Category Archives: શિક્ષણ

લોથલ ,સ્કૂલના પાઠ અને નવા પદાર્થપાઠ

20140826-012529.jpg20140826-012613.jpg

 

સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. ઇતિહાસ જેવા સૌથી રસપ્રદ વિષયને સૌથી બોરિંગ રીતે રજૂ કરવામાં 20140826-012740.jpgઆમ પણ આપણા સરકારી પાઠ્યપુસ્તકોના લેખકો નિષ્ણાતો હોય છે
વર્ષો પછી કોલેજમાં ઇન્ડિયન કલ્ચર વિષય સેકન્ડ સબ્સિડરી તરીકે લીધો હતો ત્યારે ફરી લોથલ વિશે ભણવામાં આવ્યું. આ વખતે વિષયની રજૂઆત થોડી રસપ્રદ હતી અને શિક્ષણ આપવાની પદ્ધતિ પણ એટલે થોડો રસ પડયો. પણ છેવટે તો એ દ્વિતિય ગૌણ વિષય હતો એટલે રસ જાગ્યો એવો સુકાઇ ગયો.
કોલેજમાં એનએસએસના કેમ્પમાં તો અરણેજમાં રોકાવાનું પણ બન્યું. ત્યારે કોઇએ કહ્યું જ નહીં કે અહીંથી પગપાળા ચાલીને જવાય તેટલા જ અંતરે લોથલનો ટીંબો છે. ઘણા સમય પછી તેની જાણ થઇ ત્યારે અફસોસ થયો. બાદમાં તો વડોદરાથી ભાવનગર જવાનું થાય ત્યારે દર વખતે રસ્તામાં લોથલના રસ્તાનું સરકારી પાટિયું આવે અને હું અને ખ્યાતિ એવા મનસૂબા ઘડી લઇએ કે એક20140826-012754.jpg દિ વાત છે આ લોથલનો આંટો મારી જ આવવો પડશે.
મેળ ના પડયો , ના પડયો અને છેક અમદાવાદ ફરી રહેવાનું થયું ત્યારે એકદમ અચાનક વરસાદી બપોરે ધૂન ચડી. ચાલો લોથલ.
અમદાવાદથી રાજકોટ હાઇવે પર સડસડાટ જઇએ ત્યારે બગોદરાના ચાર રસ્તા આવે છે. ત્યાંથી લેફ્ટ ટર્ન લઇએ એટલે લોથલનો રસ્તો છૂટો પડે છે. લોથલ જેવા સબ્જેક્ટમાં તો આપણા જેવા કેટલાને રસ પડે એવો ખ્યાલ હતો એટલે સુમસામ જગ્યાએ આંટા મારવાનું થશે એવી મારી અને ખ્યાતિની ધારણા હતી. પરંતુ સુખદ રીતે તે ધારણા ખોટી પડી. અહીં તો ખાસ્સી સંખ્યામાં લોકો હતા. ગુજરાતીઓ ઉપરાંત ગુજરાતમાં વસી રહેલા દક્ષિણ ભારતીયો તથા અન્ય લોકો પણ પુછતા પુછતા પંડિત થઇને આવી પહોંચ્યા હતા.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીંથી મળેલી ચીજોના પ્રદર્શન સાથે સમજ આપતું એક નાનું મ્યુઝિયમ બનાવ્યું છે. લોથલની અત્યા20140826-012834.jpgરની સાઇટમાં અનુમાન અને કલ્પનાના રંગ ઉમેરીએ તો કદાચ ત્યારે લોથલ કેવું દેખાતું હશે તેનું સુંદર મોડલ પણ બનાવ્યું છે. પણ, એક વાત ખૂંચી. આ મ્યુઝિયમમાં કયાંય ફોટા પાડવાની મનાઇ છે. આ પ્રાચીન ચીજોના કે લોથલના પેલા મોડલના ફોટા પાડીને કોણ શું લાભ લઇ જશે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટવાળાને શું નુકસાન થશે એ સમજાયું નહીં. ખેર, પણ આ મ્યુઝિયમ જોઇને પછી એકચ્યુઅલ સાઇટની લટાર મારવામાં વધારે મજા આવી કારણ કે ત્યારે સ્થળ પર ઊભા રહીને કેટલીય ચીજો કલ્પી શકાતી હતી.
લોથલમાં રહેનારા લોકો દુનિયાભરની પ્રજાઓ સાથે વેપાર કરતા હતા. આ દરિયાપારની પ્રજાઓના સંપર્કના કારણે કદાચ તેમનામાં એક પ્રકારનું રંગીલાપણું આવ્યું હતું. તેમની જિંદગી સાવ શુ્ષ્ક ન હતી. સ્ત્રી અને પુરૂષે ધારણ કરવાની સુશોભન અને શણગારની અનેક ચીજો અહીંથી મળી છે તેનો મતલબ કે લોકોને ઠઠ્ઠારો કરીને મ્હાલવાનો શોખ હશે. સારા દેખાવું, સુંદર લાગવું , સુંદર અ20140826-012913.jpgને આકર્ષક રહેવું તેમને ગમતું હશે. ત્યારની નૌકાઓની બનાવટો, વેપાર વણજની રીતો એ વિશે જાત જાતના અનુમાનો કરી શકાય છે. ત્યારે પૈસાનું ચલણ કેવી રીતે હશે કે કેવી મુદ્દાઓના આધારે બધી ચીજોની લે વેચ થતી હશે તેની કલ્પના કરવાની અમને બંનેને મજા આવી.
લોથલના ટીંબા પર આંટા મારતાં મારતાં એક વાત જરૂર સમજાઇ. શા માટે આર્કિયોલોજીનું ભણતર મહત્વનું છે ? શા માટે લોકોને આર્કીયોલોજીમાં રસ લેતાં કરવાં જોઇએ ? આ ભૂતકાળને સમજવામાં વર્તમાનની અનેક સમસ્યાઓ અને ભવિષ્યના અનેક આયોજનોની ચાવી છૂપાયેલી છે. પાંચ હજાર વર્ષ પહેલાં અહીં એક બંદર ધમધમતું હતું. એક એવી સંસ્કૃતિ પાંગરી હતી જેના છેડા આજના પાકિસ્તાન કે ઇરાન સુધી પહોંચતા હતા. એ લોકો દુનિયાના અન્ય તમામ ખંડો સાથે સંપર્કમાં હતા. તેમનો ધર્મ કયો હતો ? તેઓ કયા સંપ્રદાયને માનતા હતા ? દેશ માટેની તેમની વ્યાખ્યા શું હતી ? તેઓ કઇ સરહદોને માન્ય રાખતા હતા ? તેઓ કયું ચલણ સ્વીકારતા હતા ? તેઓ 20140826-012707.jpgકઇ ભાષા બોલતા હતા અને ત્યારે તે જમાનામાં દુનિયાના બાકીના દેશોના લોકો સાથે કઇ ભાષામાં વ્યવહાર કરતા હતા. ? આ પાંચ હજાર વર્ષમાં આપણે કૂંડાળાઓની બહાર પગ મૂકતા જવાનો હોય તેને બદલે આપણે તો વધારેને વધારે કૂંડાળા રચતા ગયા છીએ અને સમસ્ત માનવજાતને નાહકના ટેન્શનોમાં કેદ કરતાં ગયાં છીએ. આપણા પૂર્વજો પાસેથી આપણે શું શીખવાનું હતું, આપણે શું શીખ્યા ? અહીં ઊભા રહ્યા પછી લોકો જમીનના ટૂકડા માટે ઝઘડતા હોય એ બહુ હાસ્યાસ્પદ લાગે. પોતે જમાવેલી પ્રોપર્ટી, પોતે જમાવેલાં સામ્રાજ્ય કે અન્ય કોઇએ જમાવેલાં સામ્રાજ્યના વારસ હોવાના અભિમાન વિશે વિચારીએ તો એ બહુ ફની લાગે.
આ ટીંબા પર આંટા મારતા મારતાં એ પણ સમજાયું કે હજુ હું અમદાવાદના જે વિસ્તાર માં રહું છું ત્યાં ભૂગર્ભ ગટર યોજના નથી આવી. હજી ખાળકૂવાની સિસ્ટમ ચાલે છે. ત્યારે હું જે પાંચ હજાર વર્ષ પહેલાંના જે ટેકરા પર ઊભા હતો ત્યાં મારાથી કેટલેક ડગલાં દૂર આજની આધુનિક નગર યોજનાઓને ટક્કર આપે તેવી ડ્રેનેજ સિસ્ટમ મોજુદ હતી. મેં વારેવારે સુરતની ગલીઓમાં ઘૂસી જતાં પૂરને જોયું છે વડોદરામાં આવવા જવાના માર્ગો બંધ થઇ જતાં રસ્તાઓ પર કેદ થઇ જતું પાણી જોયું છે. પાણી કયાંથી આવશે અને કયાંથી જશે તેનો વિચાર ગુજરાતમાં જ અમદાવાદથી સવાસો કિલોમીટર દૂરના અંતરે આવેલી આ જગ્યા પર હજારો વર્ષ પહેલાં થઇ ચૂકયો હતો. આ વિચાર આપણે કયાં ચૂકી ગયા ?

 

 

 

Advertisements

પછાત એટલે ?

ભગવદ્દ ગોમંડળ અનુસાર સંસ્કૃત શબ્દ પશ્ચાત પરથી પછાત શબ્દ આવ્યો છે.  પછાત શબ્દનાઅન્ય  કેટલાક અર્થ છે(1)  પાછળ રહી ગયેલુ, પાછળનું.  (2) બિન કેળવાયેલ, બિનસુધરેલ , અવિદ્વાન (3) પાછળ, પછવાડે, પુંઠે .

કદાચ હવે ફરી ભગવદ્દ ગોમંડળની રચના કરવાની થાય તો પછાત શબ્દનો અર્થ અને અર્થ છાયાઓ નક્કી કરવામાં ભલભલા ભાષાશાસ્ત્રીઓ પણ મુંઝવાઇ જાય. આપણા દેશમાં અત્યારે પછાત શબ્દના અર્થ અંગે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજકારણમાં ભારે ગુંચવાડા જોવા મળે છે.  પછાત શબ્દ આજકાલ કાન પર બહુ વાગી રહ્યો છે. આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને સામાજિક અને આર્થિક પછાત ગણીને અનામતનો લાભ આપવો જોઇએ એમ સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે. મહિલા અનામત ખરડો રાજયસભામાંથી હેમખેમ પસાર થઇ ગયો પણ, લોકસભામાં અટવાયો છે કારણ કે , તેનાથી પછાત વર્ગને અન્યાય થશે એમ લાલુ પ્રસાદ અને મુલાયમસિંહ અને શરદ યાદવને લાગે છે.  કોઇ રાજકારણી માટે પછાત શબ્દનો મતલબ વૉટબેન્ક થઇ શકે.

પછાત વિસ્તારો નક્કી કરવા બાબતે પણ ગુંચવાડો છે. હમણા હું પંચમહાલ અને દાહોદની મુલાકાતે જઇ આવ્યો. આ બે જિલ્લા ગુજરાતના પછાત જિલ્લા ગણાય છે. મેં ત્યાંના કેટલાક લોકોને પૂછયું કે આ પછાતપણાની વ્યાખ્યા શું  ?  તો જાત જાતના જવાબ મળ્યા.  અહીં શિક્ષણનું પ્રમાણ ઓછું છે પણ, શું તેને પછાતપણાની નિશાની કહી શકાય   ? આજકાલ થ્રી ઇડિયટ ફિલ્મ પછી અત્યારની શિક્ષણપ્રથાને જ પછાત માનવામાં આવી રહી છે તો આ શિક્ષણ જેણે નથી મેળવ્યું તેને પછાત કેમ ગણવા. પછાત શબ્દનો એક અર્થ બિનસુધરેલ એવો છે પણ આંકડાઓ કહે છે કે ગુજરાતમાં જયાં શિક્ષણનું પ્રમાણ બહુ ઉચ્ચ છે એવા મહેસાણા તથા અમદાવાદ જેવા જિલ્લાઓમાં ગર્ભમાં બાળકીઓની હત્યાનું પ્રમાણ બહુ ઉંચું છે જયારે ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં આ પ્રમાણ બહુ ઓછું છે. તો પછી શિક્ષિત હોવું અને સુધરેલ હોવું એ બે શબ્દ વચ્ચે કોઇ મેળ બેસતો નથી.

શું કોઇ ગામમાં હાઇવે જેવો લસલસતો રોડ ના હોય, મૉલ કે થિયેટર કે રેસ્ટોરાં ના હોય, અંગ્રેજી માધ્યમની આલીશાન શાળા ના હોય, કોર્પોરેટ હોસ્પિટલો ના હોય એટલે તેને પછાત કહેવાય ખરું ? પછાતપણાને અને ભૌતિક સુવિધાઓને શું મતલબ ? હમણા હોળી પછી વડોદરાની આદિવાસી પૂર્વપટ્ટીમાં મેળાઓ યોજાયા. તેમાંથી કવાંટના ગેરના મેળામાં જઇને આવેલા એક મિત્રએ આનંદ વ્યકત કર્યો કે , હવે તો આદિવાસીઓએ પ્રગતિ કરી છે , તેઓ પણ પેન્ટ – શર્ટ પહેરતા અને મોબાઇલ વાપરતા થઇ ગયા છે. પણ, સવાલ એ છે કે વિકાસ અને પ્રગતિને અથવા તો પછાતપણાને કપડાં અને આધુનિક સાધનોના વપરાશ સાથે કોઇ સંબંધ ખરો ?

બહુ વર્ષો પહેલાં દુરદર્શન પર સત્યજીત રે ની ફિલ્મ આગંતુક જોઇ હતી. તેમાં ઘાતકીપણાની વ્યાખ્યા વિશે બે પાત્રો વચ્ચે ચર્ચા થાય છે. આદિવાસીઓ વચ્ચે રહીને આવેલા અતિથિને શંકાની નજરે જોયા કરતા યજમાન પુછે છે કે આદિવાસીઓ માણસનું માંસ ખાય છે શું તે ઘાતકીપણુ નથી ? અતિથિ સામો સવાલ પુછે છે કે તેના કરતાં એક બટન દબાવીને એક આખી સભ્યતાનો વિનાશ કરી દેવાની ક્ષમતા તમારા કહેવાતા સભ્ય સમાજે વિકસાવી છે . તે શું ઓછી ઘાતકી છે ?

આપણે ત્યાં સદીઓ સુધી દેશી ખાતરનો વપરાશ કરીને ખેતી થતી હતી. તે પછી રાસાયણિક ખાતરની બોલબાલા થઇ. રાસાયણિક ખાતરનો વપરાશ કેટલો થાય છે તેના પરથી કૃષિ વિકાસની ગણતરી થવા માંડી. દાયકાઓ પછી રાસાયણિક ખાતરના નુકસાનની જાણ થઇ એટલે હવે ફરી દેશી ખાતર અને ઓર્ગેનિક ખેતીની વાતો થઇ રહી છે. મજાની વાત એ છે કે હવે આવી ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતો પ્રગતિશીલ કહેવાય છે. શહેરોમાં ઓર્ગેનિક ફુડ વેંચતી વિશેષ દુકાનો છે અને મૉલ્સમાં તેના માટે અલગ કાઉન્ટર હોય છે.  આવું તો અનેક બાબતમાં બન્યું છે. આપણે વર્ષો સુધી કાપડની થેલી નહીં પણ પોટલું વાપરતા હતા. કાગળના પડીકાંમાં ઘરનો કરિયાણાનો સામાન આવતો હતો તે હજુ બે દાયકા પહેલાંની વાત છે. અચાનક કાગળ અને કાપડની થેલીઓની જગ્યાએ પ્લાસ્ટીકની બેગનું ચલણ વધી ગયું. કાપડની થેલી લઇને નીકળીએ તો જુનવાણી અને પછાતમાં ગણાઇ જઇએ. પણ, હવે ફરી પરિવર્તન આવ્યું છે. હવે મોંઘીદાટ પેપર બેગ લઇને નીકળતા લોકો પ્રગતિશીલ ગણાય છે. લેન્ડમાર્ક જેવા બુક સ્ટોરમાં પ્લાસ્ટીકની થેલી મફત મળે છે પણ પેપર બેગ માટે દામ ચુકવવા પડે છે.

આપણા દેશમાં એક સમય એવો હતો કે જયારે કોઇ માણસ કેટલો સમૃદ્ધ છે તેની ગણતરી તેની પાસે દૂધાળાં ઢોર કેટલાં છે તેના પરથી થતી હતી. જેની પાસે ગાયો સૌથી વધારે એ સૌથી શ્રીમંત. પણ, મોટાભાગની પશુપાલક જાતિઓને સામાજિક પછાત વર્ગમાં મૂકવામાં આવે છે. પણ, છેલ્લા કેટલાક સમયથી ગાય-ભેંસની કિંમતો વધતી જાય છે. આ જોતાં ફરી સમૃદ્ધિની પારાશીશીમાં ગાય-ભંસની પણ ગણતરી કરવી પડે તેવા દિવસો પાછા આવી શકે છે.

વાસ્તવમાં આપણે ત્યાં પરિવર્તન અને પ્રગતિ એ બે શબ્દોની ભેળસેળ થઇ ગઇ છે. દરેક પરિવર્તન પ્રગતિશીલ જ હોય તેવું જરૂરી નથી. વિકાસ અને વૃ્દ્ધિ વચ્ચે પણ આવી ભેળસેળ થયા કરે છે. દરેક વૃદ્ધિને વિકાસ ગણી લેવાની ભૂલ કરવામાં આવે છે. આદિવાસી યુવાનો પેન્ટ- શર્ટ અને ગોગલ્સ પહેરે તે પરિવર્તન છે પણ પ્રગતિ નથી. કોઇ પહેરવેશ પરંપરાગત હોય એટલે પછાત થઇ જતો નથી.  કોઇ શહેર મોટું બને એટલે વિકસિત થયું એવું કહી શકાય નહી.

અમારા વડોદરામાં વારંવાર અનેક મંચ પરથી એવો કકળાટ રજૂ થયા કરે છે કે ગુજરાતમાં વડોદરા એક જમાનામાં અમદાવાદની સમકક્ષ ગણાતું હતું. હવે, તે અમદાવાદ અને સુરત કરતાં કયાંય  પાછળ પડી ગયું છે.  મને લાગે છે કે દરેક શહેરનું લક્ષ્ય મેગાસિટી બનવા તરફ ના પણ હોય તેમાં કાંઇ ખોટું નથી. એક શહેર 30-40 લાખની વસતિથી ફાટફાટ થવા માંડે અને આ અદોદળું શહેર આજુબાજુના ગામડાંને ઓહિયા કરતું જ રહે તેના કરતાં એક શહેરની આસપાસ બીજાં નાના નગરો વિકસે અથવા તો નજીકના ગામડાંઓમાં પાણી, શિક્ષણ, રસ્તાની સુવિધાઓ એવી વિકસે કે લોકો શહેર તરફ દોટ ના મૂકે તેવું આયોજન પણ વિચારી શકાય છે.

લગભગ બે દાયકા પહેલાં અમારી એચ.કે.આર્ટસ કૉલેજનો એન.એસ.એસ.નો કેમ્પ અમદાવાદ નજીક પસુંજ ગામે યોજાયો  હતો. તેમાં ટુકડીઓ પાડી ગામની સફાઇ કરવાની હતી. અમારી ટુકડીને ભાગે ગામનો હરિજન વાસ આવ્યો એટલે કેમ્પના સિનિયર અને અનુભવી વિદ્યાર્થીઓએ અમારી ઇર્ષા કરી કે, વાહ, તમારે તો આરામ થઇ ગયો. એ વખતે એમની વાત ના સમજાઇ પણ,  અમે હરિજન વાસમાં પહોંચ્યા તો નવાઇ પામી ગયા. કોઇ શહેરની અલ્ટ્રા મોર્ડન સોસાયટીમાં જોવા મળે તેવી ચોખ્ખાઇ અને સુઘડતા હરિજનવાસમાં હતી. અમે તો દસેદસ દિવસ હરિજનવાસમાં જ ચીનુભાઇ નામના પ્રેમાળ ભાઇના ઘરે રોટલા, કઢીની જયાફતો ઉડાવી હતી. આજુબાજુના વાસમાં હોય તે ટુકડીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ અમારા વાસમાં આવીને જ બેસતા હતા. એ વખતે જ સવાલ થયો હતો કે હરિજન એટલે પછાત એવી વ્યાખ્યા ખોટી છે.

આપણે કદાચ હંમેશા આવી ખોટી વ્યાખ્યાઓ કરતા રહ્યા છીએ. કોઇ શહેરની વાત હોય કે કોઇ કોમની કે પછી કોઇ સામાજિક રીતરસમ અને પહેરવેશની. પછાતપણાના આપણા માપદંડની સમીક્ષા કરવાની જરૂર છે. માપદંડ ખોટો હશે તો તેના આધારે થયેલું આયોજન પણ ખોટું જ પડવાનું છે.

સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાની ગુસ્તાખી ના કરશો…..

સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાનો શબ્દ પ્રયોગ જ આમ તો ખોટો છે. સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાની ઝુંબેશ હાથ ધરવી તેનો મતલબ એ કે અત્યારે સ્ત્રીનું સ્થાન પુરૂષ કરતાં કંઇક ઉતરતી કક્ષાનું છે એમ માની લેવાનું. જાણે પુરૂષ કાંઇક ઉંચા સ્થાને છે અને સ્ત્રી એ ઉચ્ચતર સ્થાને પહોંચી જાય એટલે ભયો ભયો..એવો ભાવ આ પુરૂષ સમોવડી શબ્દ પ્રયોગમાં છે.

જોકે, સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણાવવાની ગુસ્તાખી નહીં કરવાનું મારે જરા જુદા અર્થમાં કહેવું છે. તાજેતરમાં એમ.એસ.યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ યોજાયો તેમાં કેટલાક રસપ્રદ આંકડા મળ્યા. આ પદવીદાનમાં કુલ 223 ગોલ્ડ મેડલ જાહેર થયા તેમાંથી 172 ગોલ્ડ મેડલ વિદ્યાર્થિનીઓએ મેળવ્યા હતા. છોકરાઓને ભાગે માત્ર 51 મેડલ આવ્યા હતા. માત્ર આર્ટ્સ કે કોમર્સ નહીં  પણ એન્જીનીયરીંગ, મેડીકલ અને બાયોટેકનોલોજી, ન્યુકિલિયર સાયન્સ જેવી મોટાભાગની  વિદ્યાશાખાઓમાં પણ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.  એમ.એસ.યુનિવર્સિટીમાં ગોલ્ડમેડાલીસ્ટની યાદીમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ વધારે હોય એ ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ થયો છે અને ઉત્તરોત્તર વિદ્યાર્થિનીઓનીસંખ્યા વધતી જાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે.

માત્ર યુનિવર્સિટીમાં જ નહીં પણ, ધો. 10 અને 12ની જુદાં જુદાં શહેરોની ટોપટેનની યાદીમાં તથા જુદી જુદી શાળાઓના ટોપર્સની યાદીમાં પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધતી જાય છે.  વડોદરામાં તો એક વખત એવું બન્યું હતું કે વડોદરાના ટોપટેનની યાદીમાં તમામ છોકરીઓ જ હતી અને એક પણ છોકરો હતો જ નહીં.  છોકરીઓ ભણવામાં વધુ તેજસ્વી અને ગંભીર હોય છે એવી ચર્ચા તો લગભગ ઘરેઘરમાં સાંભળવા જ મળે છે.

આ ટ્રેન્ડ વિશે કેટલીક મહિલા સંસ્થાઓના કાર્યકરો સાથે અને કેટલાક સમાજશાસ્ત્રીઓ સાથે વાત કરી. બંનેનો પ્રતિભાવ એક જ હતો કે માત્ર શૈક્ષણિક કારકિર્દીમાં વિદ્યાર્થિનીઓ ટોચનું સ્થાન મેળવે એ પૂરતું નથી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ તેઓ કેટલા અંશે કારકિર્દી આગળ વધારી શકે છે તે મહત્વનું છે.  ભારતમાં હજુ પણ મોટાભાગે એવું જોવા મળે છે કે ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીની જ છે એવું મનાય છે. એટલે , પુરૂષને લગ્ન પછી પણ કારકિર્દી પર ધ્યાન આપવાનો વધારે સમય અને અનુકૂળતા સાંપડે છે. તેની સરખામણીએ સ્ત્રીએ કારકિર્દી અને ઘર એ બે મોરચા સાથે સાથે સંભાળવાની હોય છે. આથી, ઘણી મહિલાઓ કારકિર્દીને બાજુ પર મુકીને ઘર સંભાળીને બેસી રહે છે. કેટલીય મહિલાઓ નોકરી કરે છે પણ , તે માત્ર શોખ કે ટાઇમ પાસ માટે જ. બહુ ઓછી મહિલાઓ પોતે જે ક્ષેત્રમાં અભ્યાસ કર્યો હોય તેને  જ કારકિર્દીનું પણ ક્ષેત્ર બનાવીને તેમાં સક્રિય રહીને આગળ વધે છે.  સ્ત્રી ઘર સાચવવાની સાથે ઘરમાં આવક વધારવા કમાતી પણ થઇ છે. બીજી તરફ, પુરૂષ હજુ પણ માત્ર ઘર માટે કમાઇને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ માની લે છે. ઘર સંભાળવામાં તે સ્ત્રી સાથે જવાબદારી વહેંચી લેતો નથી. ઘરસંભાળ અને બાળ ઉછેર આ બે બાબતોમાં જયારે પુરૂષ પણ સ્ત્રી જેટલી જ જવાબદારી સ્વીકારવા માંડશે ત્યારે જ શિક્ષણમાં સ્ત્રીઓની આટલી આગેકૂચનાં ખરાં પરિણામો જોવા મળશે એમ, આ સમાજશાસ્ત્રીઓ અને નારી ચળવળમાં સક્રિય કાર્યકરોનું કહેવું હતું.

એમની વાતમાં કયાંક તથ્ય તો છે જ. મારી સાથે સ્કુલમાં અને કોલેજમાં ભણતી એવી ઘણી વિદ્યાર્થિનીઓ હતી જે અભ્યાસમાં તેજસ્વી હતી. સહ અભ્યાસ  પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહેતી હતી. પણ, એ બધી સંસારસાગરમાં કયાકને કયાંક ખોવાઇ ગઇ છે. મારી સાથે કોલેજમાં ભણતી એક વિદ્યાર્થિનીમાં નેતાગીરીના અને ખાસ તો એક સારા મેનેજરની તમામ લાયકાતો  હતી. અમારી રાષ્ટ્રીય સેવા યોજનાના કેમ્પોમાં ભલભલા માથાભારે વિદ્યાર્થીઓ પણ તેની તાબેદારી સ્વીકારતા એટલું જ નહીં પરંતુ, અધ્યાપકો પણ તેની વારંવાર સલાહ લેતા હતા. પણ, અત્યારે એ તેના સંસારમાં ઠરીઠામ થઇ ચુકી છે.  એવી કેટલીય પરિચિત મહિલાઓ છે જે સીએ, એમએસસી એમએડ કે એમબીએ કર્યા પછી પણ પોતાના ઘરસંસારમાં જ પ્રવૃત હોય. આ પરિસ્થિતમાં કયાંક પરિવર્તનની જરૂર છે જ. એક છોકરી પોતાના અભ્યાસકાળના 12-15 વર્ષ જાત નિચોવીને અભ્યાસ કરે, ધગશપૂર્વક અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લે અને પછી છેલ્લે ઘર અને પરિવાર સંભાળના એ જ કામમાં આખી જિંદગી વિતાવી દે જેમાં તેના ઉચ્ચ અભ્યાસનો કોઇ ઉપયોગ , કોઇ કદર ના હોય. હવે ઘર-પરિવારની જવાબદારી સરખાભાગે વહેંચી લેતા હોય તેવાં યુગલો પણ જોવા મળી રહ્યાં છે પણ, તેમની સંખ્યા બહુ ઓછી છે.

ટયુશન કલાસને હવે શાળાનો દરજજો….વાહ….!

વડોદરામાં ધો. 10-12 સાયન્સના એક ખાનગી ટયુશન કલાસીસના સંચાલકોએ તેમના કલાસને શાળામાં ફેરવી નાખ્યો છે. નવાઇની વાત એ છે કે આ શાળાને મંજૂરી નહીં આપવાની ભલામણ વડોદરાના ડીઇઓએ કરી હતી. ડીઇઓએ  તેમની ભલામણના ટેકામાં શાળા  પાસે પોતાનું મેદાન નહીં હોવા સહિતની અનેક પ્રાથમિક , પાયાની સગવડોના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું. પણ, વડોદરા બેઠેલા અધિકારીને જે ના દેખાયું તે ગાંધીનગર બેઠેલા સાહેબોને સમજાયું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આ શાળાને  મંજૂરી મળી ગઇ છે.

આ શાળા ચાલશે તો ટયુશન કલાસની રીતે  જ એ સમજી શકાય તેવું છે.  અત્યારે બિચારા વાલીઓને બાળકોને શાળાએ મોકલવાનો અને પાછો ટયુશન મોકલવાનો એમ બેવડો ખર્ચ કરવો પડે છે. શાળા અને કલાસીસ માટેના ચોપડા, નોટબુક, જર્નલ જુદી લેવી પડે છે. શાળા અને કલાસીસ માટે જુદું પેટ્રોલ બાળવું પડે છે. પણ, હવે તો મજા જ મજા. વિદ્યાર્થીઓને રોજ સવારે ચાર-પાંચ કલાક શાળામાં અમથા અમથા બગાડવા અને પછી ટયુશન કલાસમાં જઇને ભણવાની ડબલ મજૂરી કરવી પડતી હતી તેમાંથી હવે છૂટકારો મળશે. હવે તો બસ સીધા ટયુશન કલાસ ( સોરી…શાળા)માં જઇને ભણવાનું.  ધો. 10-12 સાયન્સના બધા વિદ્યાર્થીઓ જાણે છે કે દિવાળી વેકેશન પછી તેમને શાળામાં હાજરી પુરવા જવાનું પણ કેટલું આકરું લાગે છે. હવે એ બધી પળોજણમાંથી મુક્તિ મળી ગઇ. હવે શાળામાં કોઇ આડી અવળી પ્રવૃતિઓની લપ્પન છપ્પન જ નહીં હોય. પ્રાર્થના, પી.ટી.ની કવાયત, સ્પોર્ટસ ડેનો સકંજો, સાંસ્કૃતિ કાર્યક્રમોની ફાલતુગીરી, આ બધુ જ બંધ. ગુજરાતી ને સંસ્કૃત જેવા બેકાર વિષયોનો રોજ એક પિરિયડ ભરવાની માથાકુટ જ નહીં હોય. પરીક્ષા નજીક આવશે ત્યારે સાહેબ કેટલુંક વ્યાકરણનું ને ટૂંકનોંધોનું આઇએમપી ગોખાવી દેશે…બસ. શાળામાં જઇને સીધું મેથ્સ, કેમીસ્ટ્રી, બાયોલોજી બધું ગોખવા માંડવાનું, લખતા રહેવાનું અને પેપર સોલ્વ કરતા રહેવાના બાકી કશું નહીં.

સરકારે છેલ્લાં કેટલાંય વર્ષોથી નવી ગ્રાન્ટ મેળવતી શાળાઓને મંજૂરી આપવાનું એમ કહીને બંધ કરી દીધું છે કે તેમની પાસે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે ફંડ નથી. આથી, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનો નવો   Continue reading

પરિણામોની મોસમ, વિચારવાની પરીક્ષાની મોસમ

બોર્ડના પરિણામોની મોસમ નજીક આવી રહી છે. ફરી અમે પત્રકારો બોર્ડના ટોપટેનમાં ઝળકેલા અને સેન્ટરના ટોપટેનમાં સ્થાન પામેલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓના ઇન્ટરવ્યુ લેવા માટે દોડશું. તેમને જાત જાતના પ્રશ્નો પુછશું. તમે કેટલા કલાક વાંચતા હતા, ઘરના સભ્યોનો સપોર્ટ કેવો હતો, શું ઉચ્ચ ટકાવારી માટે ટયુશન જરૂરી છે ? વગેરે..વગેરે…. મજાની વાત એ છે કે આમાના મોટાભાગના પ્રશ્નોના જવાબ અમને ખબર હશે. ધો. 12 સાયન્સના ટોપરને પૂછશું કે તે શું બનવા માગે છે એટલે બી ગૃપ વાળાનો જવાબ ડોકટર જ હશે. કોઇ એમ નહીં કહે કે મારે વિજ્ઞાની બનવું છે અને બહુ સંશોધનો કરવાં છે. એ ગૃપવાળાને પુછશું એટલે કહેશે કે તેને કોમ્પ્યુટર એન્જીનીયર બનવું છે અથવા તો ઇલેકટ્રોનિક્સ કોમ્યુનિકેશનમાં જવું છે. ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓ પાસેથી એમબીએ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ એ બે સિવાય કોઇ પ્રશ્નોના જવાબ મળવાના નથી એ નક્કી છે.

લગભગ છેલ્લાં 10 વર્ષથી હું આ પ્રશ્નો -જવાબનો સાક્ષી અને સહભાગી બનતો રહ્યો છું. દર વખતે મને એવો સવાલ થાય છે કે આ તેજસ્વી વિદ્યાર્થીઓને આ બે-ચાર પ્રોફેશન સિવાય બીજું કશુંકેમ સુઝતું જ નથી ? કોઇને ચીલો ચાતરવો નથી. અને બીજું, એવાં કેટલાંય ક્ષેત્ર છે જયાં જવા આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર નથી. 

હજુ સુધી કોઇ બોર્ડ ટોપર્સ એમ કહેનાર નથી મળ્યો કે તે એક શિક્ષક બનવા ઇચ્છે છે. આઇએએસ થઇને દેશના સંચાલનમાં સક્રિય બનવાની મહેચ્છા હજુ સુધી કોઇએ વ્યકત કરી નથી.  નેશનલ ડિફેન્સ એકેડમીમાં જઇને લશ્કરી અધિકારી બનવું છે. 

ધો.11થી સાયન્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓ હોંશિયાર ગણાય છે. કોમર્સ પસંદ કરનારા મિડિયમ ગણાય છે અને જયારે કોઇ આર્ટ્સ પસંદ કરે ત્યારે તે ઠોઠ હશે એવું આપોઆપ માની લેવાય છે. મને ખબર છે કે મેં જયારે આર્ટસમાં ભણવાનો નિર્ણય જાહેર કર્યો હતો ત્યારે મારા પર ટીકાઓની ઝડી વરસી હતી. મારા ધો. 10 સાયન્સના ભાઇબંધો મને કહેતા હતા કે તું ડરી ગયો છો. એક વડીલને મેં એવી વાત કરી કે મેં આર્ટ્સમાં ભણવાનું નક્કી કર્યું છે ત્યારે તેમને એવો આઘાત લાગ્યો હતો કે જાણે મેં કોઇ ગુન્હો કબુલ કર્યો હોય. આ તો 20 વર્ષ પહેલાંની વાત છે અને પરિસ્થિતિ અત્યારે તો વધારે ખરાબ છે. શાળાઓના આચાર્યો કબુલે છે કે ભણવામાં સૌથી પાછળ રહેલા છોકરાઓ નાછુટકે આર્ટ્સ પસંદ કરે છે અથવા તો એવા વિદ્યાર્થીઓ આર્ટ્સમાં જાય છે જેમને સાયન્સ કે એકાઉન્ટસનાં મોંઘાદાટ ટયુશન ના પોસાતાં હોય. 

આર્ટસમાં પણ પાછું જેઓ અંગ્રેજી કે સાયકોલોજી મુખ્ય વિષય તરીકે પસંદ કરે તેમની બોલબાલા હોય છે પણ ગુજરાતી પસંદ કરનારાની હાલત કફોડી હોય છે. બીએ ગુજરાતી થયા પછી વિદ્યાર્થી કાં તો એમએમાં ઉચ્ચ ટકાવારી મેળવીને કોલેજમાં અધ્યાપકની અથવા તો બીએડ કરીને શાળામાં શિક્ષકની નોકરી શોધે છે.  બીએ ગુજરાતી કરનારા મોટાભાગના વિદ્યાર્થી એવરેજ સ્તરના હોય છે. ધો. 12માં 80 ટકા આવ્યા પછી બીએમાં ગુજરાતી મુખ્ય વિષય પસંદ કરનારા વિદ્યાર્થી બહુ જોવામાં આવતા નથી. 

આખી શિક્ષણ પદ્ધતિમાં કયાંક ખોટી અગ્રતાઓ નક્કી થઇ ગઇ છે. દેશમાં તબીબો અને એન્જીનીયરો અને મેનેજમેન્ટ નિષ્ણાતોની સંખ્યા વધે તેમાં કાંઇ ખોટું નથી પણ સાથે સાથે દેશમાં ઉમદા ભાષા શિક્ષકોની પણ જરૂર છે કે નહીં ? કોઇ વ્યકિત પોતાના વિષયમાં ગમે તેવી પારંગત હોય પણ પોતાના જ્ઞાનની અસરકારક અભિવ્યકિત માટે તેને છેવટે તો  ભાષાની જરૂર પડવાની જ છે. મોટાભાગના લોકો ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં પણ સારી અને સાચી રીતે લખી કે બોલી શકતા નથી તેનું કારણ ભાષા શિક્ષણનો તેમનો પાયો જ કાચો રહી ગયો હોય છે. મોટાભાગે શાળાઓમાં ગુજરાતી કે હિન્દી વિષયના જે અધ્યાપકો આવે છે તે પસંદગીથી નહીં પણ વખાના માર્યા બીજો કોઇ વિકલ્પ નહીં હોવાથી શિક્ષક બન્યા હોય છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં છેલ્લા કેટલાંક વર્ષોથી એવું જોવા મળે છે કે એફવાયબીએસસીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય એટલે એકવાર તો 90 ટકા વાળા પણ ફોર્મ ભરી દે. પછી જેમ જેમ મેડિકલ અને એન્જિનિયરીંગના અભ્યાસક્રમોમાં પ્રવેશ અપાવા માંડે તેમ તેમ બીએસસીના વિદ્યાર્થીઓ ખરવા માંડે. હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના યુગમાં 40 ટકાવાળાને પણ મેડિકલ કે એન્જિનિયરીંગમાં પૈસા ખર્ચતાં એડમિશન મળી રહે છે તેના કારણે એવું થાય છે કે સાયન્સ કોલેજોમાં ઘણી બેઠકો ખાલી જ પડી રહે છે. અમદાવાદ કે વડોદરા જેવાં મહાનગરો ઉપરાંત તાલુકા કક્ષાની સાયન્સ કોલેજોમાં પણ આ જ હાલત છે. આ કોલેજોના અધ્યાપકો એવો સવાલ કરે છે કે જો આ રીતે બીએસસી કરનારાની સંખ્યા ઘટતી ગઇ તો ભવિષ્યમાં ધો. 8,9,10માં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો કયાંથી આવશે ? શાળાઓમાં બેઝિક વિજ્ઞાન ભણાવનારું કોઇ નહીં હોય તો બોર્ડના ટોપર્સ કયાંથી લાવશો  ?  ધો. 12 સાયન્સ પાસ થનારા મોટાભાગના વિદ્યાર્થીઓ ડોકટર કે એન્જિનીયર બનવા દોટ કાઢે છે પણ આખરે તો તબીબી વિજ્ઞાન કે ઇજનેરીની જુદી જુદી શાખાઓ એ બધું એપ્લાઇડ સાયન્સ છે. તેમાં વિજ્ઞાનનો આધાર લેવામાં આવે છે.  વિજ્ઞાનનાં મુળભૂત શિક્ષણ તરફ કોઇ ધ્યાન દેતું નથી. આપણી સરકાર સેલ્ફ ફાઇનાન્સ તબીબી અને ઇજનેરી કોલેજો ખોલવા પ્રોત્સાહન આપે છે પણ કોઇ વિજ્ઞાનીઓ તૈયાર કરે તેવી સંસ્થાને કેમ પ્રોત્સાહન આપતી નથી.  દેશ-વિદેશની સંસ્થાઓ યુનિવર્સિટીઓને રિસર્ચ માટે કરોડોની ગ્રાન્ટ આપે છે પણ કોઇ રિસર્ચ કરનારું નથી. 

શિક્ષણના વર્તમાન ઢાંચા એ એક ગાડરીયો પ્રવાહ ઉભો કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓના સંચાલકો અને અધ્યાપકો તથા ખુદ સરકારી તંત્ર પણ આ ગાડરીયા પ્રવાહમાં તણાયે જાય છે.  બોર્ડના પરિણામો આવશે.  અમે જ હેડિંગો બનાવશું,” તેજસ્વી વિદ્યાર્થીઓમાં મેડિકલ લાઇન  હોટ ફેવરિટ”  કે પછી” સીએ અને એમબીએ તેજસ્વી તારલાઓની પહેલી પસંદ” આ વિદ્યાર્થીઓના ફોટા છપાશે, તેમના પરિવાર, શાળા અને શિક્ષકોના જયજયકાર છપાશે , મિઠાઇ ખવડાવતા ફોટા છપાશે, 95 ટકા લાવવા કેવી મહેનત કરી હતી તેનાં વર્ણનો અને હવે બોર્ડની પરીક્ષા આપી રહેલા માટે ટિપ્સ છપાશે અને થોડા દિવસો પછી બધું ભુલાઇ જશે . એ જ રેસ પાછી ચાલુ થઇ જશે.