Category Archives: આજુબાજુ

લોથલ ,સ્કૂલના પાઠ અને નવા પદાર્થપાઠ

20140826-012529.jpg20140826-012613.jpg

 

સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. ઇતિહાસ જેવા સૌથી રસપ્રદ વિષયને સૌથી બોરિંગ રીતે રજૂ કરવામાં 20140826-012740.jpgઆમ પણ આપણા સરકારી પાઠ્યપુસ્તકોના લેખકો નિષ્ણાતો હોય છે
વર્ષો પછી કોલેજમાં ઇન્ડિયન કલ્ચર વિષય સેકન્ડ સબ્સિડરી તરીકે લીધો હતો ત્યારે ફરી લોથલ વિશે ભણવામાં આવ્યું. આ વખતે વિષયની રજૂઆત થોડી રસપ્રદ હતી અને શિક્ષણ આપવાની પદ્ધતિ પણ એટલે થોડો રસ પડયો. પણ છેવટે તો એ દ્વિતિય ગૌણ વિષય હતો એટલે રસ જાગ્યો એવો સુકાઇ ગયો.
કોલેજમાં એનએસએસના કેમ્પમાં તો અરણેજમાં રોકાવાનું પણ બન્યું. ત્યારે કોઇએ કહ્યું જ નહીં કે અહીંથી પગપાળા ચાલીને જવાય તેટલા જ અંતરે લોથલનો ટીંબો છે. ઘણા સમય પછી તેની જાણ થઇ ત્યારે અફસોસ થયો. બાદમાં તો વડોદરાથી ભાવનગર જવાનું થાય ત્યારે દર વખતે રસ્તામાં લોથલના રસ્તાનું સરકારી પાટિયું આવે અને હું અને ખ્યાતિ એવા મનસૂબા ઘડી લઇએ કે એક20140826-012754.jpg દિ વાત છે આ લોથલનો આંટો મારી જ આવવો પડશે.
મેળ ના પડયો , ના પડયો અને છેક અમદાવાદ ફરી રહેવાનું થયું ત્યારે એકદમ અચાનક વરસાદી બપોરે ધૂન ચડી. ચાલો લોથલ.
અમદાવાદથી રાજકોટ હાઇવે પર સડસડાટ જઇએ ત્યારે બગોદરાના ચાર રસ્તા આવે છે. ત્યાંથી લેફ્ટ ટર્ન લઇએ એટલે લોથલનો રસ્તો છૂટો પડે છે. લોથલ જેવા સબ્જેક્ટમાં તો આપણા જેવા કેટલાને રસ પડે એવો ખ્યાલ હતો એટલે સુમસામ જગ્યાએ આંટા મારવાનું થશે એવી મારી અને ખ્યાતિની ધારણા હતી. પરંતુ સુખદ રીતે તે ધારણા ખોટી પડી. અહીં તો ખાસ્સી સંખ્યામાં લોકો હતા. ગુજરાતીઓ ઉપરાંત ગુજરાતમાં વસી રહેલા દક્ષિણ ભારતીયો તથા અન્ય લોકો પણ પુછતા પુછતા પંડિત થઇને આવી પહોંચ્યા હતા.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીંથી મળેલી ચીજોના પ્રદર્શન સાથે સમજ આપતું એક નાનું મ્યુઝિયમ બનાવ્યું છે. લોથલની અત્યા20140826-012834.jpgરની સાઇટમાં અનુમાન અને કલ્પનાના રંગ ઉમેરીએ તો કદાચ ત્યારે લોથલ કેવું દેખાતું હશે તેનું સુંદર મોડલ પણ બનાવ્યું છે. પણ, એક વાત ખૂંચી. આ મ્યુઝિયમમાં કયાંય ફોટા પાડવાની મનાઇ છે. આ પ્રાચીન ચીજોના કે લોથલના પેલા મોડલના ફોટા પાડીને કોણ શું લાભ લઇ જશે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટવાળાને શું નુકસાન થશે એ સમજાયું નહીં. ખેર, પણ આ મ્યુઝિયમ જોઇને પછી એકચ્યુઅલ સાઇટની લટાર મારવામાં વધારે મજા આવી કારણ કે ત્યારે સ્થળ પર ઊભા રહીને કેટલીય ચીજો કલ્પી શકાતી હતી.
લોથલમાં રહેનારા લોકો દુનિયાભરની પ્રજાઓ સાથે વેપાર કરતા હતા. આ દરિયાપારની પ્રજાઓના સંપર્કના કારણે કદાચ તેમનામાં એક પ્રકારનું રંગીલાપણું આવ્યું હતું. તેમની જિંદગી સાવ શુ્ષ્ક ન હતી. સ્ત્રી અને પુરૂષે ધારણ કરવાની સુશોભન અને શણગારની અનેક ચીજો અહીંથી મળી છે તેનો મતલબ કે લોકોને ઠઠ્ઠારો કરીને મ્હાલવાનો શોખ હશે. સારા દેખાવું, સુંદર લાગવું , સુંદર અ20140826-012913.jpgને આકર્ષક રહેવું તેમને ગમતું હશે. ત્યારની નૌકાઓની બનાવટો, વેપાર વણજની રીતો એ વિશે જાત જાતના અનુમાનો કરી શકાય છે. ત્યારે પૈસાનું ચલણ કેવી રીતે હશે કે કેવી મુદ્દાઓના આધારે બધી ચીજોની લે વેચ થતી હશે તેની કલ્પના કરવાની અમને બંનેને મજા આવી.
લોથલના ટીંબા પર આંટા મારતાં મારતાં એક વાત જરૂર સમજાઇ. શા માટે આર્કિયોલોજીનું ભણતર મહત્વનું છે ? શા માટે લોકોને આર્કીયોલોજીમાં રસ લેતાં કરવાં જોઇએ ? આ ભૂતકાળને સમજવામાં વર્તમાનની અનેક સમસ્યાઓ અને ભવિષ્યના અનેક આયોજનોની ચાવી છૂપાયેલી છે. પાંચ હજાર વર્ષ પહેલાં અહીં એક બંદર ધમધમતું હતું. એક એવી સંસ્કૃતિ પાંગરી હતી જેના છેડા આજના પાકિસ્તાન કે ઇરાન સુધી પહોંચતા હતા. એ લોકો દુનિયાના અન્ય તમામ ખંડો સાથે સંપર્કમાં હતા. તેમનો ધર્મ કયો હતો ? તેઓ કયા સંપ્રદાયને માનતા હતા ? દેશ માટેની તેમની વ્યાખ્યા શું હતી ? તેઓ કઇ સરહદોને માન્ય રાખતા હતા ? તેઓ કયું ચલણ સ્વીકારતા હતા ? તેઓ 20140826-012707.jpgકઇ ભાષા બોલતા હતા અને ત્યારે તે જમાનામાં દુનિયાના બાકીના દેશોના લોકો સાથે કઇ ભાષામાં વ્યવહાર કરતા હતા. ? આ પાંચ હજાર વર્ષમાં આપણે કૂંડાળાઓની બહાર પગ મૂકતા જવાનો હોય તેને બદલે આપણે તો વધારેને વધારે કૂંડાળા રચતા ગયા છીએ અને સમસ્ત માનવજાતને નાહકના ટેન્શનોમાં કેદ કરતાં ગયાં છીએ. આપણા પૂર્વજો પાસેથી આપણે શું શીખવાનું હતું, આપણે શું શીખ્યા ? અહીં ઊભા રહ્યા પછી લોકો જમીનના ટૂકડા માટે ઝઘડતા હોય એ બહુ હાસ્યાસ્પદ લાગે. પોતે જમાવેલી પ્રોપર્ટી, પોતે જમાવેલાં સામ્રાજ્ય કે અન્ય કોઇએ જમાવેલાં સામ્રાજ્યના વારસ હોવાના અભિમાન વિશે વિચારીએ તો એ બહુ ફની લાગે.
આ ટીંબા પર આંટા મારતા મારતાં એ પણ સમજાયું કે હજુ હું અમદાવાદના જે વિસ્તાર માં રહું છું ત્યાં ભૂગર્ભ ગટર યોજના નથી આવી. હજી ખાળકૂવાની સિસ્ટમ ચાલે છે. ત્યારે હું જે પાંચ હજાર વર્ષ પહેલાંના જે ટેકરા પર ઊભા હતો ત્યાં મારાથી કેટલેક ડગલાં દૂર આજની આધુનિક નગર યોજનાઓને ટક્કર આપે તેવી ડ્રેનેજ સિસ્ટમ મોજુદ હતી. મેં વારેવારે સુરતની ગલીઓમાં ઘૂસી જતાં પૂરને જોયું છે વડોદરામાં આવવા જવાના માર્ગો બંધ થઇ જતાં રસ્તાઓ પર કેદ થઇ જતું પાણી જોયું છે. પાણી કયાંથી આવશે અને કયાંથી જશે તેનો વિચાર ગુજરાતમાં જ અમદાવાદથી સવાસો કિલોમીટર દૂરના અંતરે આવેલી આ જગ્યા પર હજારો વર્ષ પહેલાં થઇ ચૂકયો હતો. આ વિચાર આપણે કયાં ચૂકી ગયા ?

 

 

 

Advertisements

પત્નીના દોસ્ત સાથે દોસ્તી શકય છે ?

કોલેજકાળની એક ફ્રેન્ડ  સાથે હમણા વર્ષો પછી વાત થઇ. કોલેજના દિવસોની યાદગીરીનો દાબડો ખુલી ગયો. એ સમયના બધા મિત્રોને યાદ કર્યા. કોણ કયાં છે, શું કરે છે, કોનો સંસાર કેવો ચાલે છે તેની પણ વાતો થઇ. મેં મારો સંપર્ક જળવાઇ રહ્યો હોય તેવા કેટલાક મિત્રોના નામ આપ્યા. તેણે તેની સાથે સંપર્ક રહ્યો હોય તેવા કેટલાક મિત્રોની વિગતો આપી. આ યાદીમાં એક છોકરીનું પણ નામ હતું. તેણે મને બીજા બધાના ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ અને સરનામા આપ્યાં પણ તે છોકરીના  સંપર્કની કોઇ વિગતો આપવાની ના પાડી.

મેં પૂછયું આવું કેમ ? , તો મારી ફ્રેન્ડ કહે  કે તેના પતિને એ  ગમતું નથી. મે પુછયું કે કે તેના પતિને તેની પત્નીના કોલેજકાળના કોઇપણ મિત્ર સંપર્ક કરે તો નથી ગમતું ?  તો કહે ના, એવું નથી. બહેનપણીઓ સંપર્ક કરે તો ચાલે પણ, છોકરાઓ નહીં.

મને આંચકો લાગ્યો. સાથે નિસાસો પણ નીકળ્યો. જે છોકરીની વાત થતી હતી તે અભ્યાસમાં બહુ તેજસ્વી હતી. જયારે જોઇએ ત્યારે અભ્યાસને લગતું જ કાંઇક વાંચતી હોય. અમને યાદ નથી કે કયારેય કોલેજમાં તેણે કોઇ લેકચર બન્ક કર્યું  હોય. અમારા ગ્રૂપના ઘણા છોકરાઓ અને છોકરીઓ પણ એવાં હતા જેમણે કોલેજના ત્રણેય વર્ષ લેકચર્સ એટેન્ડ કરવાની બહુ પરવા ના કરી હોય. બસ, એ છોકરી પાસેથી નોટ્સ લઇ લેવાની એટલે ચાલે. એમાં નવાઇની વાત નથી કે એ પોતાના વિષયમાં ટોપ ફાઇવમાં જ રહેતી હતી. ગ્રૂપમાં બધાને એના માટે બહુ માન હતું. અમારા ગ્રૂપમાં તે હોવાનું અમને બધાને ગૌરવ પણ હતું.  અમારી કોમન ફ્રેન્ડએ આપેલી માહિતી મુજબ એ અત્યારે બહુ સારી જગ્યાએ જોબ કરે છે. તેનો પતિ પણ પણ બહુ હાઇલી એજ્યુકેટેડ છે અને મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરે છે.  તેઓ બહુ સુખી છે. મહાનગરમાં પોતાનું મકાન છે…કાર છે…. વગેરે…વગેરે….

પણ, અમારી ફ્રેન્ડના જણાવ્યા મુજબ તે પણ તે છોકરીને કોલેજ છુટી ગયાના વર્ષો પછી કયાંક મળી હતી. વાતચીતમાં એકબીજાના નંબરોની આપ-લે થઇ.કોલેજના ગ્રૂપની વાત થઇ. એ પછી તો એકબીજાના ઘરે આવવાજવાનું બન્યું ત્યારે તેના પતિ સાથે પણ વાત થઇ.  એક સંબંધુનું અનુસંધાન વર્ષો પછી સંધાયું તેનો આનંદ થયો.  મારી ફ્રેન્ડએ આ બધી વાતો જે રીતે મને કરી તે જ રીતે અમારા ગ્રૂપના તેની સાથે સંપર્કમાં રહેલા બીજા મિત્રોને પણ કરી હતી. વાત-વાતમાં તેણે તેનો મોબાઇલ નંબર પણ બીજા મિત્રોને આપ્યો હતો.

તેના થોડા જ સમયમાં એ છોકરીનો અમારી ફ્રેન્ડ પર ફોન આવ્યો કે તું આપણા કોલેજના ગ્રૂપના બીજા લોકોને મળે ત્યારે ખાસ કરીને કોઇ છોકરાઓને મારો નંબર આપીશ નહીં. મારા પતિને એ ગમતું નથી. એ છોકરીના કહેવા મુજબ પહેલીવાર તો ગ્રૂપના એક છોકરાનો ફોન આવ્યો ત્યારે પતિએ ખાસ વાંધો ના લીધો. ઉલ્ટાનું એ છોકરા અને તેના પતિ વચ્ચે કેટલીક કોમન ઓળખાણો નીકળી એટલે તેની સાથે તેણે ઘણી વાત કરી. પણ, એ પછી ગ્રૂપના બીજા છોકરાનો ફોન આવ્યો અને ત્રીજા છોકરાનો પણ ફોન આવ્યો ત્યારે પતિ અકળાઇ ગયા. પૂછવા માંડયા કે તારા ગ્રૂપમાં એકલા છોકરાઓ જ હતા કે શું ?

એ છોકરીએ તેના પતિને સમજાવ્યા કે આ તો વર્ષો પછી બધાને મારી એકસાથે એક જ અરસામાં  ભાળ મળી છે એટલે બધા સહજ રીતે હાય-હેલ્લો કરવા ફોન કરે છે અને તમને લાગે છેકે એકસામટા આટલા ફોન કેવી રીતે આવી રહ્યા છે. એમાનાકોઇ સાથે કયારેય કોઇ બહુ અંગત સંબંધ ન હતા . જો એવા કોઇ સંબંધ હોત તો આટલા વર્ષો એકબીજાના સંપર્કમાં જ ના હોઇએ તેવું ના બનત. કોલેજ પછી બધા પોતપાતાની કારકિર્દી આગળ વધારવામાં વ્યસ્ત થઇ ગયા ને બધા છૂટા પડી ગયા. હવે આટલા વર્ષે બધાને ખબર પડી છે તો બધા સહજ રીતે એકબીજાની પૃચ્છા કરે છે. એમાં ખોટું શું છે ?  તમે પણ આટલું બધું ભણ્યા છો તો તમારે પણ મોટું ગ્રૂપ હશે. એમાં છોકરા-છોકરીઓ હશે જ. કોઇ છોકરાને કોઇ છોકરી સાથે ચોક્કસ પ્રકારના જ સંબંધ હોય અને એ સિવાયનો સંબંધ શકય જ ના હોય એવું નથી એ તમે પણ જાણો છો અને સમજો છો પછી હવે આટલા વર્ષે આવા બધા સવાલો શા માટે  ? પણ, પતિએ કહી દીધું કે જો હું તારા માટે બહુ પઝેસીવ છું. તારી કોઇ બહેનપણી તને મળે , તું એને મળે એ આપણા ઘરે આવે જાય તેનો  મને વાંધો નથી. પણ, આ બધા છોકરાઓ સાથે હવે તારે કોઇ સંપર્ક રાખવાની જરૂર નથી.

અમારી ફ્રેન્ડએ કહ્યું કે એ પછી તેણે અમારા ગ્રૂપના બધા છોકરાઓને ફોન કરીને કહી દીધું કે મહેરબાની કરીને તમે એને ફોન ના કરશો. એને કોઇના ખબર પૂછવા હશે તો એ સામેથી ફોન કરી લેશે. પણ, તમારે એને ફોન નહીં કરવાનો. હવે પછી આપણા ગ્રૂપનું કોઇ મળે તો  તેને એના નંબર જ નહીં આપવાના.

આ વાત થોડી આંચકાજનક લાગે. ફેસબુક અને ઓરકુટ પર સેંકડો ફ્રેન્ડઝ બનતા હોય તેવા જમાનામાં થોડીક માની ના શકાય તેવી પણ લાગે પરંતુ, આ હકીકત છે.

એક જમાનામાં બોયઝ સ્કુલ અને ગર્લ્સ સ્કુલનું ચલણ હતું. અત્યારની જનરેશનને કદાચ માનવામાં નહીં આવે કે થોડું ફની પણ લાગશે કે  દાયકાઓ અગાઉ લગભગ દરેક ગામમાં આવી ક્ન્યા શાળાઓ અને કુમાર શાળાઓ જોવા મળતી હતી. હવે સ્કુલ અને કોલેજીસના ગ્રૂપ વર્ષોના વર્ષો સુધી ટકી રહેતાં હોય એ શકયબન્યું  છે. અમે લોકોએ લગભગ દોઢ દાયકા પહેલાં કોલેજ છોડી ત્યારે ફેસ બુક અને ઓરકુટ તો છોડો, મોબાઇલ ફોન પણ બાજુએ મૂકો પરંતુ ઘરે ઘરે લેન્ડ લાઇન ફોન પણ આટલા બધા ન હતા. આથી, સંપર્ક રાખવાનું બહુ શકય બન્યું નહી. કારકિર્દીની ગાડી ભગાવવામાંને ભગાવવામાં કેટલીય દોસ્તીઓ છુટી ગઇ. પણ, હવે થેન્કસ ટુ સોશ્યલ નેટવર્કીંગ સાઇટ્સ સંપર્કમાં રહેવું એ બહુ સરળ બાબત થઇ ગઇ છે.

હવે દરેક પતિને જાણ હોય છે કે જેમ તેના ગ્રૂપમાં છોકરીઓ હતી તેમ તેની પત્નીના ગ્રૂપમાં છોકરાઓ પણ હતા તેને જાણ હોય છે કે માત્ર કોલેજ ફ્રેન્ડ સિવાય પણ ઓફિસમાં સાથી કર્મચારીઓ પણ હોય છે, જેમની સાથે વર્ષોથી ઓળખાણ હોય તેવા ભાઇઓના મિત્રો પણ હોય છે, ઓનલાઇન દોસ્તીની એક નવી દુનિયા ખુલી ચુકી છે. જેમાં કોઇને કોઇના પરણિત હોવા કે ના હોવાથી બહુ ફરક પડતો હોતો નથી.

છતાં પત્નીના દોસ્તોને બહુ સાહજિક રીતે ના સ્વીકારી શકતા હોય તેવા પતિઓની સંખ્યા પણ બહુ ઓછી નથી. કોઇ સ્કુલ કે કોલેજના એલુમની એસોસિએશનમાં છોકરીઓની સંખ્યા બહુ ઓછી જ હોય છે ભલે ને પછી ગામમાંને ગામમાં તેનાં લગ્ન થયાં હોય તો પણ.  ઘણીવાર એવું થાય છે કે સ્કુલ કે કોલેજમાં આપણી સાથે ભણતી છોકરી આપણને કયાંક મળી જાય છે પણ, તેને બોલાવવાની તો ઠીક પણ ઓળખાણ પડયા પછી તેને સ્માઇલ આપવાની પણ હિંમત હાલતી નથી કારણ કે તેની સાથેના તેના પતિ કે તેના સાસરીયાંના સ્વજન કેવું ધારશે અને શું પ્રતિક્રિયા આપશે તેની ખબર નથી.

પોતાની દિકરીના ગ્રૂપમાં છોકરાઓ પણ છે એ વાત મમ્મીઓ સ્વીકારી શકે છે પણ , પરણ્યા પછી છોકરી જેને મમ્મીનું સંબોધન કરે છે તેવી તેની સાસુ કે સસરાને તે પોતાના સ્કુલ-કોલેજ સમયના દોસ્ત સાથે ઇન્ટ્રોડયુસ કરાવી શકે છે ? કેટલી છોકરીઓ માટે આ શકય છે ?

દરેક વિજાતીય મૈત્રીમાં પ્રેમસંબંધ નથી હોતો એવું સમાજ હવે ધીમે ધીમે સ્વીકારી રહ્યો છે છતાં પણ કોઇ છોકરી પરણી જાય પછી તેના પતિ અને સાસરીયાં આવા વિજાતીય સંબંધને બહુ સહજ રીતે સ્વીકારવા તૈયાર નથી હોતાં એવું મોટાભાગે જોવા મળે છે.

સ્કુલ-કોલેજમાં ભણવાની સાથે અનેક સહઅભ્યાસ પ્રવૃત્તિઓ હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, બૌદ્ધિક સ્પર્ધાઓ , જાત જાતની ઇવેન્ટ  એ બધામાં સારું ગ્રૂપ હોય તો જ વધુ એન્જોય કરી શકાય છે. એનએસએસમાં તો દસ દિવસના કેમ્પમાં પોતાના ગામથી બહાર કોઇ ગામડાંમાં રહેવાનું હોય છે. એ વખતે બધાએ એકબીજાની કેટલીબધી સંભાળ રાખી હોય, એકબીજાની સગવડો સાચવી હોય. એક બીજાની મદદ કરી હોય. સાથે હસ્યાં હોઇએ, સાથે નાચ્યાં હોઇએ અને ઘણી વખત સાથે રડયા પણ હોઇએ…તકરારો  થઇ હોય…ને પછી મનામણા પણ થયા હોય એ બધું વર્ષો પછી યાદ કરવાની અને મમળાવવાની મજા આવે છે. એ દિવસો પાછા જીવીએ એવું મન થયા કરતું  હોય છે. પણ, ખબર હોય છે કે એમ ભૂતકાળમાં પાછા જવાનું શકય નથી. આવા સમયે ત્યારના કોઇ મિત્રને મળવાનો અને તેની સાથે એ બધી યાદગીરીઓ વહેંચવાનો આનંદ કાંઇક જુદો જ હોય છે.

પણ, દરેક સંબંધ પર એક ચોક્કસ લેબલ લગાવી જ દેવાનો આપણો આગ્રહ ઘણી બધી છોકરીઓને એ દિવસોમાં પાછા જવાના આનંદથી વંચિત રાખે છે  ત્યારે તેમને કેટલો સંતાપ થતો હશે તે મને અમારા ગ્રૂપની છોકરી વિશે જાણ્યા પછી સમજાય છે.

પછાત એટલે ?

ભગવદ્દ ગોમંડળ અનુસાર સંસ્કૃત શબ્દ પશ્ચાત પરથી પછાત શબ્દ આવ્યો છે.  પછાત શબ્દનાઅન્ય  કેટલાક અર્થ છે(1)  પાછળ રહી ગયેલુ, પાછળનું.  (2) બિન કેળવાયેલ, બિનસુધરેલ , અવિદ્વાન (3) પાછળ, પછવાડે, પુંઠે .

કદાચ હવે ફરી ભગવદ્દ ગોમંડળની રચના કરવાની થાય તો પછાત શબ્દનો અર્થ અને અર્થ છાયાઓ નક્કી કરવામાં ભલભલા ભાષાશાસ્ત્રીઓ પણ મુંઝવાઇ જાય. આપણા દેશમાં અત્યારે પછાત શબ્દના અર્થ અંગે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજકારણમાં ભારે ગુંચવાડા જોવા મળે છે.  પછાત શબ્દ આજકાલ કાન પર બહુ વાગી રહ્યો છે. આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને સામાજિક અને આર્થિક પછાત ગણીને અનામતનો લાભ આપવો જોઇએ એમ સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે. મહિલા અનામત ખરડો રાજયસભામાંથી હેમખેમ પસાર થઇ ગયો પણ, લોકસભામાં અટવાયો છે કારણ કે , તેનાથી પછાત વર્ગને અન્યાય થશે એમ લાલુ પ્રસાદ અને મુલાયમસિંહ અને શરદ યાદવને લાગે છે.  કોઇ રાજકારણી માટે પછાત શબ્દનો મતલબ વૉટબેન્ક થઇ શકે.

પછાત વિસ્તારો નક્કી કરવા બાબતે પણ ગુંચવાડો છે. હમણા હું પંચમહાલ અને દાહોદની મુલાકાતે જઇ આવ્યો. આ બે જિલ્લા ગુજરાતના પછાત જિલ્લા ગણાય છે. મેં ત્યાંના કેટલાક લોકોને પૂછયું કે આ પછાતપણાની વ્યાખ્યા શું  ?  તો જાત જાતના જવાબ મળ્યા.  અહીં શિક્ષણનું પ્રમાણ ઓછું છે પણ, શું તેને પછાતપણાની નિશાની કહી શકાય   ? આજકાલ થ્રી ઇડિયટ ફિલ્મ પછી અત્યારની શિક્ષણપ્રથાને જ પછાત માનવામાં આવી રહી છે તો આ શિક્ષણ જેણે નથી મેળવ્યું તેને પછાત કેમ ગણવા. પછાત શબ્દનો એક અર્થ બિનસુધરેલ એવો છે પણ આંકડાઓ કહે છે કે ગુજરાતમાં જયાં શિક્ષણનું પ્રમાણ બહુ ઉચ્ચ છે એવા મહેસાણા તથા અમદાવાદ જેવા જિલ્લાઓમાં ગર્ભમાં બાળકીઓની હત્યાનું પ્રમાણ બહુ ઉંચું છે જયારે ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં આ પ્રમાણ બહુ ઓછું છે. તો પછી શિક્ષિત હોવું અને સુધરેલ હોવું એ બે શબ્દ વચ્ચે કોઇ મેળ બેસતો નથી.

શું કોઇ ગામમાં હાઇવે જેવો લસલસતો રોડ ના હોય, મૉલ કે થિયેટર કે રેસ્ટોરાં ના હોય, અંગ્રેજી માધ્યમની આલીશાન શાળા ના હોય, કોર્પોરેટ હોસ્પિટલો ના હોય એટલે તેને પછાત કહેવાય ખરું ? પછાતપણાને અને ભૌતિક સુવિધાઓને શું મતલબ ? હમણા હોળી પછી વડોદરાની આદિવાસી પૂર્વપટ્ટીમાં મેળાઓ યોજાયા. તેમાંથી કવાંટના ગેરના મેળામાં જઇને આવેલા એક મિત્રએ આનંદ વ્યકત કર્યો કે , હવે તો આદિવાસીઓએ પ્રગતિ કરી છે , તેઓ પણ પેન્ટ – શર્ટ પહેરતા અને મોબાઇલ વાપરતા થઇ ગયા છે. પણ, સવાલ એ છે કે વિકાસ અને પ્રગતિને અથવા તો પછાતપણાને કપડાં અને આધુનિક સાધનોના વપરાશ સાથે કોઇ સંબંધ ખરો ?

બહુ વર્ષો પહેલાં દુરદર્શન પર સત્યજીત રે ની ફિલ્મ આગંતુક જોઇ હતી. તેમાં ઘાતકીપણાની વ્યાખ્યા વિશે બે પાત્રો વચ્ચે ચર્ચા થાય છે. આદિવાસીઓ વચ્ચે રહીને આવેલા અતિથિને શંકાની નજરે જોયા કરતા યજમાન પુછે છે કે આદિવાસીઓ માણસનું માંસ ખાય છે શું તે ઘાતકીપણુ નથી ? અતિથિ સામો સવાલ પુછે છે કે તેના કરતાં એક બટન દબાવીને એક આખી સભ્યતાનો વિનાશ કરી દેવાની ક્ષમતા તમારા કહેવાતા સભ્ય સમાજે વિકસાવી છે . તે શું ઓછી ઘાતકી છે ?

આપણે ત્યાં સદીઓ સુધી દેશી ખાતરનો વપરાશ કરીને ખેતી થતી હતી. તે પછી રાસાયણિક ખાતરની બોલબાલા થઇ. રાસાયણિક ખાતરનો વપરાશ કેટલો થાય છે તેના પરથી કૃષિ વિકાસની ગણતરી થવા માંડી. દાયકાઓ પછી રાસાયણિક ખાતરના નુકસાનની જાણ થઇ એટલે હવે ફરી દેશી ખાતર અને ઓર્ગેનિક ખેતીની વાતો થઇ રહી છે. મજાની વાત એ છે કે હવે આવી ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતો પ્રગતિશીલ કહેવાય છે. શહેરોમાં ઓર્ગેનિક ફુડ વેંચતી વિશેષ દુકાનો છે અને મૉલ્સમાં તેના માટે અલગ કાઉન્ટર હોય છે.  આવું તો અનેક બાબતમાં બન્યું છે. આપણે વર્ષો સુધી કાપડની થેલી નહીં પણ પોટલું વાપરતા હતા. કાગળના પડીકાંમાં ઘરનો કરિયાણાનો સામાન આવતો હતો તે હજુ બે દાયકા પહેલાંની વાત છે. અચાનક કાગળ અને કાપડની થેલીઓની જગ્યાએ પ્લાસ્ટીકની બેગનું ચલણ વધી ગયું. કાપડની થેલી લઇને નીકળીએ તો જુનવાણી અને પછાતમાં ગણાઇ જઇએ. પણ, હવે ફરી પરિવર્તન આવ્યું છે. હવે મોંઘીદાટ પેપર બેગ લઇને નીકળતા લોકો પ્રગતિશીલ ગણાય છે. લેન્ડમાર્ક જેવા બુક સ્ટોરમાં પ્લાસ્ટીકની થેલી મફત મળે છે પણ પેપર બેગ માટે દામ ચુકવવા પડે છે.

આપણા દેશમાં એક સમય એવો હતો કે જયારે કોઇ માણસ કેટલો સમૃદ્ધ છે તેની ગણતરી તેની પાસે દૂધાળાં ઢોર કેટલાં છે તેના પરથી થતી હતી. જેની પાસે ગાયો સૌથી વધારે એ સૌથી શ્રીમંત. પણ, મોટાભાગની પશુપાલક જાતિઓને સામાજિક પછાત વર્ગમાં મૂકવામાં આવે છે. પણ, છેલ્લા કેટલાક સમયથી ગાય-ભેંસની કિંમતો વધતી જાય છે. આ જોતાં ફરી સમૃદ્ધિની પારાશીશીમાં ગાય-ભંસની પણ ગણતરી કરવી પડે તેવા દિવસો પાછા આવી શકે છે.

વાસ્તવમાં આપણે ત્યાં પરિવર્તન અને પ્રગતિ એ બે શબ્દોની ભેળસેળ થઇ ગઇ છે. દરેક પરિવર્તન પ્રગતિશીલ જ હોય તેવું જરૂરી નથી. વિકાસ અને વૃ્દ્ધિ વચ્ચે પણ આવી ભેળસેળ થયા કરે છે. દરેક વૃદ્ધિને વિકાસ ગણી લેવાની ભૂલ કરવામાં આવે છે. આદિવાસી યુવાનો પેન્ટ- શર્ટ અને ગોગલ્સ પહેરે તે પરિવર્તન છે પણ પ્રગતિ નથી. કોઇ પહેરવેશ પરંપરાગત હોય એટલે પછાત થઇ જતો નથી.  કોઇ શહેર મોટું બને એટલે વિકસિત થયું એવું કહી શકાય નહી.

અમારા વડોદરામાં વારંવાર અનેક મંચ પરથી એવો કકળાટ રજૂ થયા કરે છે કે ગુજરાતમાં વડોદરા એક જમાનામાં અમદાવાદની સમકક્ષ ગણાતું હતું. હવે, તે અમદાવાદ અને સુરત કરતાં કયાંય  પાછળ પડી ગયું છે.  મને લાગે છે કે દરેક શહેરનું લક્ષ્ય મેગાસિટી બનવા તરફ ના પણ હોય તેમાં કાંઇ ખોટું નથી. એક શહેર 30-40 લાખની વસતિથી ફાટફાટ થવા માંડે અને આ અદોદળું શહેર આજુબાજુના ગામડાંને ઓહિયા કરતું જ રહે તેના કરતાં એક શહેરની આસપાસ બીજાં નાના નગરો વિકસે અથવા તો નજીકના ગામડાંઓમાં પાણી, શિક્ષણ, રસ્તાની સુવિધાઓ એવી વિકસે કે લોકો શહેર તરફ દોટ ના મૂકે તેવું આયોજન પણ વિચારી શકાય છે.

લગભગ બે દાયકા પહેલાં અમારી એચ.કે.આર્ટસ કૉલેજનો એન.એસ.એસ.નો કેમ્પ અમદાવાદ નજીક પસુંજ ગામે યોજાયો  હતો. તેમાં ટુકડીઓ પાડી ગામની સફાઇ કરવાની હતી. અમારી ટુકડીને ભાગે ગામનો હરિજન વાસ આવ્યો એટલે કેમ્પના સિનિયર અને અનુભવી વિદ્યાર્થીઓએ અમારી ઇર્ષા કરી કે, વાહ, તમારે તો આરામ થઇ ગયો. એ વખતે એમની વાત ના સમજાઇ પણ,  અમે હરિજન વાસમાં પહોંચ્યા તો નવાઇ પામી ગયા. કોઇ શહેરની અલ્ટ્રા મોર્ડન સોસાયટીમાં જોવા મળે તેવી ચોખ્ખાઇ અને સુઘડતા હરિજનવાસમાં હતી. અમે તો દસેદસ દિવસ હરિજનવાસમાં જ ચીનુભાઇ નામના પ્રેમાળ ભાઇના ઘરે રોટલા, કઢીની જયાફતો ઉડાવી હતી. આજુબાજુના વાસમાં હોય તે ટુકડીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ અમારા વાસમાં આવીને જ બેસતા હતા. એ વખતે જ સવાલ થયો હતો કે હરિજન એટલે પછાત એવી વ્યાખ્યા ખોટી છે.

આપણે કદાચ હંમેશા આવી ખોટી વ્યાખ્યાઓ કરતા રહ્યા છીએ. કોઇ શહેરની વાત હોય કે કોઇ કોમની કે પછી કોઇ સામાજિક રીતરસમ અને પહેરવેશની. પછાતપણાના આપણા માપદંડની સમીક્ષા કરવાની જરૂર છે. માપદંડ ખોટો હશે તો તેના આધારે થયેલું આયોજન પણ ખોટું જ પડવાનું છે.

સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાની ગુસ્તાખી ના કરશો…..

સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાનો શબ્દ પ્રયોગ જ આમ તો ખોટો છે. સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાની ઝુંબેશ હાથ ધરવી તેનો મતલબ એ કે અત્યારે સ્ત્રીનું સ્થાન પુરૂષ કરતાં કંઇક ઉતરતી કક્ષાનું છે એમ માની લેવાનું. જાણે પુરૂષ કાંઇક ઉંચા સ્થાને છે અને સ્ત્રી એ ઉચ્ચતર સ્થાને પહોંચી જાય એટલે ભયો ભયો..એવો ભાવ આ પુરૂષ સમોવડી શબ્દ પ્રયોગમાં છે.

જોકે, સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાની ગુસ્તાખી નહીં કરવાનું મારે જરા જુદા અર્થમાં કહેવું છે. તાજેતરમાં એમ.એસ.યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ યોજાયો તેમાં કેટલાક રસપ્રદ આંકડા મળ્યા. આ પદવીદાનમાં કુલ 223 ગોલ્ડ મેડલ જાહેર થયા તેમાંથી 172 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓએ મેળવ્યા હતા. છોકરાઓને ભાગે માત્ર 51 મેડલ આવ્યા હતા. માત્ર આર્ટ્સ કે કોમર્સ નહીં  પણ એન્જીનીયરીંગ, મેડીકલ અને બાયોટેકનોલોજી, ન્યુકિલિયર સાયન્સ જેવી મોટાભાગની  વિદ્યાશાખાઓમાં પણ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.  એમ.એસ.યુનિવર્સિટીમાં ગોલ્ડમેડાલીસ્ટની યાદીમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ વધારે હોય એ ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ થયો છે અને ઉત્તરોત્તર વિદ્યાર્થિનીઓનીસંખ્યા વધતી જાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે.

માત્ર યુનિવર્સિટીમાં જ નહીં પણ, ધો. 10 અને 12ની જુદાં જુદાં શહેરોની ટોપટેનની યાદીમાં તથા જુદી જુદી શાળાઓના ટોપર્સની યાદીમાં પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધતી જાય છે.  વડોદરામાં તો એક વખત એવું બન્યું હતું કે વડોદરાના ટોપટેનની યાદીમાં તમામ છોકરીઓ જ હતી અને એક પણ છોકરો હતો જ નહીં.  છોકરીઓ ભણવામાં વધુ તેજસ્વી અને ગંભીર હોય છે એવી ચર્ચા તો લગભગ ઘરેઘરમાં સાંભળવા જ મળે છે.

આ ટ્રેન્ડ વિશે કેટલીક મહિલા સંસ્થાઓના કાર્યકરો સાથે અને કેટલાક સમાજશાસ્ત્રીઓ સાથે વાત કરી. બંનેનો પ્રતિભાવ એક જ હતો કે માત્ર શૈક્ષણિક કારકિર્દીમાં વિદ્યાર્થિનીઓ ટોચનું સ્થાન મેળવે એ પૂરતું નથી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ તેઓ કેટલા અંશે કારકિર્દી આગળ વધારી શકે છે તે મહત્વનું છે.  ભારતમાં હજુ પણ મોટાભાગે એવું જોવા મળે છે કે ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીની જ છે એવું મનાય છે. એટલે , પુરૂષને લગ્ન પછી પણ કારકિર્દી પર ધ્યાન આપવાનો વધારે સમય અને અનુકૂળતા સાંપડે છે. તેની સરખામણીએ સ્ત્રીએ કારકિર્દી અને ઘર એ બે મોરચા સાથે સાથે સંભાળવાની હોય છે. આથી, ઘણી મહિલાઓ કારકિર્દીને બાજુ પર મુકીને ઘર સંભાળીને બેસી રહે છે. કેટલીય મહિલાઓ નોકરી કરે છે પણ , તે માત્ર શોખ કે ટાઇમ પાસ માટે જ. બહુ ઓછી મહિલાઓ પોતે જે ક્ષેત્રમાં અભ્યાસ કર્યો હોય તેને  જ કારકિર્દીનું પણ ક્ષેત્ર બનાવીને તેમાં સક્રિય રહીને આગળ વધે છે.  સ્ત્રી ઘર સાચવવાની સાથે ઘરમાં આવક વધારવા કમાતી પણ થઇ છે. બીજી તરફ, પુરૂષ હજુ પણ માત્ર ઘર માટે કમાઇને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ માની લે છે. ઘર સંભાળવામાં તે સ્ત્રી સાથે જવાબદારી વહેંચી લેતો નથી. ઘરસંભાળ અને બાળ ઉછેર આ બે બાબતોમાં જયારે પુરૂષ પણ સ્ત્રી જેટલી જ જવાબદારી સ્વીકારવા માંડશે ત્યારે જ શિક્ષણમાં સ્ત્રીઓની આટલી આગેકૂચનાં ખરાં પરિણામો જોવા મળશે એમ, આ સમાજશાસ્ત્રીઓ અને નારી ચળવળમાં સક્રિય કાર્યકરોનું કહેવું હતું.

એમની વાતમાં કયાંક તથ્ય તો છે જ. મારી સાથે સ્કુલમાં અને કોલેજમાં ભણતી એવી ઘણી વિદ્યાર્થિનીઓ હતી જે અભ્યાસમાં તેજસ્વી હતી. સહ અભ્યાસ  પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહેતી હતી. પણ, એ બધી સંસારસાગરમાં કયાકને કયાંક ખોવાઇ ગઇ છે. મારી સાથે કોલેજમાં ભણતી એક વિદ્યાર્થિનીમાં નેતાગીરીના અને ખાસ તો એક સારા મેનેજરની તમામ લાયકાતો  હતી. અમારી રાષ્ટ્રીય સેવા યોજનાના કેમ્પોમાં ભલભલા માથાભારે વિદ્યાર્થીઓ પણ તેની તાબેદારી સ્વીકારતા એટલું જ નહીં પરંતુ, અધ્યાપકો પણ તેની વારંવાર સલાહ લેતા હતા. પણ, અત્યારે એ તેના સંસારમાં ઠરીઠામ થઇ ચુકી છે.  એવી કેટલીય પરિચિત મહિલાઓ છે જે સીએ, એમએસસી એમએડ કે એમબીએ કર્યા પછી પણ પોતાના ઘરસંસારમાં જ પ્રવૃત હોય. આ પરિસ્થિતમાં કયાંક પરિવર્તનની જરૂર છે જ. એક છોકરી પોતાના અભ્યાસકાળના 12-15 વર્ષ જાત નિચોવીને અભ્યાસ કરે, ધગશપૂર્વક અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લે અને પછી છેલ્લે ઘર અને પરિવાર સંભાળના એ જ કામમાં આખી જિંદગી વિતાવી દે જેમાં તેના ઉચ્ચ અભ્યાસનો કોઇ ઉપયોગ , કોઇ કદર ના હોય. હવે ઘર-પરિવારની જવાબદારી સરખાભાગે વહેંચી લેતા હોય તેવાં યુગલો પણ જોવા મળી રહ્યાં છે પણ, તેમની સંખ્યા બહુ ઓછી છે.

પત્રકારની ધાક હોવી જોઇએ ?

છેલ્લા કેટલાક સમયથી બહુ લોકો મને એવું કહી રહ્યા છે કે એક પત્રકાર તરીકે તમારી ધાક નથી. તમારું નામ પડે એટલે ભલભલા પોલીસ અધિકારીઓ તથા સનદી અમલદારોને પરસેવો પડી જવો જોઇએ. તમારો એક ફોન જાય એટલે તે પોતાની ખુરશી પરથી ઉભા થઇ જવા જોઇએ. ધારાસભ્યો અને બીજા નેતાઓ દર બે-ચાર દિવસે તમારા ખબર પૂછવા જોઇએ. શહેરના કોઇ પણ સમારંભમાં તમારું સ્થાન પહેલી હરોળમાં જ હોવું જોઇએ. તમારા કામો માટે એક કહેતાં દસ માણસોની લાઇનો લાગવી જોઇએ. વગેરે…વગેરે….પણ, આવું કાંઇ બનતું નથી. ઘણા લોકોએ તમારું નામ જ સાંભળ્યું નથી. કોઇએ નામ સાંભળ્યું પણ હોય તો તેને ડર લાગતો નથી. તમને જોઇએ એવું મહત્વ કયાંય અપાતું નથી. આવું કયાં સુધી ચાલે  ?

આ બધા લોકોએ મને વિચારતો કરી મૂકયો છે. શું પત્રકારની ધાક હોવી જોઇએ ? હું શાળામાં ભણતો હતો ત્યારે પત્રકાર બનવાનું નક્કી કર્યું હતું એ વખતે આ ધાક શબ્દ કયાંય મારા મનમાં હતો કે નહીં ?  સમાજમાં બીજા અનેક પ્રકારના વ્યવસાયો છે. આ બધા વ્યવસાયો સમાજને કોઇને કોઇ  રીતે ઉપયોગી છે. પત્રકારત્વ પણ બીજા વ્યવસાય જેવો જ એક વ્યવસાય છે. તો પત્રકારનો વિશેષ દરજ્જો શા માટે હોવો જોઇએ ?

પત્રકારે સમાચાર મેળવવા માટે હંમેશા સત્તાના કોરીડોરમાં ફરતા રહેવું પડે છે. ટોચના સત્તાધીશો સાથે સંપર્કમાં રહેવું પડે છે. દરેક કાર્યક્રમમાં પત્રકારોને બોલાવવામાં આવે છે, તેમને આગળ સ્થાન અપાય છે તેનું એક માત્ર કારણ તેમને અહેવાલ મેળવવામાં સરળતા ઉભી કરી આપવાનો હોય છે.

પણ, સત્તાના કોરીડોરમાં રહીને પત્રકારો પોતાને સત્તાધીશોની સમકક્ષ માનતા થઇ જાય છે. સામાન્ય જનને સુલભ ના હોય તેવા સંપર્કો અને સંબંધો તેમને સુલભ બને છે. લોકો જેમને મળવા ઝંખતા હોય, જેમની કદમબોસી કરતા હોય એવા લોકો પત્રકારો સાથે જરા વિનંતીના સૂરે કે મુસ્કુરાઇને વાત કરે છે એટલે પત્રકારને લાગે છે કે પોતે સૌથી વિશેષ છે.

સંબંધો અને સંપર્કો  કેળવવા એ તો પત્રકારે તેની વ્યવસાયિક ફરજના ભાગરૂપે કરવી પડતી કામગીરી છે. મોટાભાગના આવા સંબંધો સ્વાર્થના પાયા પર રચાય છે. તેમાં કોઇ આત્મીયતા હોતી નથી. પત્રકારને માહિતી મેળવવાની ગરજ હોય છે અને સામેની વ્યકિતને માહિતી આપવાની ગરજ હોય છે. પ્રચારની ભૂખ અને અપપ્રચાર ખાળવાની તકેદારી આવા સંબંધોના પાયામાં હોય છે. પણ, ધાક એ જરા જુદી બાબત છે. ઘણા શહેરોમાં, જિલ્લા અને તાલુકા મથકોમાં અને હવે તો નાના-નાના કસ્બાઓમાં પણ કેટલાક પત્રકારોની ઇમેજ ‘ભાઇ’ જેવી હોય છે.  બધા તેમને સલામ ભરે, બધું તેમને પૂછીને થાય અને બધામાં તેમનો ભાગ હોય એ સહજ ગણાય છે. વડોદરા જેવાં શહેરમાં પણ આવા મોટાભાઇઓ જોવામાં આવ્યા છે. તેમની ધાકની કથાઓ દંતકથાઓની જેમ પત્રકારો અને જાહેર જીવનના લોકો વચ્ચે ચર્ચાતી રહે છે. દર વખતે આ ધાક માત્ર સમાચાર લેવા પૂરતી જ હોતી નથી. આવી ધાકના કારણે કરોડપતિ પત્રકારો એવો શબ્દપ્રયોગ પણ અસ્તિત્વમાં આવ્યો છે.

લોકો મને કહે છે કે પત્રકારનું કામ એટલા માટે અગત્યનું છે કે તે લોકમાનસ પર અસર પહોંચાડે છે. પણ, એવાં તો બીજા ઘણા કામ છે કે જેનાથી લોકો પ્રભાવિત થતા હોય. એક શિક્ષક તો અનેક પેઢીઓનું ઘડતર કરતો હોય છે. હજુ પણ છાપાંના અહેવાલો કરતાં શિક્ષકના એક વાકયની વિદ્યાર્થીઓ પર વધારે અસર થતી હોય છે. એમ જોવા જાવ તો સમાજમાં કોઇ વ્યવસાય બિનઅગત્યનો નથી. દરેકનું પોતાનું મહત્વ અને પ્રદાન છે. સામાજિક વ્યવસ્થા બરાબર ચાલતી રહે તે માટે નાનામા નાના વ્યવસાયીનું પણ મોટું પ્રદાન હોય છે.

લોકો કહે છે કે કોઇ તમારાથી ડરતું નથી. હવે આને પ્રશંસા કહેવી કે કટાક્ષ કહેવો એ મને સમજાતું નથી. આ સારી વર્તણુકનું પ્રમાણપત્ર છે કે પછી કામમાં નિષ્ફળ ગયાની સાબિતી છે ? શું લોકો મારાથી ડરતા રહે, ગભરાતા રહે એ મારું કે કોઇ પણ પત્રકારનું ધ્યેય હોવું જોઇએ ? આપણને જયારે એવી ખબર પડે કે કોઇ આપણાથી ગભરાય છે તો તે આનંદની વાત છે કે અફસોસની ?

ઘણી વખત સજ્જનતાને નબળાઇ માની લેવામાં આવે છે. કયારેક તો કોઇનો વ્યવહાર જોઇને એવું લાગે છે કે આ પેલા ધાકવાળાભાઇઓને જ લાયક છે. પણ, પછી મન પાછું પડે છે. પેલી ટકોર કરનારાઓ માટે હું મનમાં ને મનમાં ગાઇ લઉ છું, ” એવા રે અમે એવા રે …..”

રજાઓને આપો રજા

તાજેતરમાં કેન્દ્રના રાજયકક્ષાના વિદેશ પ્રદાને શશી થરૂરે ગાંધી જયંતીની રજા રદ કરવી જોઇએ એવું મંતવ્ય વ્યકત કર્યું છે. આપણા રજા પ્રેમી દેશમાં આવાં મંતવ્યનો વિરોધ થાય એ સ્વાભાવિક છે. પણ, આમ જુઓ તો તેમનું આ સૂચન વિચારવા જેવું છે.

દિલ પર હાથ રાખીને કહો કે ગાંધી જયંતીના દિવસને રજાના વધુ એક દિવસ તરીકે પસાર કરવા સિવાય આપણે કશું કરીએ છીએ ખરા ?  વાસ્તવમાં મોટાભાગના રાષ્ટ્રીય તહેવારોની હાલત આવી થઇ ગઇ છે. 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી. આ દિવસો મનાવવાની જવાબદારી જાણે સરકારી કચેરીઓની તથા શાળાઓની જ હોય એવું વાતાવરણ બની ગયું છે વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં 36 હજાર વિદ્યાર્થીઓ ભણે છે અને બીજો અધ્યાપકો તથા કર્મચારીઓનો સ્ટાફ છે. પણ, સ્વાતંત્ર્ય દિન કે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનમાં પુરા 400 લોકો પણ હોતા નથી. આવી હાલત લગભગ બધે જ છે.

ધાર્મિક તહેવારની રજાઓ પણ બધા લોકો માટે કામની હોતી નથી. મોટાભાગની ધાર્મિક રજાઓને મરજિયાત રજા તરીકે જાહેર કરી દેવા જેવી છે.  રમઝાન ઇદની રજા મુસ્લિમોને કે નાતાલની રજા ખ્રિસ્તીઓ ભલે પાળે પણ તેના ખાતર સમગ્ર દેશમાં જાહેર રજા રાખવાની જરૂર છે કે કેમ તે વિશે ગંભીર ચર્ચા થવી જોઇએ. વાત માત્ર લઘુમતીઓના તહેવારોની નથી. હું ભુજમાં રહ્યો છું એટલે મને જન્માષ્ટમીનો મેળાનો માહોલ ખબર છે પણ ફરી, રામનવમીની રજા કદાચ ફેરવિચારણા માગી લે છે. રામ નવમીએ રામ મંદિરમાં જઇને રામ જન્મોત્સવમાં ભાગ લેનારા લોકોની સંખ્યા બહુ ઓછી હશે. આ જન્મોત્સવમાં હાજરી આપવા માટે બે-ત્રણ કલાક પૂરતા છે. પણ, અહીં તો રામ નવમીના બહાને લોકો આખો દિવસ આરામ ફરમાવે છે. આવી રજાઓની યાદી બહુ લાંબી થવા જાય છે.

આમ પણ રજાઓની આ લક્ઝરી માત્રને માત્ર સરકારી કર્મચારીઓ તથા અર્ધસરકારી કચેરીઓ અને બેન્કોના કર્મચારીઓને છે. દેશની 90 ટકા વસતિને મોટાભાગની રજાઓ મળતી જ નથી. દિવાળીના દિવસે પણ એસટી બસો અને ટ્રેનો દોડતી જ હોય છે, પાણી પુરવઠા, લાઇટ, હોસ્પિટલો જેવી અનેક તાકીદની સેવાઓના કર્મચારીઓ ફરજ બજાવતા જ હોય છે. રાષ્ટ્રીય કે ધાર્મિક તહેવારોમાં પણ જુજ વેપારીઓ તેમની દુકાનો બંધ રાખે છે. વાસ્તવમાં હવે  મોલ કલ્ચરમાં  15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી શોપિંગ ફેસ્ટીવલ બની ગયા છે. આ દિવસોએ મોલમાં સેલ્સ સ્ટાફમાં કામ કરતા યુવાનો અને યુવતીઓ તેમના રોજિંદા સમય કરતાં વધારે કામ કરે છે. કેટલાય એવા ઉધોગો છે જે કન્ટીન્યુસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. આ ઉધોગો ભલભલા તહેવારોના દિવસોમાં કે વરસાદ -વાવાઝોડાં જેવી પરિસ્થિતિઓમાં પણ ચાલુ રહે છે અને અર્થતંત્રમાં પોતાનો ફાળો આપે છે. શું તેથી તેના કર્મચારીઓનો દેશપ્રેમ કે ભક્તિ ઓછાં કહેવાય ?

ઘણી વખત એવું થાય છે કે બે-ચાર રજાઓ ભેગી આવતી હોય છે. ચાલાક સરકારી કર્મચારીઓ વચ્ચે આવતા એકાદ દિવસે સી.એલ. મૂકીને આખાં અઠવાડિયાનું મિની વેકેશન માણી લે છે. બેન્કો ત્રણ-ત્રણ દિવસ બંધ રહે છે. હમણા બેન્ક કર્મચારીઓએ બે દિવસની હડતાલ પાડી હતી પણ એ તારીખો એવી રીતે નક્કી કરી હતી કે આગળ પાછળ રજાઓ જ આવે. તેનાકારણે કિલયરીંગમાં અબજો રૂપિયાના ચેકોનો ભરાવો થઇ ગયો હતો. અનેક બેન્કોના એટીએમ ખાલી થઇ ગયાં હતાં.  કેટલાય લોકોના આર્થિક  વ્યવહાર અટકી પડયા હતા. જેમના ઘરે બે-ચાર લાખની રોકડ પડી રહેતી હોય એવા લોકો ભારતમાં કેટલા ?  આવામાં બેન્કો સળંગ બંધ રહે તો કેવી કફોડી હાલત થાય તે સમજી શકાય તેવું છે.

વાસ્તવમાં રજાઓ આપણ રાજરોગ બની ગયો છે. ઓગસ્ટ મહિનો તો રજાપ્રેમીઓનો માનીતો મહિનો છે. રોજિંદી ઘટમાળમાંના ટેન્શનમાંથી  આરામ માટે રજાઓ જરૂરી છે તેની ના નહીં પણ, અહીં તો રજાઓની ઘટમાળ  જ ટેન્શન કરાવી દે તેવી છે.

ટીનએજ લવસ્ટોરીની આજકાલ

56

કમિને અને લવ આજકલ જેવી ફિલ્મોની બહુ ચર્ચા થઇ તેમાં તેરે સંગ જેવી ફિલ્મ પર કદાચ મિડીયાનું ધ્યાન બહુ ગયું છે. આ ફિલ્મમાં તરૂણવયે પ્રેમનો બહુ સંવેદનશીલ મુદ્દો ચર્ચવામાં આવ્યો છે. આ ફિલ્મની તરૂણી પ્રેમિકા સગર્ભા પણ બને છે અને તેનો તરૂણ પ્રેમી પોતાની જવાબદારી નિભાવે પણ છે.

આપણા સમાજમાં આવું ના બને કે આવું ના ચાલે એમ કહીને આ મુદ્દા તરફ આંખમિચામણા કરી શકાય તેમ નથી. આપણા દેશમાં ટીનએજ સેક્સ બહુ પ્રચલિત નથી એવા અંધ વિશ્વાસમાં પણ રહેવા જેવું નથી. અત્યારે અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં જ નહી પણ તાલુકા મથક સ્તરના મધ્યમ કદના શહેરો કે કસ્બાઓની શાળાઓમાં પણ અનેક ટીનએજ પ્રેમકથાઓ રચાતી હોય છે. આ પ્રેમીઓ એસએમએસની આપલે કરીને કે ગામથી દૂર કોઇ એકાંત સ્થળે બે ઘડી મીઠી વાતો કરીને જ છૂટા પડી જતા હશે એવું માનવાને કોઇ કારણ નથી.
ટીનએજ પ્રેમકથાઓ આજે જ સર્જાય છે એવું નથી.આજથી 20 વર્ષ પહેલાં અમદાવાદ અને ભુજ જેવાં શહેરોમાં પણ ટીનએજ પ્રેમકથાઓ રચાતી હતી. એ પહેલાં પણ રચાતી હશે જ. વાસ્તવમાં કુદરતની કરામત એવી છે કે છોકરો અને છોકરી શારીરિક આકર્ષણ અનુભવતા થાય અને પ્રેમમાં પડે તેની શરૂઆત 13-14 વર્ષથી જ શકય બનવા માંડે છે. પણ, સમાજ તથા કાયદો એમને દંપતી બનવા માટે વધુ સાત-આઠ વર્ષ રાહ જોઇ જવાનું કહે છે. સ્વાભાવિક રીતે જ આ ઉંમર જીવનસાથીની પસંદગીની નહીં પણ કારકિર્દી બનાવવાની હોય છે. મોટાભાગના તરૂણો તથા તરૂણીઓ આ બાબતે સભાન હોય જ છે. પણ, કુદરત કુદરતનું કામ તો કરે જ છે. છોકરાઓને આકર્ષક છોકરીઓ સામે તાકી તાકીને જોઇ રહેવાનું, તેની નજીક જવાનું મન થાય છે. છોકરીઓને પોતે છોકરાઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી હોવાનો અહેસાસ થાય છે. તક મળે તો સંવાદ સર્જાય છે અને પછી આદિકાળતી એક પુરૂષ અને એક સ્ત્રી વચ્ચે રમાતી રમત શરૂ થઇ જાય છે.
હવે ઇન્ટરનેટ સુલભ છે કે ફિલ્મો અને ટીવીચેનલોની અસરથી આવું વધી ગયું છે એવી દલીલ કરી શકાય તેમ નથી. કારણ કે, જયારે ઇન્ટરનેટ કે ટીવી ન હતાં ત્યારે પણ તરૂણાવસ્થાના પ્રેમ પ્રકરણો સર્જાતાં હતાં જ.
દરેક સંબંધની પોતપોતાની આગવી સમસ્યાઓ હોય છે. આ તરૂણ વયના પ્રેમીઓની પણ પોતાની સમસ્યાઓ હોય છે. પણ, મુશ્કેલી એ છે કે મિત્ર વર્તુળ સિવાય કોઇને તે કહી શકાતું નથી. માતા-પિતા કે પરિવારજનો તેમની જરૂરીયાત સમજવાને બદલે તેમને અપરાધી જાહેર કરી દે છે અને બહુ આકરા ઉપાયો અજમાવે છે. આપણે ત્યાં ચાઇલ્ડ સાઇકોલોજીની ચર્ચા જેટલી થાય છે તેટલી ટીનએજ સાયકોલોજી વિશે થતી નથી. 13થી 17 વર્ષના તરૂણ -તરૂણીઓની પોતાની આગવી મૂંઝવણો અને સમસ્યાઓ હોય છે. આ તબક્કામાં તેમની પરિવારજનો અને સગાસંબંધીઓ સિવાયની બીજી દુનિયા વિકસવાની શરૂ થાય છે. જાતીય આકર્ષણની ચિનગારી ચંપાઇ ચુકી હોય છે. પણ, તેમના ઘરમાં તેમની ગણતરી હજુ તો બાળકમાં જ થતી હોય છે. મનમાં કશુંક ઉગતું હોય છે, કશુંક સ્પર્શતું હોય છે, અજાણ્યા રોમાંચ ઘેરી વળે છે. કેટલીક વાતો સમજાય છે તો કેટલીક નથી સમજાતી. કેટલીક વાતો ફ્રેન્ડસર્કલમાં શેર થાય છે પણ પ્રોબ્લેમ એ કે ફ્રેન્ડ સર્કલમાં બધાની ઉંમર સરખેસરખી હોય છે અને કોઇ માર્ગદર્શન આપે તેવું હોતું નથી. કોલેજિયન યુવક કે યુવતીમાં પોતાના પ્રેમની પરિવાર સમક્ષ જાહેરાત કરવાની હિંમત આવી ચુકી હોય છે પણ હજુ શાળાઓમાં ભણતાં આ પ્રેમી-પ્રેમિકાઓને એવી તો સમજ હોય છે કે આ સંબંધની વાત, આ લાગણીની વાત ઘરે કહી શકાય તેમ નથી.
ટીનએજર થશો કે ટીનએજર બન્યા છો એટલે આવી આવી લાગણીઓ થશે અને તેને આ રીતે સંભાળી લેવી પડશે એવી સમજણ કોઇ આપતું નથી. ખરેખર તો શાળાઓમાં ટીનેએજ કાઉન્સેલીંગ થવું જોઇએ પણ આપણે ત્યાં એવી કોઇ વ્યવસ્થા નથી. કેરિયર ગાઇડન્સ સેલ હોય છે પણ ઇમોશન ગાઇડન્સ સેલ નથી હોતું. ધો. સાતમાં ભણતી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અને ધો. નવમાં ભણતી વિદ્યાર્થિનીનું મનોજગત સાવ અલગ હોય છે એવું સમજવા શિક્ષક કે માતા-પિતા કોઇ તૈયાર થતાં નથી. જાતીય જ્ઞાનની શરૂઆત શેરી કે પોળ, સોસાયટીના નાકા અથવા તો શાળામાં બેસતાં ગ્રૂપ વચ્ચેની ચર્ચાઓમાંથી થાય છે. કેટલીક વખત શિક્ષકો ગલગલીયાં કરાવી સસ્તી લોકપ્રિયતા ખાટવા માટે એડલ્ટ જોક્સ દ્વારા આ જાતીય જ્ઞાન આપવાની શરૂઆત કરે છે આવું અધૂરું જ્ઞાન હંમેશા જોખમી નિવડે છે. ઇન્ટરનેટ પરની સાઇટ્સ કે ફુટપાથ પર વેંચાતી ચોપડીઓ અને સીડી માત્ર શારીરિક બાબતો જ આવરી લે છે પણ લાગણીઓનું મેનેજમેન્ટ તેમાંથી શિખવા મળતું નથી.

એક બહુ અગત્યનો અને કદાચ ઘરેઘરને સ્પર્શી શકે તેવો સંવેદનશીલ મુદ્દો આપણે ત્યાં અવગણવામાં આવી રહ્યો છે. ફિલ્મની માવજત કે બીજી બધી વાત બાજુ પર મૂકીએ તો પણ કમસે કમ આ વિષયને સ્પર્શવાની હિંમત કરવા માટે તેરે સંગના  સર્જકોને શાબાશી આપવા જેવી છે.