કોલેજકાળની એક ફ્રેન્ડ  સાથે હમણા વર્ષો પછી વાત થઇ. કોલેજના દિવસોની યાદગીરીનો દાબડો ખુલી ગયો. એ સમયના બધા મિત્રોને યાદ કર્યા. કોણ કયાં છે, શું કરે છે, કોનો સંસાર કેવો ચાલે છે તેની પણ વાતો થઇ. મેં મારો સંપર્ક જળવાઇ રહ્યો હોય તેવા કેટલાક મિત્રોના નામ આપ્યા. તેણે તેની સાથે સંપર્ક રહ્યો હોય તેવા કેટલાક મિત્રોની વિગતો આપી. આ યાદીમાં એક છોકરીનું પણ નામ હતું. તેણે મને બીજા બધાના ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ અને સરનામા આપ્યાં પણ તે છોકરીના  સંપર્કની કોઇ વિગતો આપવાની ના પાડી.

મેં પૂછયું આવું કેમ ? , તો મારી ફ્રેન્ડ કહે  કે તેના પતિને એ  ગમતું નથી. મે પુછયું કે કે તેના પતિને તેની પત્નીના કોલેજકાળના કોઇપણ મિત્ર સંપર્ક કરે તો નથી ગમતું ?  તો કહે ના, એવું નથી. બહેનપણીઓ સંપર્ક કરે તો ચાલે પણ, છોકરાઓ નહીં.

મને આંચકો લાગ્યો. સાથે નિસાસો પણ નીકળ્યો. જે છોકરીની વાત થતી હતી તે અભ્યાસમાં બહુ તેજસ્વી હતી. જયારે જોઇએ ત્યારે અભ્યાસને લગતું જ કાંઇક વાંચતી હોય. અમને યાદ નથી કે કયારેય કોલેજમાં તેણે કોઇ લેકચર બન્ક કર્યું  હોય. અમારા ગ્રૂપના ઘણા છોકરાઓ અને છોકરીઓ પણ એવાં હતા જેમણે કોલેજના ત્રણેય વર્ષ લેકચર્સ એટેન્ડ કરવાની બહુ પરવા ના કરી હોય. બસ, એ છોકરી પાસેથી નોટ્સ લઇ લેવાની એટલે ચાલે. એમાં નવાઇની વાત નથી કે એ પોતાના વિષયમાં ટોપ ફાઇવમાં જ રહેતી હતી. ગ્રૂપમાં બધાને એના માટે બહુ માન હતું. અમારા ગ્રૂપમાં તે હોવાનું અમને બધાને ગૌરવ પણ હતું.  અમારી કોમન ફ્રેન્ડએ આપેલી માહિતી મુજબ એ અત્યારે બહુ સારી જગ્યાએ જોબ કરે છે. તેનો પતિ પણ પણ બહુ હાઇલી એજ્યુકેટેડ છે અને મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરે છે.  તેઓ બહુ સુખી છે. મહાનગરમાં પોતાનું મકાન છે…કાર છે…. વગેરે…વગેરે….

પણ, અમારી ફ્રેન્ડના જણાવ્યા મુજબ તે પણ તે છોકરીને કોલેજ છુટી ગયાના વર્ષો પછી કયાંક મળી હતી. વાતચીતમાં એકબીજાના નંબરોની આપ-લે થઇ.કોલેજના ગ્રૂપની વાત થઇ. એ પછી તો એકબીજાના ઘરે આવવાજવાનું બન્યું ત્યારે તેના પતિ સાથે પણ વાત થઇ.  એક સંબંધુનું અનુસંધાન વર્ષો પછી સંધાયું તેનો આનંદ થયો.  મારી ફ્રેન્ડએ આ બધી વાતો જે રીતે મને કરી તે જ રીતે અમારા ગ્રૂપના તેની સાથે સંપર્કમાં રહેલા બીજા મિત્રોને પણ કરી હતી. વાત-વાતમાં તેણે તેનો મોબાઇલ નંબર પણ બીજા મિત્રોને આપ્યો હતો.

તેના થોડા જ સમયમાં એ છોકરીનો અમારી ફ્રેન્ડ પર ફોન આવ્યો કે તું આપણા કોલેજના ગ્રૂપના બીજા લોકોને મળે ત્યારે ખાસ કરીને કોઇ છોકરાઓને મારો નંબર આપીશ નહીં. મારા પતિને એ ગમતું નથી. એ છોકરીના કહેવા મુજબ પહેલીવાર તો ગ્રૂપના એક છોકરાનો ફોન આવ્યો ત્યારે પતિએ ખાસ વાંધો ના લીધો. ઉલ્ટાનું એ છોકરા અને તેના પતિ વચ્ચે કેટલીક કોમન ઓળખાણો નીકળી એટલે તેની સાથે તેણે ઘણી વાત કરી. પણ, એ પછી ગ્રૂપના બીજા છોકરાનો ફોન આવ્યો અને ત્રીજા છોકરાનો પણ ફોન આવ્યો ત્યારે પતિ અકળાઇ ગયા. પૂછવા માંડયા કે તારા ગ્રૂપમાં એકલા છોકરાઓ જ હતા કે શું ?

એ છોકરીએ તેના પતિને સમજાવ્યા કે આ તો વર્ષો પછી બધાને મારી એકસાથે એક જ અરસામાં  ભાળ મળી છે એટલે બધા સહજ રીતે હાય-હેલ્લો કરવા ફોન કરે છે અને તમને લાગે છેકે એકસામટા આટલા ફોન કેવી રીતે આવી રહ્યા છે. એમાનાકોઇ સાથે કયારેય કોઇ બહુ અંગત સંબંધ ન હતા . જો એવા કોઇ સંબંધ હોત તો આટલા વર્ષો એકબીજાના સંપર્કમાં જ ના હોઇએ તેવું ના બનત. કોલેજ પછી બધા પોતપાતાની કારકિર્દી આગળ વધારવામાં વ્યસ્ત થઇ ગયા ને બધા છૂટા પડી ગયા. હવે આટલા વર્ષે બધાને ખબર પડી છે તો બધા સહજ રીતે એકબીજાની પૃચ્છા કરે છે. એમાં ખોટું શું છે ?  તમે પણ આટલું બધું ભણ્યા છો તો તમારે પણ મોટું ગ્રૂપ હશે. એમાં છોકરા-છોકરીઓ હશે જ. કોઇ છોકરાને કોઇ છોકરી સાથે ચોક્કસ પ્રકારના જ સંબંધ હોય અને એ સિવાયનો સંબંધ શકય જ ના હોય એવું નથી એ તમે પણ જાણો છો અને સમજો છો પછી હવે આટલા વર્ષે આવા બધા સવાલો શા માટે  ? પણ, પતિએ કહી દીધું કે જો હું તારા માટે બહુ પઝેસીવ છું. તારી કોઇ બહેનપણી તને મળે , તું એને મળે એ આપણા ઘરે આવે જાય તેનો  મને વાંધો નથી. પણ, આ બધા છોકરાઓ સાથે હવે તારે કોઇ સંપર્ક રાખવાની જરૂર નથી.

અમારી ફ્રેન્ડએ કહ્યું કે એ પછી તેણે અમારા ગ્રૂપના બધા છોકરાઓને ફોન કરીને કહી દીધું કે મહેરબાની કરીને તમે એને ફોન ના કરશો. એને કોઇના ખબર પૂછવા હશે તો એ સામેથી ફોન કરી લેશે. પણ, તમારે એને ફોન નહીં કરવાનો. હવે પછી આપણા ગ્રૂપનું કોઇ મળે તો  તેને એના નંબર જ નહીં આપવાના.

આ વાત થોડી આંચકાજનક લાગે. ફેસબુક અને ઓરકુટ પર સેંકડો ફ્રેન્ડઝ બનતા હોય તેવા જમાનામાં થોડીક માની ના શકાય તેવી પણ લાગે પરંતુ, આ હકીકત છે.

એક જમાનામાં બોયઝ સ્કુલ અને ગર્લ્સ સ્કુલનું ચલણ હતું. અત્યારની જનરેશનને કદાચ માનવામાં નહીં આવે કે થોડું ફની પણ લાગશે કે  દાયકાઓ અગાઉ લગભગ દરેક ગામમાં આવી ક્ન્યા શાળાઓ અને કુમાર શાળાઓ જોવા મળતી હતી. હવે સ્કુલ અને કોલેજીસના ગ્રૂપ વર્ષોના વર્ષો સુધી ટકી રહેતાં હોય એ શકયબન્યું  છે. અમે લોકોએ લગભગ દોઢ દાયકા પહેલાં કોલેજ છોડી ત્યારે ફેસ બુક અને ઓરકુટ તો છોડો, મોબાઇલ ફોન પણ બાજુએ મૂકો પરંતુ ઘરે ઘરે લેન્ડ લાઇન ફોન પણ આટલા બધા ન હતા. આથી, સંપર્ક રાખવાનું બહુ શકય બન્યું નહી. કારકિર્દીની ગાડી ભગાવવામાંને ભગાવવામાં કેટલીય દોસ્તીઓ છુટી ગઇ. પણ, હવે થેન્કસ ટુ સોશ્યલ નેટવર્કીંગ સાઇટ્સ સંપર્કમાં રહેવું એ બહુ સરળ બાબત થઇ ગઇ છે.

હવે દરેક પતિને જાણ હોય છે કે જેમ તેના ગ્રૂપમાં છોકરીઓ હતી તેમ તેની પત્નીના ગ્રૂપમાં છોકરાઓ પણ હતા તેને જાણ હોય છે કે માત્ર કોલેજ ફ્રેન્ડ સિવાય પણ ઓફિસમાં સાથી કર્મચારીઓ પણ હોય છે, જેમની સાથે વર્ષોથી ઓળખાણ હોય તેવા ભાઇઓના મિત્રો પણ હોય છે, ઓનલાઇન દોસ્તીની એક નવી દુનિયા ખુલી ચુકી છે. જેમાં કોઇને કોઇના પરણિત હોવા કે ના હોવાથી બહુ ફરક પડતો હોતો નથી.

છતાં પત્નીના દોસ્તોને બહુ સાહજિક રીતે ના સ્વીકારી શકતા હોય તેવા પતિઓની સંખ્યા પણ બહુ ઓછી નથી. કોઇ સ્કુલ કે કોલેજના એલુમની એસોસિએશનમાં છોકરીઓની સંખ્યા બહુ ઓછી જ હોય છે ભલે ને પછી ગામમાંને ગામમાં તેનાં લગ્ન થયાં હોય તો પણ.  ઘણીવાર એવું થાય છે કે સ્કુલ કે કોલેજમાં આપણી સાથે ભણતી છોકરી આપણને કયાંક મળી જાય છે પણ, તેને બોલાવવાની તો ઠીક પણ ઓળખાણ પડયા પછી તેને સ્માઇલ આપવાની પણ હિંમત હાલતી નથી કારણ કે તેની સાથેના તેના પતિ કે તેના સાસરીયાંના સ્વજન કેવું ધારશે અને શું પ્રતિક્રિયા આપશે તેની ખબર નથી.

પોતાની દિકરીના ગ્રૂપમાં છોકરાઓ પણ છે એ વાત મમ્મીઓ સ્વીકારી શકે છે પણ , પરણ્યા પછી છોકરી જેને મમ્મીનું સંબોધન કરે છે તેવી તેની સાસુ કે સસરાને તે પોતાના સ્કુલ-કોલેજ સમયના દોસ્ત સાથે ઇન્ટ્રોડયુસ કરાવી શકે છે ? કેટલી છોકરીઓ માટે આ શકય છે ?

દરેક વિજાતીય મૈત્રીમાં પ્રેમસંબંધ નથી હોતો એવું સમાજ હવે ધીમે ધીમે સ્વીકારી રહ્યો છે છતાં પણ કોઇ છોકરી પરણી જાય પછી તેના પતિ અને સાસરીયાં આવા વિજાતીય સંબંધને બહુ સહજ રીતે સ્વીકારવા તૈયાર નથી હોતાં એવું મોટાભાગે જોવા મળે છે.

સ્કુલ-કોલેજમાં ભણવાની સાથે અનેક સહઅભ્યાસ પ્રવૃત્તિઓ હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, બૌદ્ધિક સ્પર્ધાઓ , જાત જાતની ઇવેન્ટ  એ બધામાં સારું ગ્રૂપ હોય તો જ વધુ એન્જોય કરી શકાય છે. એનએસએસમાં તો દસ દિવસના કેમ્પમાં પોતાના ગામથી બહાર કોઇ ગામડાંમાં રહેવાનું હોય છે. એ વખતે બધાએ એકબીજાની કેટલીબધી સંભાળ રાખી હોય, એકબીજાની સગવડો સાચવી હોય. એક બીજાની મદદ કરી હોય. સાથે હસ્યાં હોઇએ, સાથે નાચ્યાં હોઇએ અને ઘણી વખત સાથે રડયા પણ હોઇએ…તકરારો  થઇ હોય…ને પછી મનામણા પણ થયા હોય એ બધું વર્ષો પછી યાદ કરવાની અને મમળાવવાની મજા આવે છે. એ દિવસો પાછા જીવીએ એવું મન થયા કરતું  હોય છે. પણ, ખબર હોય છે કે એમ ભૂતકાળમાં પાછા જવાનું શકય નથી. આવા સમયે ત્યારના કોઇ મિત્રને મળવાનો અને તેની સાથે એ બધી યાદગીરીઓ વહેંચવાનો આનંદ કાંઇક જુદો જ હોય છે.

પણ, દરેક સંબંધ પર એક ચોક્કસ લેબલ લગાવી જ દેવાનો આપણો આગ્રહ ઘણી બધી છોકરીઓને એ દિવસોમાં પાછા જવાના આનંદથી વંચિત રાખે છે  ત્યારે તેમને કેટલો સંતાપ થતો હશે તે મને અમારા ગ્રૂપની છોકરી વિશે જાણ્યા પછી સમજાય છે.

Advertisements