Category Archives: bhavnagar

ભાવનગરની કઠણાઇ

ભાવનગર થી વડોદરા વચ્ચેનું બાય રોડ સ્હેજે ચાર કલાકમાં કાપી શકાય છે. કોઇ ધડબડાટીવાળો ડ્રાઇવર હોય તો સાડા ત્રણ કલાકમાં પણ પહોંચાડી દે. પરંતુ, તાજેતરમાં વડોદરાથી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસ નવ કલાકે પહોંચી. સવારે સાત વાગ્યે વડોદરાથી નીકળેલા પ્રવાસીઓ બપોરે ૧૧ વાગ્યે એટલે કે બપોરનાં ભોજન પહેલાં પોતાના સ્થાને પહોંચી જવાના હતા તેને બદલે ૪૨-૪૩ ડિગ્રી તાપમાનમાં બધા રઝળ્યા અને છેક સાંજે ચાર વાગ્યે ભાવનગર પહોંચ્યા. કહેવાની જરૂર નથી કે તેમાં સ્ત્રીઓ, બાળકો તથા વડીલો પણ સામેલ હતા.

bus02

symbolic image only

આમ થવાનું કારણ એટલું જ કે ભરરસ્તે બસનું એસી બગડ્યું હતું. હવેના એસી કોચમાં એવી બારીઓ હોતી નથી કે તે ખોલી શકાય. એસી બગડે એવા સંજોગોમાં બસ બદલવી જ પડે. બીજો કોઇ વિકલ્પ નહીં. પરંતુ, કેટલાક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર મૂકેલી વિગતો પ્રમાણે પહેલા બે કલાક તો ડ્રાઇવર બસમાં કોઇ ખરાબી હોવા બાબતે કે તે બદલવાની જરૂર હોવા બાબતે સાવ નામક્કર જ ગયો. ઉલ્ટાનું ડ્રાઇવર અને ક્લિનરે સ્ટાફ સાથે બહુ ઉદ્ધત વર્તાવ કર્યો. પ્રવાસીઓએ વડોદરા તથા ભાવનગરની રાજધાનીની ઓફિસે ફોન કર્યા તો ત્યાં પણ બહુ ઉદ્ધત જવાબો મળ્યા. વારંવાર રજૂઆતો તથા આક્રોશ વ્યક્ત કર્યા બાદ રાજધાનીએ મોડે મોડે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી અને તે પણ સાવ પરાણે પરાણે.

આ બનાવને પગલે ભાવનગર જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓના અભાવનો મુદ્દો ફરી લોકચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાવનગરને ટ્રેન, બસ કે પ્લેન સહિતનાં ટ્રાન્સપોર્ટેશન બાબતે વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી અન્યાય થાય છે. ભાવનગરના લોકોએ મુંબઇ કે દેશના અન્ય ભાગોમાં જવા ટ્રેન પકડવી હોય તો ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા સિવાય છૂટકો જ નહીં. રેલવે તંત્રને શું બુદ્ધિ સૂઝી છે કે ભાવનગરથી અમદાવાદ વચ્ચેની ટ્રેન વાયા સુરેન્દ્રનગર થઇને આવે છે. તેમાં પણ ટ્રેનના ટાઇમિંગ એવા છે કે વડોદરા અથવા સુરતના પ્રવાસીએ બહુ અડધી રાતે અગવડો વેઠવી પડે. આથી, ભાવનગરના લોકો નાછૂટકે પહેલાં ભાવનગરથી વડોદરા સુધી પ્રાઇવેટ બસમાં જંગી સામાન સાથે સપરિવાર યાત્રા ખેડે  છે અને પછી વડોદરા પ્લેટફોર્મ પર સમયનો બગાડ કરી ટ્રેન પકડે છે. વળતાં પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. વડોદરાથી ભાવનગર જવા માટે વાયા તારાપુર-આણંદ થઇને ટ્રેન દોડાવવાની વાતો ભૂતકાળમાં અનેક વખત ગાજી છે. પરંતુ, રેલવે તંત્ર કહે છે કે તેઓ એવા જ રૂટ પર ટ્રેન દોડાવે જે તેમના માટે કોમર્શિયલી વાયેબલ હોય. તારાપુર-આણંદ ટ્રેક પર એટલો પેસેન્જર ટ્રાફિક ના મળે અને ગુડ્ઝ ટ્રાફિકની તો ખાસ આશા જ નથી. એટલે આ રૂટની વાત દર વખતે ઊડી જાય છે. પરંતુ, એમ જોવા જઇએ તો આખી ભારતીય રેલવે જ ક્યાં કોમર્શિયલી વાયેબલ છે ? તો તો ભારતભરની ટ્રેન સેવા બંધ જ કરી દો ને….

એસ ટી તંત્ર વડોદરા અને અમદાવાદ વચ્ચે સારી વોલ્વો બસો દોડાવે છે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે પણ વોલ્વો બસો છો. બીજી બસોની લંગાર તો ખરી જ. પરંતુ, ભાવનગર અને અમદાવાદ તથા ભાવનગર અને અમદાવાદ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ દર બે-ચાર કલાકે બસો દોડાવી શકે એટલા પ્રવાસી મળે છે પરંતુ એસટી આ ડિમાન્ડનો લાભ લેતી નથી. ભાવનગરના લોકો અંદરોઅંદર ચર્ચા કરે છે તેમ કદાચ ભાવનગરનું એસટી તંત્ર કે પછી ગુજરાત સ્તરનું એસટીનું તંત્ર પોતે જ ભાવનગરથી અમદાવાદ અને વડોદરા વચ્ચે ખાનગી બસ સંચાલકોને ઘી કેળાં થયાં કરે તેની વેતરણમાં રહે છે.

હવે વધારેને વધારે લોકો પ્રાઇવેટ કાર લઇને નીકળતા થયા છે. પરંતુ, માત્ર બસને બદલે કારમાં આવવાથી કઠણાઇનો અંત આવતો નથી. ભાવનગર અને અમદાવાદ વડોદરા વચ્ચેનો પીપળી સુધીનો હાઇવે કોમન છે. આ હાઇવેની બિસ્માર હાલત અંગે વારંવાર લખાઇ ચૂક્યું છે. થોડા થોડા સમયે આ હાઇવે પર અકસ્માતના બનાવોના સમાચાર છાપામાં ચમક્યા કરે છે. એ સિવાય પણ હાઇવેની હાલત એવી છે કે ઘરે જઇને શેક કરવો જ પડે. આ હાઇવે આમ વર્ષોથી બિસ્માર હાલતમાં રાખવાનું કે પહોળો નહીં કરવા પાછળનું લોજીક તો ગુજરાત મોડલ ગજવતી સરકાર જ જાણે. ભાવનગર અને તેની આસપાસના ધારાસભ્યો તથા સરકારી અધિકારીઓ જેમણે વારંવાર ગાંધીનગરના આંટાફેરા કરવાના હોય. બિસ્માર અને એક્સિડેન્ટ પ્રોન હાઇવેનું જોખમ તેમનાથી વધારે કોઇનેય ખબર નથી. પરંતુ, ગુજરાતમાં ગતિશીલ સરકાર છે અને હાઇવેનું વિસ્તૃતીકરણ કે સમારકામ પણ ગતિશીલ સરકાર તેની ગતિએ કરશે જ એવી તેમને શ્રદ્ધા છે.

સુરતમાં ભાવનગર શહેર અને જિલ્લાના મૂળ વતનીઓ હજારોની સંખ્યામાં વસે છે. દિવાળી વેકેશન જેવા સમયે તેમને પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા અનેક ગણા ભાવ પડાવીને જે રીતે રીતસરના લૂંટવામાં આવે છે તેની તો પાછી અલગ ગાથા છે……

આ બધા મુદ્દા કાંઇ સાવ નવા નથી. પરંતુ, પ્રજાની હાલાકીને નેતાઓ ધ્યાન પર લેતા નથી. તેનું કારણ એ છે કે પ્રજા કોઇ ચોક્કસ પક્ષ કે નેતા માટે સલામત વોટબેન્ક બની ગઇ છે. લોકશાહીમાં કોઇ વિસ્તાર, કોઇ શહેર, કોઇ કોમ, કોઇ સમુદાય , કોઇ ચોક્કસ પક્ષ કે વ્યક્તિ વિશેષ માટે સલામત વોટબેન્ક બની જાય એ બહુ જોખમી બાબત છે. કારણ કે તેમાં પ્રજામતની અવગણના થાય છે, પ્રાયોરિટીઝની બાબતો હડસેલાઇ જાય છે અને પ્રજાના જેન્યુઇન પ્રશ્નો પણ કોઇ સાંભળતું કે ઉકેલતું નથી કારણ કે ચૂંટણીમાં કોઇ વાંધો આવવાનો નથી.

 

Advertisements