Category Archives: પ્રેમ

પ્રેમ એટલે કશ્મકશ…..

પ્રેમ થવો એ એક વાત છે…જેનાં પ્રેમમાં પડયા હોઇએ તે આપણા પણ પ્રેમમાં પડે એ વળી બીજી વાત છે…. બંને એકબીજાના પ્રેમમાં હોય તેઓ જીવનસાથી બની શકે એ પાછી ત્રીજી વાત છે અને જીવનસાથી બન્યા પછી પ્રેમ ટકી રહેવો એ પાછી જુદી જ વાત છે.

પ્રેમના પંથમાં આ બધા જુદા જુદા મુકામ છે અને આ દરેક મુકામ વખતે કયારેક ને કયારેક કોઇને કોઇ કશ્મકશ તો અનુભવાય જ છે. આ કશ્મકશ પછી પ્રિય પાત્રને જતું કરનારા લોકોની બહુમતી છે. બહુ ઓછા લોકો પોતાના અસલ પ્રેમને વળગી રહી શકે છે કે તેના તરફ પાછા ફરી શકે છે.અરે, અસલ પ્રેમ કયો કહેવાય તેની ઓળખ મેળવવાની સજજતા અને તૈયારી પણ બહુ ઓછા લોકોમાં હોય છે.

પ્રેમની આ બધી ઝીણી ઝીણી…મીઠી મીઠી…કયારેક પીડા સર્જતી અને કયારેક રોમાંચ પમાડતી કશ્મકશ અનુભવવાની પણ એક મજા છે. જેમની જિંદગીમાં આ બધી કશ્મકશની કરકરી યાદોનો ખજાનો નથી એ લોકો ખરેખર કમનસીબ છે. મુળ બંગાળીમાં બનેલી અને હિન્દીમાં પણ ડબ થયેલી ઋતુપર્ણ ઘોષની ફિલ્મ કશ્મકશ માણ્યા પછી સૌ કોઇને પોતપોતાની આવી કોઇ કશ્મકશ મમળાવવાનું મન થઇ જશે.

કશ્મકશ એવા સમયે રિલીઝ થઇ છે જયારે કોરાં આકાશમાં વાદળોનું આગમન શરૂ થઇ ગયું છે. દરેક વાદળ એક સંભાવના…એક સંદેશ લઇને આવે છે. કદાચ કોઇ વાદળ કોરુંને કોરું પસાર થઇ જશે. કદાચ કોઇ વાદળ માત્ર બે ઘડી છાંયો આપીને રવાના થઇ જશે. કોઇ વાદળ વરસી પણ શકે છે.  વાદળાં છવાયાં હોય , ઠંડો પવન વાતો  હોય અને ત્યારે કોઇ કશ્મકશની વાત યાદ ના આવે તો માનવું કે હ્રદય એપ્રિલના આકાશ જેવું કોરું ધાકોર છે.

વાદળાં અને યાદગીરીઓ વચ્ચે પણ કેટલું સામ્ય છે. કયારેક એ એકલદોકલ હોય તો કયારેક ફોજ હોય…કયારે એનાથી મન પ્રસન્ન થઇ જાય તો કયારેક અકળામણ અને મુંઝારો પણ લાગે….બંનેનો કોઇ નિશ્ચિત આકાર નહીં….એ ગમે તે દિશામાંથી આવે અને ગમે તે દિશામાં જાય…કયારેક દિવસોના દિવસો સુધી ગોરંભાયા કરે અને કયારેક  થોડીવારમાં વિખેરાઇ જાય…બંનેને મમળાવ્યા કરો અને એમાંથી નવા નવા આકાર , નવા નવા અર્થ નીકળતા જાય…એ ભીડ અને ઘોંઘાટ વચ્ચે નહીં પણ એકાંતમાં માણવાની મજા આવે……કેટલીકવાર એ મૌન રહીને પસાર થઇ જાય…પણ કયારેક એ ગર્જના કરે અને વીજળીના ચમકારા પણ થાય……એક વાદળ અસંખ્ય લોકો જુદી જુદી રીતે જોઇ અને માણી શકે તેવું જ કોઇ એક યાદનું પણ છે ને….એક જ ઘટના કે એક જ પાત્રની યાદને લોકો કેવી અલગ અલગ રીતે સાચવતા અને માણતા હોય છે…

કશ્મકશ વિનાનો…આ પાર કે પેલે પારની દ્રઢતા ધરાવતો પ્રેમ  જ પાકો અને દ્વિધા ધરાવતો પ્રેમ કાચો એવું અર્થઘટન કરી શકાય ખરું ?

લાંબા સમય સુધી ટકી રહે તે પ્રેમ સાચો અને થોડા સમય માટે થઇ જતો અને પછી ભુલી જવો પડતો પ્રેમ કાચો એવું માનવાની ઉતાવળ કરવા જેવી નથી. કયારેક કોઇ અલ્પ સમય માટે  થઇ જતા પ્રેમની એટલા દિવસો પુરતી તીવ્રતા પેલા દીર્ઘજીવી પ્રેમને ટક્કર માટે તેવી હોય છે.

કશ્મકશ..ની સાથે સાથે જ રિલીઝ થયેલી  કુછ લવ જૈસા…ની વાત પણ આવી જ કાંઇક છે . લાગણીને લંબાણ કે કાયમીપણાના માપદંડથી માપવાની કશ્મકશમાં પડવા જેવું નથી. કયારેક કોઇ મોટું વાદળ લાંબા સમય  સુધી રહે પણ વરસે નહીં અને એક નાની વાદળી આવીને ફટાફટ ભીંજવતી જાય એવું બની શકે છે….હા, એટલું ખરું કે આવી ભીંજાવાની તૈયારી હોવી જોઇએ.  કયારેક સતત વરસતા રહેતા મુશળધાર વરસાદમાં એકધારાપણું લાગે પણ કયારેક થોડી મિનીટો માટે આવીને ભીંજવી જતું ઝાપટું એવી સુગંધીદાર ભીનાશ મુકીને જતું રહે કે એમાં જ ખોવાયેલા રહેવાનું મન થાય.

જુન મહિનો એટલે જ મને ગમે છે કારણ કે તે તેની પાછળ પાછળ આખું ચોમાસું લઇને આવે છે.  અને આ ભીની મોસમમાં શાળાઓ અને કોલેજોના કેમ્પસ પર  સર્જાશે અનેક રીયલ લાઇફ કશ્મકશ અને કુછ લવ જૈસા…..

Advertisements

ટીનએજ લવસ્ટોરીની આજકાલ

56

કમિને અને લવ આજકલ જેવી ફિલ્મોની બહુ ચર્ચા થઇ તેમાં તેરે સંગ જેવી ફિલ્મ પર કદાચ મિડીયાનું ધ્યાન બહુ ગયું છે. આ ફિલ્મમાં તરૂણવયે પ્રેમનો બહુ સંવેદનશીલ મુદ્દો ચર્ચવામાં આવ્યો છે. આ ફિલ્મની તરૂણી પ્રેમિકા સગર્ભા પણ બને છે અને તેનો તરૂણ પ્રેમી પોતાની જવાબદારી નિભાવે પણ છે.

આપણા સમાજમાં આવું ના બને કે આવું ના ચાલે એમ કહીને આ મુદ્દા તરફ આંખમિચામણા કરી શકાય તેમ નથી. આપણા દેશમાં ટીનએજ સેક્સ બહુ પ્રચલિત નથી એવા અંધ વિશ્વાસમાં પણ રહેવા જેવું નથી. અત્યારે અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં જ નહી પણ તાલુકા મથક સ્તરના મધ્યમ કદના શહેરો કે કસ્બાઓની શાળાઓમાં પણ અનેક ટીનએજ પ્રેમકથાઓ રચાતી હોય છે. આ પ્રેમીઓ એસએમએસની આપલે કરીને કે ગામથી દૂર કોઇ એકાંત સ્થળે બે ઘડી મીઠી વાતો કરીને જ છૂટા પડી જતા હશે એવું માનવાને કોઇ કારણ નથી.
ટીનએજ પ્રેમકથાઓ આજે જ સર્જાય છે એવું નથી.આજથી 20 વર્ષ પહેલાં અમદાવાદ અને ભુજ જેવાં શહેરોમાં પણ ટીનએજ પ્રેમકથાઓ રચાતી હતી. એ પહેલાં પણ રચાતી હશે જ. વાસ્તવમાં કુદરતની કરામત એવી છે કે છોકરો અને છોકરી શારીરિક આકર્ષણ અનુભવતા થાય અને પ્રેમમાં પડે તેની શરૂઆત 13-14 વર્ષથી જ શકય બનવા માંડે છે. પણ, સમાજ તથા કાયદો એમને દંપતી બનવા માટે વધુ સાત-આઠ વર્ષ રાહ જોઇ જવાનું કહે છે. સ્વાભાવિક રીતે જ આ ઉંમર જીવનસાથીની પસંદગીની નહીં પણ કારકિર્દી બનાવવાની હોય છે. મોટાભાગના તરૂણો તથા તરૂણીઓ આ બાબતે સભાન હોય જ છે. પણ, કુદરત કુદરતનું કામ તો કરે જ છે. છોકરાઓને આકર્ષક છોકરીઓ સામે તાકી તાકીને જોઇ રહેવાનું, તેની નજીક જવાનું મન થાય છે. છોકરીઓને પોતે છોકરાઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી હોવાનો અહેસાસ થાય છે. તક મળે તો સંવાદ સર્જાય છે અને પછી આદિકાળતી એક પુરૂષ અને એક સ્ત્રી વચ્ચે રમાતી રમત શરૂ થઇ જાય છે.
હવે ઇન્ટરનેટ સુલભ છે કે ફિલ્મો અને ટીવીચેનલોની અસરથી આવું વધી ગયું છે એવી દલીલ કરી શકાય તેમ નથી. કારણ કે, જયારે ઇન્ટરનેટ કે ટીવી ન હતાં ત્યારે પણ તરૂણાવસ્થાના પ્રેમ પ્રકરણો સર્જાતાં હતાં જ.
દરેક સંબંધની પોતપોતાની આગવી સમસ્યાઓ હોય છે. આ તરૂણ વયના પ્રેમીઓની પણ પોતાની સમસ્યાઓ હોય છે. પણ, મુશ્કેલી એ છે કે મિત્ર વર્તુળ સિવાય કોઇને તે કહી શકાતું નથી. માતા-પિતા કે પરિવારજનો તેમની જરૂરીયાત સમજવાને બદલે તેમને અપરાધી જાહેર કરી દે છે અને બહુ આકરા ઉપાયો અજમાવે છે. આપણે ત્યાં ચાઇલ્ડ સાઇકોલોજીની ચર્ચા જેટલી થાય છે તેટલી ટીનએજ સાયકોલોજી વિશે થતી નથી. 13થી 17 વર્ષના તરૂણ -તરૂણીઓની પોતાની આગવી મૂંઝવણો અને સમસ્યાઓ હોય છે. આ તબક્કામાં તેમની પરિવારજનો અને સગાસંબંધીઓ સિવાયની બીજી દુનિયા વિકસવાની શરૂ થાય છે. જાતીય આકર્ષણની ચિનગારી ચંપાઇ ચુકી હોય છે. પણ, તેમના ઘરમાં તેમની ગણતરી હજુ તો બાળકમાં જ થતી હોય છે. મનમાં કશુંક ઉગતું હોય છે, કશુંક સ્પર્શતું હોય છે, અજાણ્યા રોમાંચ ઘેરી વળે છે. કેટલીક વાતો સમજાય છે તો કેટલીક નથી સમજાતી. કેટલીક વાતો ફ્રેન્ડસર્કલમાં શેર થાય છે પણ પ્રોબ્લેમ એ કે ફ્રેન્ડ સર્કલમાં બધાની ઉંમર સરખેસરખી હોય છે અને કોઇ માર્ગદર્શન આપે તેવું હોતું નથી. કોલેજિયન યુવક કે યુવતીમાં પોતાના પ્રેમની પરિવાર સમક્ષ જાહેરાત કરવાની હિંમત આવી ચુકી હોય છે પણ હજુ શાળાઓમાં ભણતાં આ પ્રેમી-પ્રેમિકાઓને એવી તો સમજ હોય છે કે આ સંબંધની વાત, આ લાગણીની વાત ઘરે કહી શકાય તેમ નથી.
ટીનએજર થશો કે ટીનએજર બન્યા છો એટલે આવી આવી લાગણીઓ થશે અને તેને આ રીતે સંભાળી લેવી પડશે એવી સમજણ કોઇ આપતું નથી. ખરેખર તો શાળાઓમાં ટીનેએજ કાઉન્સેલીંગ થવું જોઇએ પણ આપણે ત્યાં એવી કોઇ વ્યવસ્થા નથી. કેરિયર ગાઇડન્સ સેલ હોય છે પણ ઇમોશન ગાઇડન્સ સેલ નથી હોતું. ધો. સાતમાં ભણતી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અને ધો. નવમાં ભણતી વિદ્યાર્થિનીનું મનોજગત સાવ અલગ હોય છે એવું સમજવા શિક્ષક કે માતા-પિતા કોઇ તૈયાર થતાં નથી. જાતીય જ્ઞાનની શરૂઆત શેરી કે પોળ, સોસાયટીના નાકા અથવા તો શાળામાં બેસતાં ગ્રૂપ વચ્ચેની ચર્ચાઓમાંથી થાય છે. કેટલીક વખત શિક્ષકો ગલગલીયાં કરાવી સસ્તી લોકપ્રિયતા ખાટવા માટે એડલ્ટ જોક્સ દ્વારા આ જાતીય જ્ઞાન આપવાની શરૂઆત કરે છે આવું અધૂરું જ્ઞાન હંમેશા જોખમી નિવડે છે. ઇન્ટરનેટ પરની સાઇટ્સ કે ફુટપાથ પર વેંચાતી ચોપડીઓ અને સીડી માત્ર શારીરિક બાબતો જ આવરી લે છે પણ લાગણીઓનું મેનેજમેન્ટ તેમાંથી શિખવા મળતું નથી.

એક બહુ અગત્યનો અને કદાચ ઘરેઘરને સ્પર્શી શકે તેવો સંવેદનશીલ મુદ્દો આપણે ત્યાં અવગણવામાં આવી રહ્યો છે. ફિલ્મની માવજત કે બીજી બધી વાત બાજુ પર મૂકીએ તો પણ કમસે કમ આ વિષયને સ્પર્શવાની હિંમત કરવા માટે તેરે સંગના  સર્જકોને શાબાશી આપવા જેવી છે.