સિવાયના સંબંધોનું સ્વરૂપ બદલાઇ શકે છે.  લવ મેરેજ કરનારા ઘણા યુગલોએ પહેલાં જે મિત્ર હોય તે પ્રિયજન બને અને પ્રિયજનમાંથી જીવનસાથી બને એવું સંબંધનું રૂપાંતર અનુભવ્યું હશે. ઘણી વખત સંબંધ મૈત્રીની હદ ઓળંગીને પ્રેમની સીમામાં કયારે દાખલ થઇ જાય છે તે ખબર રહેતી નથી. ઘણી વખત એવું બને કે એક પાત્ર મૈત્રીમાંથી પ્રેમની હદમાં પહોંચી ગયું હોય પણ બીજું પાત્ર હજુ મૈત્રીની હદમાં જ હોય  કેટલીકવાર આ હદ ઓળંગાઇ જતી હોય છે અને કયારેક મૈત્રીની હદમાંથી પણ હદપાર થઇ જવું પડે છે. મરીઝની એક પંક્તિ યાદ આવે છે, એની બહુ નજીક જવાની છે આ સજા….મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો….

પણ, અહીં જરાક ઉલ્ટા સુલ્ટા ક્રમની વાત કરવી છે.  જીવનસાથી હોય એ પ્રિયજન બની શકે ખરા અને પ્રિયજનમાંથી ફરી મિત્ર બની જવાની અનુભૂતિ કેવી હોય..

મોટાભાગે લગ્ન સંબંધમાં એક પ્રકારની પઝેસિવનેસ હોય છે. આપણે ત્યાં લગ્ન સાથે અપેક્ષાઓ અને જવાબદારીઓના બિસ્તરાં પોટલાં સાથે હોય જ છે. એટલે શરૂઆતમાં પ્રિયજન જેવો ઉમળકો રહે પણ ધીમે ધીમે તે ઓસરતો જાય. થોડાંક વર્ષો પછી તો પડયું પાનું નિભાવી લેવાતું હોય. કયારેક સાવ આવી હાલત ના હોય તો પણ કેટલા પતિ પોતાની પત્નીને કે પછી કેટલી પત્નીઓ પોતાના પતિને દિલ ખોલીને બધી જ વાત કરી શકતા હશે.

ઘણા એવાં યુગલનો પરિચય છે જેમાં પતિના ઘણા વ્યવહારોની જાણ પત્નીને હોતી નથી. માત્ર અફેરની વાત નથી. એ સિવાય પણ ઘણી બાબતો પતિઓ પત્નીને કહેતા નથી. એમાં વ્યસનથી માંડીને યારી દોસ્તી પણ આવી જાય, ઓફિસમાં મળેલો ઠપકો કે પછી રસ્તામાં થયેલી તકરારની વાત પણ આવે. કયારેક નાણાંકીય મુશ્કેલીની વાત એટલા માટે છુપાવવામાં આવે છે કે એમ લાગે છે કે પત્ની એ સહન નહીં કરી શકે.

બીજી તરફ, પત્ની પાસે પણ પતિથી છુપાવવા જેવું કશું નથી હોતું એવું માનવા જેવું નથી. પોતાના સંતાન કે નાના ભાઇ બહેનના અફેર અને ખર્ચા, સ્કુલના રિઝલ્ટ, કોઇ ખરીદી અથવા બચત, પતિ કે કુટુંબની મરજી વિના નિભાવાતો સામાજિક વ્યવહાર, બહેનપણીઓ સાથે થયેલા કિટ્ટા-બુચા કે પછી કોઇ તરફથી અણછાજતું વર્તન. પત્નીઓ કેવળ પતિને છેતરવા કે અંધારામાં જ રાખવા માટે નહીં પણ તેનું ટેન્શન ના વધે તે માટે પણ ઘણું છુપાવતી હોય છે. ટિનેજર દિકરીઓની મમ્મીઓ કે ટિનેજર નણંદની ભાભીઓ પાસે આવી ગુપ્ત વાતોનો ખજાનો હોઇ શકે છે.

લવ બર્ડઝ એકબીજાને છેતરવા માંગતા હોતા નથી પણ, એકબીજાને દુખી પણ કરવા માંગતા નથી. એટલે તેમની વચ્ચે ગુલાબી વાતોનું શેરીંગ વધારે હોય છે. દેખીતી રીતે જ પ્રિય પાત્ર સાથે ગાળવા મળતા સમયના ટુકડાઓમાં કોઇ તકલીફોના રોદણા રોતું નથી. કોઇ પોતાની નબળાઇઓની વાત પણ કહેતું નથી. પુરૂષ હંમેશ પોતાની જાતને વિશ્વનો સૌથી શક્તિશાળી, સૌથી સમર્થ અને સૌથી લાગણીશીલ વ્યક્તિ પુરવાર કરવા માગતો  હોય છે. પ્રેયસી પોતાના પ્રિયજનને લાગણીથી તરબતર કરી દેવા આતુર હોય છે .આપણે સારા છીએ… આ દુનિયા સારી છે …આપણું બધું જ સારું થવાનું છે…લેટસ’ એન્જોય… !

મિત્રતા એક જ એવો સંબંધ છે જેમાં સુખદુખ વહેંચવામાં કોઇ સંકોચ નડતો નથી. કેટલાંક સુખ એવાં હોય છે જે પ્રિયજન કે જીવનસાથી સાથે વહેંચી શકાતાં નથી.  જેમાં દર વખતે ઉમંગ અને આનંદની વાતો કહેવી ફરજિયાત નથી. જેમાં પોતાનું ટેન્શન અચૂકપણે શેર કરવાનું જ હોય છે.  ઘણા વ્યક્તિની અમુક અતરંગ વાતો તેમના મિત્રના સેફ ડિપોઝિટ વોલ્ટમાં જ સલામત હોય છે અને તેની કુંચી તેમના પ્રિયજન કે જીવનસાથી પાસે પણ હોતી નથી.

આમ તો કહેવાય છે કે લગ્ન એ મૈત્રીનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. પણ, આવી  પતિ અને પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોય એવું ઓછું બને છે.  લગ્ન પછીના પ્રેમની અનેક વાતો છે, કથાઓ છે. પરંતુ, લગ્ન પછીની મૈત્રી જુદી વાત છે. મેરેજ એનીવર્સરી કે વેલેન્ટાઇન ડે ઉજવનારાં પતિ અને પત્ની ફ્રેન્ડશીપ ડે ના મનાવતાં હોય એવું પણ બને છે.  ફ્રેન્ડમાંથી લવબર્ડ બનીને ચોરીના ચાર ફેરા ફરનારા યુગલોની યાદીમાંથી પણ કેટલાંક વર્ષો પછી ફ્રેન્ડશીપ ડે ની બાદબાકી થઇ જાય છે.

ફ્રેન્ડમાંથી લવ બર્ડ બન્યા હોય એમના માટે પણ પ્રેમ સંબંધ તુટયા પછી મિત્ર બની શકવાનું અઘરું હોય છે. એક્સ બોયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ માત્ર ફ્રેન્ડ બનીને રહી શકતા નથી.  કોઇએ આપણો પ્રેમ ઠુકરાવ્યો હોય તેટલા માત્રથી આપણા દુશ્મન કેવી રીતે થઇ જાય ? પણ, માત્ર પ્રપોઝ કર્યું હોય અને જવાબ ‘ ના’ માં આવ્યો  હોય તેવા કિસ્સામાં કોઇ મિત્ર બની શકે અને ભવિષ્યમાં ફરી પ્રેમના તરંગો રચાવા માંડે એવું બની શકે પણ થોડા લાંબા સમય પછી પ્રેમ સંબંધ તુટયા હોય તેવા કિસ્સામાં તે પછીનું સ્ટેજ મોટાભાગે નફરત, શંકા, તિરસ્કાર, અણગમા કે વેદનાનું જ કેમ હોય છે….

પ્રેમ એટલે કશ્મકશ…..

પ્રેમ થવો એ એક વાત છે…જેનાં પ્રેમમાં પડયા હોઇએ તે આપણા પણ પ્રેમમાં પડે એ વળી બીજી વાત છે…. બંને એકબીજાના પ્રેમમાં હોય તેઓ જીવનસાથી બની શકે એ પાછી ત્રીજી વાત છે અને જીવનસાથી બન્યા પછી પ્રેમ ટકી રહેવો એ પાછી જુદી જ વાત છે.

પ્રેમના પંથમાં આ બધા જુદા જુદા મુકામ છે અને આ દરેક મુકામ વખતે કયારેક ને કયારેક કોઇને કોઇ કશ્મકશ તો અનુભવાય જ છે. આ કશ્મકશ પછી પ્રિય પાત્રને જતું કરનારા લોકોની બહુમતી છે. બહુ ઓછા લોકો પોતાના અસલ પ્રેમને વળગી રહી શકે છે કે તેના તરફ પાછા ફરી શકે છે.અરે, અસલ પ્રેમ કયો કહેવાય તેની ઓળખ મેળવવાની સજજતા અને તૈયારી પણ બહુ ઓછા લોકોમાં હોય છે.

પ્રેમની આ બધી ઝીણી ઝીણી…મીઠી મીઠી…કયારેક પીડા સર્જતી અને કયારેક રોમાંચ પમાડતી કશ્મકશ અનુભવવાની પણ એક મજા છે. જેમની જિંદગીમાં આ બધી કશ્મકશની કરકરી યાદોનો ખજાનો નથી એ લોકો ખરેખર કમનસીબ છે. મુળ બંગાળીમાં બનેલી અને હિન્દીમાં પણ ડબ થયેલી ઋતુપર્ણ ઘોષની ફિલ્મ કશ્મકશ માણ્યા પછી સૌ કોઇને પોતપોતાની આવી કોઇ કશ્મકશ મમળાવવાનું મન થઇ જશે.

કશ્મકશ એવા સમયે રિલીઝ થઇ છે જયારે કોરાં આકાશમાં વાદળોનું આગમન શરૂ થઇ ગયું છે. દરેક વાદળ એક સંભાવના…એક સંદેશ લઇને આવે છે. કદાચ કોઇ વાદળ કોરુંને કોરું પસાર થઇ જશે. કદાચ કોઇ વાદળ માત્ર બે ઘડી છાંયો આપીને રવાના થઇ જશે. કોઇ વાદળ વરસી પણ શકે છે.  વાદળાં છવાયાં હોય , ઠંડો પવન વાતો  હોય અને ત્યારે કોઇ કશ્મકશની વાત યાદ ના આવે તો માનવું કે હ્રદય એપ્રિલના આકાશ જેવું કોરું ધાકોર છે.

વાદળાં અને યાદગીરીઓ વચ્ચે પણ કેટલું સામ્ય છે. કયારેક એ એકલદોકલ હોય તો કયારેક ફોજ હોય…કયારે એનાથી મન પ્રસન્ન થઇ જાય તો કયારેક અકળામણ અને મુંઝારો પણ લાગે….બંનેનો કોઇ નિશ્ચિત આકાર નહીં….એ ગમે તે દિશામાંથી આવે અને ગમે તે દિશામાં જાય…કયારેક દિવસોના દિવસો સુધી ગોરંભાયા કરે અને કયારેક  થોડીવારમાં વિખેરાઇ જાય…બંનેને મમળાવ્યા કરો અને એમાંથી નવા નવા આકાર , નવા નવા અર્થ નીકળતા જાય…એ ભીડ અને ઘોંઘાટ વચ્ચે નહીં પણ એકાંતમાં માણવાની મજા આવે……કેટલીકવાર એ મૌન રહીને પસાર થઇ જાય…પણ કયારેક એ ગર્જના કરે અને વીજળીના ચમકારા પણ થાય……એક વાદળ અસંખ્ય લોકો જુદી જુદી રીતે જોઇ અને માણી શકે તેવું જ કોઇ એક યાદનું પણ છે ને….એક જ ઘટના કે એક જ પાત્રની યાદને લોકો કેવી અલગ અલગ રીતે સાચવતા અને માણતા હોય છે…

કશ્મકશ વિનાનો…આ પાર કે પેલે પારની દ્રઢતા ધરાવતો પ્રેમ  જ પાકો અને દ્વિધા ધરાવતો પ્રેમ કાચો એવું અર્થઘટન કરી શકાય ખરું ?

લાંબા સમય સુધી ટકી રહે તે પ્રેમ સાચો અને થોડા સમય માટે થઇ જતો અને પછી ભુલી જવો પડતો પ્રેમ કાચો એવું માનવાની ઉતાવળ કરવા જેવી નથી. કયારેક કોઇ અલ્પ સમય માટે  થઇ જતા પ્રેમની એટલા દિવસો પુરતી તીવ્રતા પેલા દીર્ઘજીવી પ્રેમને ટક્કર માટે તેવી હોય છે.

કશ્મકશ..ની સાથે સાથે જ રિલીઝ થયેલી  કુછ લવ જૈસા…ની વાત પણ આવી જ કાંઇક છે . લાગણીને લંબાણ કે કાયમીપણાના માપદંડથી માપવાની કશ્મકશમાં પડવા જેવું નથી. કયારેક કોઇ મોટું વાદળ લાંબા સમય  સુધી રહે પણ વરસે નહીં અને એક નાની વાદળી આવીને ફટાફટ ભીંજવતી જાય એવું બની શકે છે….હા, એટલું ખરું કે આવી ભીંજાવાની તૈયારી હોવી જોઇએ.  કયારેક સતત વરસતા રહેતા મુશળધાર વરસાદમાં એકધારાપણું લાગે પણ કયારેક થોડી મિનીટો માટે આવીને ભીંજવી જતું ઝાપટું એવી સુગંધીદાર ભીનાશ મુકીને જતું રહે કે એમાં જ ખોવાયેલા રહેવાનું મન થાય.

જુન મહિનો એટલે જ મને ગમે છે કારણ કે તે તેની પાછળ પાછળ આખું ચોમાસું લઇને આવે છે.  અને આ ભીની મોસમમાં શાળાઓ અને કોલેજોના કેમ્પસ પર  સર્જાશે અનેક રીયલ લાઇફ કશ્મકશ અને કુછ લવ જૈસા…..