બહુ ઝડપથી મુગ્ધ થઇ જવું અને માણવું એ મારો સ્વભાવ છે.   તેમાં પણ આ તો જિંદગીનો પહેલો વિદેશ પ્રવાસ.. અને એ પણ, વડાપ્રધાનના ખાસ વિમાનમાં…જી20  જેવા વિશ્વના ટોચના દેશના નેતાઓનું સંમેલન અને તેમાં વિશ્વભરમાંથી આવેલા છ હજાર પત્રકારોમાંના એક આપણે હોઇએ…ખુમાર ચઢવો બહુ સ્વાભાવિક અને સહજ હતો. કદાચ..આવા પ્રસંગે ખુમાર ના હોય તો એ એબ્નોર્માલિટી કહેવાય અને થેન્ક ગોડ !  હું નોર્મલ છું.

પણ, એ ખુમાર, એ કેફ, એ મુગ્ધતા કોઇપણ બાબતને યથાતથ નિહાળવાની ક્ષમતા છિનવી લે છે. એટલે જ નક્કી કર્યું , ભલે, થોડુંક મોડું થાય પણ કોરિયા ડાયરી થોડોક કેફ ઉતર્યા પછી લખીશ.

પણ, સીધા કોરિયા જતાં પહેલાં મારે વડોદરાથી દિલ્હી જવું પડયું હતું અને એટલે જ દિલ્હીની થોડી વાત કરી લેવી પડશે.

તા. 9-11-2010

દિલ્હી સ્ટેશને ઉતરતાં વેંત દિલ્હી પોલીસનો બહુ સારો અનુભવ થયો. સ્ટેશનથી કોઇ રીક્ષાવાળા રફી માર્ગ જેવા વિસ્તારમાં આવવા તૈયાર ન હતા.  એ તો મને રફી માર્ગ પહોંચ્યા પછી ખબર પડી કે કેન્દ્ર સરકારના મોટાભાગના મંત્રાલયોની ઓફિસ આ વિસ્તારમાં છે. અહીં, જનરલી કોઇ રીક્ષામાં આવવાવાળું હોય નહીં એટલે બિચારા રીક્ષાવાળાને વળતી સવારી મળે નહીં. પણ, સ્ટેશને તો હું બરાબરનો અટવાયો  હતો. પછી, શું સુઝયું કે ચાલતો ચાલતો નજીકના ટ્રાફિક સર્કલ પર ગયો અને ત્યાં ટ્રાફિક મેનેજ કરતા પોલીસવાળાને વાત કરી. એણે મને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો. એકદમ નમ્રતાથી કહ્યું , હું તમારા માટે કાંઇક વ્યવ્સ્થા કરું છું.  થોડી વારમાં એક રીક્ષા વાળો ત્યાંથી પસાર થયો એટલે તેણે તેને અટકાવ્યો અને કહ્યું, આમને રફીમાર્ગ ઉતારી દેજે અને મને કહ્યું કે, સાહેબ, આ તમને તમારી જગ્યાએ ઉતારી દેશે અને ભાડું પણ વાજબી લેશે. વાજબી ભાડાંની વાત એણે રીક્ષાવાળાને જ સંભળાવવા કહી હતી. અને આમ….દિલ્હી પહોંચ્યાના એક કલાક પછી હું આઇએનએસ બિલ્ડીંગ પહોંચ્યો.

આઇએનએસ એટલે દેશના તમામ ન્યુઝપેપરના સંગઠન ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટીની અહીં ઓફિસ છે. દેશના લગભગ તમામ ભાષાના તમામ મુખ્ય અખબારોના દિલ્હી બ્યુરો આ બિલ્ડીંગમાં છે. નજીકમાં જ પ્રેસ કલબ અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયા એટલે કે જે પીટીઆઇના સમાચારો  આપણે દાયકાઓથી છાપાંઓમાં વાંચતા રહીએ છીએ તેની પણ ઓફિસ બાજુમાં જ છે.  દેશની રાજધાનીમાં બનતી રોજેરોજની ઘટનાઓ, ઘટનાપ્રવાહો,  સમગ્ર દેશને અસરકર્તા નિર્ણયો અને પ્રક્રિયાઓની વાત આ બિલ્ડીંગમાંથી કરોડો ભારતીયો સુધી તેમની ભાષામાં પહોંચે છે.  જેમણે કોઇ છાપાંની ઓફિસમાં આવતા સમાચારો. ત્યાંથી પ્રસરતા સમાચારોનું વાતાવરણ અનુભવ્યું હોય તેઓ કદાચ એ વખતની મારી ફિલીંગ સમજી શકશે.

દિલ્હી એટલે સ્વાર્થી અને મતલબી લોકોનું શહેર એવું વાંચ્યું કે સાંભળ્યું હતું.  એવું પણ સાંભળ્યું હતું કે દિલ્હીમાં ડગલે ને પગલે સિકયોરિટીની કનડગત છે. પણ, મને દર વખતે  જુદો અનુભવ થતો ગયો. કદાચ સ્ટેશને પેલા પોલીસવાળાએ સારા અનુભવના શુકન કરાવ્યાં હતાં. દિલ્હીમાં મેટ્રો ટ્રેનના સ્ટાફ અને સિકયુરિટી પર્સોનલથી માંડીને શાસ્ત્રી ભવનના  સિકયોરિટી કાઉન્ટર અને એરફોર્સ સ્ટેશન પાલમ ખાતેના એરફોર્સના કર્મચારીઓ સુધી. નમ્રતા , શિષ્ટ વાતચીત, અજાણી વ્યક્તિને મદદરૂપ બનવા શકય તેટલા પ્રયાસો આ બધું સ્પર્શી ગયું. એટલા માટે ખાસ , કે વડોદરામાં અને ગુજરાતમાં મેં ઘણા સરકારી સમારંભો એટેન્ડ કર્યા છે અને તેમાં સિકયોરિટીના નામે થતી હેરાનગતિનો જાત અનુભવ કર્યો છે.  સમાચારો માટે ઘણી વખત પોલીસ સાથે પનારો પાડયો છે અને એ વખતે પોલીસની બિનજરૂરી કડકાઇ, રૂક્ષતા , દરેક સાથે તોછડાઇથી જ વાત કરવાની શૈલી એ બધાનો અનુભવ કર્યો છે.

શાસ્ત્રી ભવન એટલે દેશના વિદેશ મંત્રાલય સહિતના બીજાં અનેક મંત્રાલયોની કચેરી ધરાવતું અનેક બ્લોકનું બનેલું સંકુલ.  અહીં સાંજે વિદેશ સચિવ નિરૂપમા રાવની પ્રેસ કોન્ફરન્સ હતી.  ઓબામાની ભારતમાંથી હજુ સવારે જ વિદાય થઇ હતી એટલે એ મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રત્યાઘાત જાણવા દિલ્હીનું મિડીયા આતુર હતું. સમગ્ર કોન્ફરન્સ હોલ ખીચોખીચ ભરાયેલો હતો. દેશના તમામ અગ્રણી છાપાં અને ચેનલો ઉપરાંત વિદેશી મિડીયાના પ્રતિનિધિઓ પણ હાજર હતા.  વડોદરા અને ગુજરાત બહારના મિડીયા માટેનું આ મારું પહેલું એકસ્પોઝર… બધા પત્રકારો શાંતિથી વારાફરતી પોતાના પ્રશ્નો, પેટા પ્રશ્નો રજુ કરતા જાય. નિરૂપમા રાવ તેના બહુ સ્પષ્ટ અને નિખાલસ જવાબો આપતા જાય..કોઇ પ્રશ્ન ટાળવાની વાત નહીં કે ગોળ ગોળ જવાબો નહીં…મને ખબર છે કે વિદેશી મિડીયાનું પ્રતિનિધિત્વ કરતા એક ભારતીય પત્રકારે તો બહુ તોછડાઇથી અને નિરૂપમા રાવ પર અંગત પ્રહારો કરતો પ્રશ્ન પુછયો. એની ભાષા ખરેખર બહુ એબ્યુઝીવ હતી. પણ, નિરુપમા રાવે જરા પણ ઉશ્કેરાયા વિના એને જવાબ આપ્યો. જોકે, એ વખતે બાકી તમામ પત્રકારોએ એક અવાજે પેલા પત્રકારને ઝાટકી નાખ્યો અને કહ્યું કે પ્રશ્ન પુછવાની આ રીત બરાબર નથી. તમારે આ ભાષામાં વાત કરવાની જરૂર નથી.  આ પ્રોફશનાલિઝમ જોઇને આનંદ થયો.

આ પ્રેસ કોન્ફરન્સ અને એ પછીની પ્રેસ કોન્ફરન્સીસ માં મને એક લાક્ષણિકતા જોવા મળી  કે પહેલાં સત્તાવાર બ્રિફીંગ થાય. તેના પર સવાલ-જવાબનું સેશન ચાલે. એ પછી તમામ કેમેરા અને માઇક્સ બંધ કરાવી દેવામાં આવે અને બાદમાં, અધિકારીઓ દ્વારા બિનસત્તાવાર એટલે કે જેમાં કોઇ અધિકારીના નામનો ઉલ્લેખ કર્યા સિવાય સમાચાર આપવાના હોય છે એવું બ્રિફીંગ થાય. અહીં  અધિકારીઓ જરા વધુ ખુલ્લીને વાત કરે. નિરુપમા રાવે એક પ્રશ્નનો સરસ જવાબ આપ્યો કે વિદેશ નીતિમાં કયારેક મૌનથી વાતો કરવાની હોય છે અને કયારેક કેટલીક વાત બિટવીન ધ લાઇન્સ કહેવાની હોય છે. સરકાર જે વાત બાકીની દુનિયા સુધી ગર્ભિત રીતે પહોંચાડવા માગતી હોય તે આ બિનસત્તાવાર બ્રિફીંગમાં કહેવાતી હોય છે. આ સત્તાવાર અને પછી બિનસત્તાવાર બ્રિફીંગનો સિલસિલો બાકીના ત્રણ દિવસ પ્લેનમાં અને સિઓલમાં પણ ચાલતો રહ્યો.

Advertisements