Category Archives: Uncategorized

ઘરમાં પડેલા ભંગારને નોન પરફોર્મિંગ એસેટ કહેવાય કે નહીં ?

અતિશય ગૂંચવાયેલા ચહેરે તકુભાઇ બેન્કમાં દાખલ થયા.
બેન્કનો ઓલરેડી ‘કન્ફ્યૂઝ્ડ’ સ્ટાફ તકુભાઇનો ગૂંચવાયેલો ચહેરો જોઇ વધારે ‘કન્ફ્યૂઝડ’ થઇ ગયો. એક કર્મચારીએ પૂછી નાખ્યું. ‘‘ડિપોઝિટનું પૂછવા આવ્યા છો ? ’’
બીજો કહે, ‘‘ના..ના આ તો ખાતામાંથી કોઇ અણધાર્યા પૈસા ‘ડેબિટ’ થઇ ગયા લાગે છે. ’’
ત્રીજો કહે, ‘‘મને લાગે છે કે આ પાર્ટીએ સહીઓ કરેલી ચેકબૂક ખોઇ નાખી છે. ’’
ચોથો કાંઇ બોલવા જાય એ પહેલાં તકુભાઇ ખુદ પ્રશ્નવાચક ભાવથી બોલી પડ્યા. ‘‘એનપીએ એટલે શું ? ’’
બેન્કમાં કોઇએ બોમ્બ ફોડ્યો હોય એવો હાહાકાર મચી ગયો. બે કર્મચારી ટેબલ નીચે છૂપાઇ ગયા. એક  મેડમ સોફા નીચે લપાયાં. કેશિયર બધી કેશ એમને એમ નધણિયાતી મૂકી બેન્ક મેનેજરને ખબર કરવા એમની કેબિન તરફ દોડ્યો. પણ ‘એનપીએ’ શબ્દોચ્ચારનો વિસ્ફોટ જ એટલો પ્રચંડ હતો કે મેનેજર પોતે કેબિનમાંથી બહારની તરફ દોડી આવ્યા. એમાંને એમાં એ અને કેશિયર સામસામે ભટકાયા. હવે ખરો ધડાકો થયો.
તકુભાઇ વધારે ‘કન્ફ્યૂઝડ’ થઇ ગયા. તેઓ એકાદ ટેબલ તરફ નીચે નમ્યા અને ત્યાં લપાઇને બેઠાં બેઠાં થરથર ધ્રૂજતા કર્મચારીને પૂછ્યું. ‘‘એનપીએ એટલે શું ? એ સવાલનો જવાબ ત્યાં નીચે પડ્યો છે ? ’’
ફરી ‘એનપીએ’ શબ્દ કાને પડતાં કર્મચારી ટેબલ નીચે જ ઊંચાનીચા થઇ ગયા તેમાં એમની ટાલ ટેબલ સાથે અથડાઇ. તેમનાથી ‘ઓહ…’ એવો ચિત્કાર નીકળી ગયો.
મેનેજરે ઊભા થતાં થતાં જ ચીસો પાડી. ‘‘મારી નાખો….બધા અમને મારી નાખો. એનપીએના બોજ હેઠળ કચડી નાખો. અમારો બેન્ક કર્મચારીઓનો જ બધો વાંક છે. ’’
‘‘એટલે એનપીએ કોઇક વજનદાર વસ્તુ છે એ નક્કી. જેના બોજ હેઠળ બધા કચડાઇ જાય છે. ’’ તકુભાઇના ચહેરા પર હવે પોતાના સવાલનો જવાબ મળી રહ્યાના ભાવ હતા.
કેશિયર એકદમ તકુભાઇની સામે ધસી ગયા. ‘‘ભઇ, તમને જોઇએ છે શું એ કહો ? કેશ ઉપાડવા આવ્યા છો કે મૂકવા ? પાસબૂક ભરાવવાની છે ? જોજો, લોનની ઇન્કવાયરી છે એવું કહેતા નહીં. ’’
તકુભાઇએ એકદમ નિર્દોષતાથી કહ્યું, ‘‘મારે લોનની નહીં, એનપીએની ઇન્કવાયરી છે. ’’
સોફા પાછળથી પ્રગટ થયેલાં મેડમ કહે, ‘‘જુઓ મિસ્ટર, જેમ આજના ફાફડા એ આવતીકાલની ચટણી છે તેમ આજની લોન પણ આવતીકાલની એનપીએ છે. ’’
‘‘એમ ? ’’તકુભાઇના મોઢામાં પાણી આવ્યું. ‘‘એનપીએ એટલી સ્વાદિષ્ટ ચીજ છે ? ’’
હવે મેનેજર ગુસ્સે થયા. ‘‘ભઇ, તમારો એકાઉન્ટ નંબર બોલો. આ ઘડીએ જ હું તમારું ખાતું બંધ કરી દઉં છું. અમારે હવે એનપીએ મુદ્દે કોઇ વધારે ટેન્શન નથી લેવાં ? ’’
‘‘પણ, ખાતું હોય તો બંધ કરશોને ? હું મારી પાસે એટલે પૈસા રાખતો જ નથી કે બેન્કમાં ખાતું રાખવું પડે. ’’ તકુભાઇએ જરા હળવાશથી કહ્યું.
ફરી થોડીવાર સન્નાટો છવાયો. પછી કર્મચારીઓએ અંદરોઅંદર સંતલસ કરી.
‘આ માણસ તો બેન્કનો ખાતેદાર જ નથી. ’, ‘એટલે જ તો તેણે બેન્કની બ્રાન્ચમાં આમ બેધડક ઘૂસી આવવાની અને ઇન્ક્વાયરી કરવાની હિંમત કરી, બાકી ભોગ લાગ્યા છે કોઇ ગ્રાહકના કે આમ ઘૂસીને સવાલો કરે. ’ ‘મને તો લાગે છે કે કોઇ લોન ડિફોલ્ટર જ છે. એટલે જ પૈસા રાખતો નથી એવું બોલે છે. ’
આવી બધી સંતલસો પછી છેવટે એવું સર્વાનુમતે નક્કી થયું કે ‘જો આ માણસ બેન્કનો ખાતેદાર ના હોય તો તેની સાથે સારી રીતે વર્તવામાં કોઇ વાંધો નથી. આપણા સારા વર્તાવથી પ્રેરાઇને એ વારંવાર બેન્કમાં ધસી આવશે એવું કોઇ જોખમ નથી. અને હા, જો ભવિષ્યમાં ખાતેદાર બની ગયો તો એને પરચો આપતાં કેટલીવાર ? આવા માણસને તો એનપીએની નવી વ્યાખ્યા સાથે બહાર મોકલ્યો હોય તો બેન્કો માટેની લોકોની છાપ પણ એટલી સુધરે. ’
મેનેજરે એકદમ વિવેક અને ઉષ્મા સાથે જઇને તકુભાઇને પૂછ્યું. ‘‘બોલો, નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ વિશે તમને હું શું માહિતી આપી શકું ? ’’
‘‘ઓહો, એનપીએ એટલે કોઇ જાતની એસેટ છે એમ ? ’’ તકુભાઇનો ચહેરો પહેલીવાર હાસ્ય સાથે કૌતુકથી ખીલી ઉઠ્યો.
હાસ્ય ચેપી તો હોય જ છે. સૌ કર્મચારીઓના ચહેરા પર સ્મિત આવ્યું. ‘‘ઓફકોર્સ, યસ, નોન પરફોર્મિંગ તો નોન પરફોર્મિગ પણ એનપીએ એક એસેટ તો છે જ. ’’ મેનેજરે ગર્વ સાથે કહ્યું.
‘નોન પરફોર્મિંગ એટલે કામ નહીં કરતી….મતલબ કે તમારી બેન્કના કોઇ કર્મચારી કામ ના કરે તો તમે એને પણ નોન પરફોર્મિંગ એસેટ ગણાવો ? ’’તકુભાઇએ વધુ એક સવાલ વીંઝ્યો.
મેનેજરે જરા છોભીલા પડી જઇ બાકીના કર્મચારીઓ સામે જોયું. તેની એક લાચાર આંખમાં હા હતી અને બીજી લાચાર આંખમાં ના હતી. એટીએમમાંથી નોટ બહાર પડે તે રીતે કર્મચારીઓની આંખના ડોળા બહાર પડવાની હદે મોટા થઇ જતાં મેનેજર નીચું જોઇ ગયા.
પેલાં મેડમ સમજાવવા લાગ્યાં. ‘‘ ભઇ…અમે તો કર્મચારીઓ છીએ. અમે બેન્કની એસેટ છીએ. અમે બ્રાન્ચમાં ટાઇમસર આવી જઇએ છીએ એ જ અમારું પરફોર્મિંગ કામ છે.’’
કેશિયર પણ સમજાવટમાં જોડાયા. ‘‘મિસ્ટર ,  એનપીએ એટલે તો અસ્તિત્વમાં હોય પણ છતાં પણ કાંઇ કામમાં ના આવતી હોય એવી કોઇ ચીજ. સમજોને કે આ મેડમના હસબન્ડનો કાન ….’’
મેનેજર તેમના કર્મચારીઓની સમજણશક્તિ અને દૃષ્ટાંતશક્તિથી એકદમ પ્રભાવિત થઇ ગયા. ‘‘યસ્સ…દુનિયાની કોઇપણ પત્નીને પૂછી જુઓ. એ કહેશે કે કે તેના પતિના કાનથી વધારે મોટી નોન પરફોર્મિંગ એસેટ કોઇ હોતી જ નથી. ’’ મેનેજરે કાયમની જેમ કર્મચારીઓના સૂરમાં સૂર પુરાવ્યો.
‘‘એમ ? ’’ તકુભાઇની આંખમાં ઝળહળિયાં આવી ગયાં. તેમને ખબર ન હતી કે તેમના પ્રશ્નનો જવાબ આખરે સાંપડી જશે. તેમણે વધારે ખાતરી કરવા પૂછી લીધું. ‘‘મતલબ કે આપણા ઘરમાં કોઇ ભંગાર પડ્યો હોય તો એને ઘરની ‘નોન પરફોર્મિંગ એસેટ’ જ કહેવાયને. ’’
એનપીએની નવી ને નવી વ્યાખ્યાઓ સાંભળીને બેન્ક કર્મચારીઓની આંખમાં પણ હરખના આંસુ આવી ગયાં. એક કર્મચારીએ તો લિસ્ટ પણ બનાવવા માંડ્યું. ‘‘જૂનું ટૂથબ્રશ, હાથો તૂટી ગયું હોય એવું ડબલું, પટ્ટી સાંધેલી સ્લિપર, ગોબો પડેલી તપેલી….’’
તકુભાઇનાં તપેલી જેવા ચહેરા પરનો ગોબો એટલે કે મોઢું ખૂલ્યું અને સવાલ ઉછળ્યો. ‘‘ તો પછી પેલું લોકો લોન લઇને ભાગી જાય છે અને બેન્કના પૈસા ફસાઇ જાય છે એને શું કહેવાય ? એ કોની એસેટમાં ગણાય ? ’’
ફરી જાણે વિસ્ફોટ થયો. મેનેજર સહિતના કર્મચારીઓ ‘ફાયર એક્ઝિટ’વાળા રૂટ પરથી ફરાર થઇ ગયા. બેન્કની બ્રાન્ચ નધણિયાતી થઇ ગઇ. કેશિયરના કાઉન્ટર પર નોટોની થપ્પીઓ પડી હતી. પણ તકુભાઇ તેમાંથી એક પણ નોટ ના ઉઠાવી. એવું વિચારીને કે ‘ મેં ક્યાં લોન માટે અરજી કરી છે તે આમ રેઢા પડેલા પૈસા ઉઠાવું ?’
Advertisements

ભાવનગરની કઠણાઇ

ભાવનગર થી વડોદરા વચ્ચેનું બાય રોડ સ્હેજે ચાર કલાકમાં કાપી શકાય છે. કોઇ ધડબડાટીવાળો ડ્રાઇવર હોય તો સાડા ત્રણ કલાકમાં પણ પહોંચાડી દે. પરંતુ, તાજેતરમાં વડોદરાથી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસ નવ કલાકે પહોંચી. સવારે સાત વાગ્યે વડોદરાથી નીકળેલા પ્રવાસીઓ બપોરે ૧૧ વાગ્યે એટલે કે બપોરનાં ભોજન પહેલાં પોતાના સ્થાને પહોંચી જવાના હતા તેને બદલે ૪૨-૪૩ ડિગ્રી તાપમાનમાં બધા રઝળ્યા અને છેક સાંજે ચાર વાગ્યે ભાવનગર પહોંચ્યા. કહેવાની જરૂર નથી કે તેમાં સ્ત્રીઓ, બાળકો તથા વડીલો પણ સામેલ હતા.

bus02

symbolic image only

આમ થવાનું કારણ એટલું જ કે ભરરસ્તે બસનું એસી બગડ્યું હતું. હવેના એસી કોચમાં એવી બારીઓ હોતી નથી કે તે ખોલી શકાય. એસી બગડે એવા સંજોગોમાં બસ બદલવી જ પડે. બીજો કોઇ વિકલ્પ નહીં. પરંતુ, કેટલાક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર મૂકેલી વિગતો પ્રમાણે પહેલા બે કલાક તો ડ્રાઇવર બસમાં કોઇ ખરાબી હોવા બાબતે કે તે બદલવાની જરૂર હોવા બાબતે સાવ નામક્કર જ ગયો. ઉલ્ટાનું ડ્રાઇવર અને ક્લિનરે સ્ટાફ સાથે બહુ ઉદ્ધત વર્તાવ કર્યો. પ્રવાસીઓએ વડોદરા તથા ભાવનગરની રાજધાનીની ઓફિસે ફોન કર્યા તો ત્યાં પણ બહુ ઉદ્ધત જવાબો મળ્યા. વારંવાર રજૂઆતો તથા આક્રોશ વ્યક્ત કર્યા બાદ રાજધાનીએ મોડે મોડે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી અને તે પણ સાવ પરાણે પરાણે.

આ બનાવને પગલે ભાવનગર જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓના અભાવનો મુદ્દો ફરી લોકચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાવનગરને ટ્રેન, બસ કે પ્લેન સહિતનાં ટ્રાન્સપોર્ટેશન બાબતે વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી અન્યાય થાય છે. ભાવનગરના લોકોએ મુંબઇ કે દેશના અન્ય ભાગોમાં જવા ટ્રેન પકડવી હોય તો ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા સિવાય છૂટકો જ નહીં. રેલવે તંત્રને શું બુદ્ધિ સૂઝી છે કે ભાવનગરથી અમદાવાદ વચ્ચેની ટ્રેન વાયા સુરેન્દ્રનગર થઇને આવે છે. તેમાં પણ ટ્રેનના ટાઇમિંગ એવા છે કે વડોદરા અથવા સુરતના પ્રવાસીએ બહુ અડધી રાતે અગવડો વેઠવી પડે. આથી, ભાવનગરના લોકો નાછૂટકે પહેલાં ભાવનગરથી વડોદરા સુધી પ્રાઇવેટ બસમાં જંગી સામાન સાથે સપરિવાર યાત્રા ખેડે  છે અને પછી વડોદરા પ્લેટફોર્મ પર સમયનો બગાડ કરી ટ્રેન પકડે છે. વળતાં પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. વડોદરાથી ભાવનગર જવા માટે વાયા તારાપુર-આણંદ થઇને ટ્રેન દોડાવવાની વાતો ભૂતકાળમાં અનેક વખત ગાજી છે. પરંતુ, રેલવે તંત્ર કહે છે કે તેઓ એવા જ રૂટ પર ટ્રેન દોડાવે જે તેમના માટે કોમર્શિયલી વાયેબલ હોય. તારાપુર-આણંદ ટ્રેક પર એટલો પેસેન્જર ટ્રાફિક ના મળે અને ગુડ્ઝ ટ્રાફિકની તો ખાસ આશા જ નથી. એટલે આ રૂટની વાત દર વખતે ઊડી જાય છે. પરંતુ, એમ જોવા જઇએ તો આખી ભારતીય રેલવે જ ક્યાં કોમર્શિયલી વાયેબલ છે ? તો તો ભારતભરની ટ્રેન સેવા બંધ જ કરી દો ને….

એસ ટી તંત્ર વડોદરા અને અમદાવાદ વચ્ચે સારી વોલ્વો બસો દોડાવે છે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે પણ વોલ્વો બસો છો. બીજી બસોની લંગાર તો ખરી જ. પરંતુ, ભાવનગર અને અમદાવાદ તથા ભાવનગર અને અમદાવાદ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ દર બે-ચાર કલાકે બસો દોડાવી શકે એટલા પ્રવાસી મળે છે પરંતુ એસટી આ ડિમાન્ડનો લાભ લેતી નથી. ભાવનગરના લોકો અંદરોઅંદર ચર્ચા કરે છે તેમ કદાચ ભાવનગરનું એસટી તંત્ર કે પછી ગુજરાત સ્તરનું એસટીનું તંત્ર પોતે જ ભાવનગરથી અમદાવાદ અને વડોદરા વચ્ચે ખાનગી બસ સંચાલકોને ઘી કેળાં થયાં કરે તેની વેતરણમાં રહે છે.

હવે વધારેને વધારે લોકો પ્રાઇવેટ કાર લઇને નીકળતા થયા છે. પરંતુ, માત્ર બસને બદલે કારમાં આવવાથી કઠણાઇનો અંત આવતો નથી. ભાવનગર અને અમદાવાદ વડોદરા વચ્ચેનો પીપળી સુધીનો હાઇવે કોમન છે. આ હાઇવેની બિસ્માર હાલત અંગે વારંવાર લખાઇ ચૂક્યું છે. થોડા થોડા સમયે આ હાઇવે પર અકસ્માતના બનાવોના સમાચાર છાપામાં ચમક્યા કરે છે. એ સિવાય પણ હાઇવેની હાલત એવી છે કે ઘરે જઇને શેક કરવો જ પડે. આ હાઇવે આમ વર્ષોથી બિસ્માર હાલતમાં રાખવાનું કે પહોળો નહીં કરવા પાછળનું લોજીક તો ગુજરાત મોડલ ગજવતી સરકાર જ જાણે. ભાવનગર અને તેની આસપાસના ધારાસભ્યો તથા સરકારી અધિકારીઓ જેમણે વારંવાર ગાંધીનગરના આંટાફેરા કરવાના હોય. બિસ્માર અને એક્સિડેન્ટ પ્રોન હાઇવેનું જોખમ તેમનાથી વધારે કોઇનેય ખબર નથી. પરંતુ, ગુજરાતમાં ગતિશીલ સરકાર છે અને હાઇવેનું વિસ્તૃતીકરણ કે સમારકામ પણ ગતિશીલ સરકાર તેની ગતિએ કરશે જ એવી તેમને શ્રદ્ધા છે.

સુરતમાં ભાવનગર શહેર અને જિલ્લાના મૂળ વતનીઓ હજારોની સંખ્યામાં વસે છે. દિવાળી વેકેશન જેવા સમયે તેમને પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા અનેક ગણા ભાવ પડાવીને જે રીતે રીતસરના લૂંટવામાં આવે છે તેની તો પાછી અલગ ગાથા છે……

આ બધા મુદ્દા કાંઇ સાવ નવા નથી. પરંતુ, પ્રજાની હાલાકીને નેતાઓ ધ્યાન પર લેતા નથી. તેનું કારણ એ છે કે પ્રજા કોઇ ચોક્કસ પક્ષ કે નેતા માટે સલામત વોટબેન્ક બની ગઇ છે. લોકશાહીમાં કોઇ વિસ્તાર, કોઇ શહેર, કોઇ કોમ, કોઇ સમુદાય , કોઇ ચોક્કસ પક્ષ કે વ્યક્તિ વિશેષ માટે સલામત વોટબેન્ક બની જાય એ બહુ જોખમી બાબત છે. કારણ કે તેમાં પ્રજામતની અવગણના થાય છે, પ્રાયોરિટીઝની બાબતો હડસેલાઇ જાય છે અને પ્રજાના જેન્યુઇન પ્રશ્નો પણ કોઇ સાંભળતું કે ઉકેલતું નથી કારણ કે ચૂંટણીમાં કોઇ વાંધો આવવાનો નથી.

 

ફિલ્મ રિવ્યૂ : સમીક્ષા અને મંતવ્યની ભેળસેળ

કોઇ ફિલ્મનો રિવ્યૂ આપવો એ ખરેખર બહુ જોખમી કામ છે. ફિલ્મની સમીક્ષા કરવા માટે બહુ સજ્જતા જોઇએ. જ્યારે મંતવ્ય તો કોઇપણ આપી શકે છે. ફિલ્મ જોઇ ના હોય તો પણ માત્ર સાંભળેલી વાતના આધારે કે કોઇ ખાસ કલાકાર કે સર્જક માટેની માન્યતાના આધારે મંતવ્ય આપી દેનારાઓ પણ હોય છે. આવા પૂર્વનિર્ધારિત અભિપ્રાયો ઘણી વખત કોઇ ફિલ્મની સફળતા કે નિષ્ફળતામાં મોટો ભાગ ભજવતા હોય છે. અમુક દિગ્દર્શકની ફિલ્મ એટલે બહુ સારી જ હશે કે પછી અમુક હિરોની ફિલ્મ એકવાર તો જોવા જેવી હોય જ એ પ્રકારના મંતવ્યોનો આપણે ત્યાં પાર હોતો નથી. Actress Anushka Shetty HQ Pictures in Bahubali Telugu Movie

તાજેતરમાં બે ફિલ્મો જોવાનું થયું. ‘બેગમ જાન’ અને ‘બાહુબલી-2’. બાહુબલી કદાચ ભારતના સિનેમા ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ તરીકે અનેક વિક્રમો સર્જવા જઇ રહી છે. પરંતુ, મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે ભાગ એકની સરખામણીએ બીજા ભાગમાં ઘણી નબળાઇઓ છે. ખાસ કરીને ક્લાઇમેક્સ સાવ બિનજરૂરી રીતે લાંબો ખેંચવામાં આવ્યો છે અને તેમાં દર્શાવાયેલી મારધાડથી છેવટે કંટાળો જ આવે છે. જોકે, આ અભિપ્રાય બીજા કેટલાક મિત્રો સાથે રૂબરૂ અને ચેટિંગમાં શેર કર્યો તોએ લોકો ભડકી ગયા.

બેગમ જાન વિશે તો કોઇને અભિપ્રાય આપવાનું ટાળ્યું જ છે. ગજબનો begumવિષય અને અમુક બહુ ચોટદાર દૃશ્યો ધરાવતી ફિલ્મ ઘણી બધી બાબતોને એકસાથે સાંકળવા જતાં કયારેક   સાવ અતાર્કીક અને ક્યારેક અતિશય લાઉડ બની જાય છે.

ઘણી ફિલ્મો એવી હોય છે જે ઓવરઓલ મનોરંજક હોય પણ તેમાં અમુક દૃશ્યો ખરેખર ખૂંચે તેવાં કે કંટાળાજનક હોય છે. કોઇ કોઇ ફિલ્મો આખી કંટાળાજનક હોય પણ તેનોએકાદ સીન કે એકાદું ગીત ગમી જાય તેવું પણ બને છે. મોટાભાગની ફિલ્મો આવી ગમતી-અણગમતી અનુભૂતિઓનો સરવાળો છે. આપણને સાવ બકવાસ લાગેલી ફિલ્મ સુપરડુપર હિટ થઇ જાય કે જે ફિલ્મ પર આપણે ઓળઘોળ થઇ ગયા હોઇએ તે જોવા માટે થિયેટરમાં પૂરા એક ડઝન પ્રેક્ષકો પણ ના આવ્યા હોય તો બહુ આઘાત પામવા જેવું નથી. કોઇને કોઇ ફિલ્મની પસંદગી માટે કે નાપસંદગી માટે ઉતારી પાડવા કે અહોભાવ અનુભવવા જેવું પણ નથી. એટલે જ કોઇપણ રિવ્યૂ કે મંતવ્ય વિના જે કલાકાર કે સર્જક માટે પક્ષપાત હોય અથવા તો કોઇ ફિલ્મે સ્હેજ અપેક્ષા ઊભી કરી હોય તે જોઇ નાખવી સારી…

 

જીવનસાથી = પ્રિયજન =મિત્ર

જિંદગીમાં કેટલાક સંબંધોનું સ્વરૂપ સ્થાયી હોય છે. મોટાભાગના બ્લડ રિલેશન્સને તમે આ કેટેગરીમાં મુકી શકો. પણ, બ્લડ રિલેશન્સ સિવાયના સંબંધોનું સ્વરૂપ બદલાઇ શકે છે.  લવ મેરેજ કરનારા ઘણા યુગલોએ પહેલાં જે મિત્ર હોય તે પ્રિયજન બને અને પ્રિયજનમાંથી જીવનસાથી બને એવું સંબંધનું રૂપાંતર અનુભવ્યું હશે. ઘણી વખત સંબંધ મૈત્રીની હદ ઓળંગીને પ્રેમની સીમામાં કયારે દાખલ થઇ જાય છે તે ખબર રહેતી નથી. ઘણી વખત એવું બને કે એક પાત્ર મૈત્રીમાંથી પ્રેમની હદમાં પહોંચી ગયું હોય પણ બીજું પાત્ર હજુ મૈત્રીની હદમાં જ હોય  કેટલીકવાર આ હદ ઓળંગાઇ જતી હોય છે અને કયારેક મૈત્રીની હદમાંથી પણ હદપાર થઇ જવું પડે છે. મરીઝની એક પંક્તિ યાદ આવે છે, એની બહુ નજીક જવાની છે આ સજા….મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો….

પણ, અહીં જરાક ઉલ્ટા સુલ્ટા ક્રમની વાત કરવી છે.  જીવનસાથી હોય એ પ્રિયજન બની શકે ખરા અને પ્રિયજનમાંથી ફરી મિત્ર બની જવાની અનુભૂતિ કેવી હોય..

મોટાભાગે લગ્ન સંબંધમાં એક પ્રકારની પઝેસિવનેસ હોય છે. આપણે ત્યાં લગ્ન સાથે અપેક્ષાઓ અને જવાબદારીઓના બિસ્તરાં પોટલાં સાથે હોય જ છે. એટલે શરૂઆતમાં પ્રિયજન જેવો ઉમળકો રહે પણ ધીમે ધીમે તે ઓસરતો જાય. થોડાંક વર્ષો પછી તો પડયું પાનું નિભાવી લેવાતું હોય. કયારેક સાવ આવી હાલત ના હોય તો પણ કેટલા પતિ પોતાની પત્નીને કે પછી કેટલી પત્નીઓ પોતાના પતિને દિલ ખોલીને બધી જ વાત કરી શકતા હશે.

ઘણા એવાં યુગલનો પરિચય છે જેમાં પતિના ઘણા વ્યવહારોની જાણ પત્નીને હોતી નથી. માત્ર અફેરની વાત નથી. એ સિવાય પણ ઘણી બાબતો પતિઓ પત્નીને કહેતા નથી. એમાં વ્યસનથી માંડીને યારી દોસ્તી પણ આવી જાય, ઓફિસમાં મળેલો ઠપકો કે પછી રસ્તામાં થયેલી તકરારની વાત પણ આવે. કયારેક નાણાંકીય મુશ્કેલીની વાત એટલા માટે છુપાવવામાં આવે છે કે એમ લાગે છે કે પત્ની એ સહન નહીં કરી શકે.

બીજી તરફ, પત્ની પાસે પણ પતિથી છુપાવવા જેવું કશું નથી હોતું એવું માનવા જેવું નથી. પોતાના સંતાન કે નાના ભાઇ બહેનના અફેર અને ખર્ચા, સ્કુલના રિઝલ્ટ, કોઇ ખરીદી અથવા બચત, પતિ કે કુટુંબની મરજી વિના નિભાવાતો સામાજિક વ્યવહાર, બહેનપણીઓ સાથે થયેલા કિટ્ટા-બુચા કે પછી કોઇ તરફથી અણછાજતું વર્તન. પત્નીઓ કેવળ પતિને છેતરવા કે અંધારામાં જ રાખવા માટે નહીં પણ તેનું ટેન્શન ના વધે તે માટે પણ ઘણું છુપાવતી હોય છે. ટિનેજર દિકરીઓની મમ્મીઓ કે ટિનેજર નણંદની ભાભીઓ પાસે આવી ગુપ્ત વાતોનો ખજાનો હોઇ શકે છે.

લવ બર્ડઝ એકબીજાને છેતરવા માંગતા હોતા નથી પણ, એકબીજાને દુખી પણ કરવા માંગતા નથી. એટલે તેમની વચ્ચે ગુલાબી વાતોનું શેરીંગ વધારે હોય છે. દેખીતી રીતે જ પ્રિય પાત્ર સાથે ગાળવા મળતા સમયના ટુકડાઓમાં કોઇ તકલીફોના રોદણા રોતું નથી. કોઇ પોતાની નબળાઇઓની વાત પણ કહેતું નથી. પુરૂષ હંમેશ પોતાની જાતને વિશ્વનો સૌથી શક્તિશાળી, સૌથી સમર્થ અને સૌથી લાગણીશીલ વ્યક્તિ પુરવાર કરવા માગતો  હોય છે. પ્રેયસી પોતાના પ્રિયજનને લાગણીથી તરબતર કરી દેવા આતુર હોય છે .આપણે સારા છીએ… આ દુનિયા સારી છે …આપણું બધું જ સારું થવાનું છે…લેટસ’ એન્જોય… !

મિત્રતા એક જ એવો સંબંધ છે જેમાં સુખદુખ વહેંચવામાં કોઇ સંકોચ નડતો નથી. કેટલાંક સુખ એવાં હોય છે જે પ્રિયજન કે જીવનસાથી સાથે વહેંચી શકાતાં નથી.  જેમાં દર વખતે ઉમંગ અને આનંદની વાતો કહેવી ફરજિયાત નથી. જેમાં પોતાનું ટેન્શન અચૂકપણે શેર કરવાનું જ હોય છે.  ઘણા વ્યક્તિની અમુક અતરંગ વાતો તેમના મિત્રના સેફ ડિપોઝિટ વોલ્ટમાં જ સલામત હોય છે અને તેની કુંચી તેમના પ્રિયજન કે જીવનસાથી પાસે પણ હોતી નથી.

આમ તો કહેવાય છે કે લગ્ન એ મૈત્રીનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. પણ, આવી  પતિ અને પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોય એવું ઓછું બને છે.  લગ્ન પછીના પ્રેમની અનેક વાતો છે, કથાઓ છે. પરંતુ, લગ્ન પછીની મૈત્રી જુદી વાત છે. મેરેજ એનીવર્સરી કે વેલેન્ટાઇન ડે ઉજવનારાં પતિ અને પત્ની ફ્રેન્ડશીપ ડે ના મનાવતાં હોય એવું પણ બને છે.  ફ્રેન્ડમાંથી લવબર્ડ બનીને ચોરીના ચાર ફેરા ફરનારા યુગલોની યાદીમાંથી પણ કેટલાંક વર્ષો પછી ફ્રેન્ડશીપ ડે ની બાદબાકી થઇ જાય છે.

ફ્રેન્ડમાંથી લવ બર્ડ બન્યા હોય એમના માટે પણ પ્રેમ સંબંધ તુટયા પછી મિત્ર બની શકવાનું અઘરું હોય છે. એક્સ બોયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ માત્ર ફ્રેન્ડ બનીને રહી શકતા નથી.  કોઇએ આપણો પ્રેમ ઠુકરાવ્યો હોય તેટલા માત્રથી આપણા દુશ્મન કેવી રીતે થઇ જાય ? પણ, માત્ર પ્રપોઝ કર્યું હોય અને જવાબ ‘ ના’ માં આવ્યો  હોય તેવા કિસ્સામાં કોઇ મિત્ર બની શકે અને ભવિષ્યમાં ફરી પ્રેમના તરંગો રચાવા માંડે એવું બની શકે પણ થોડા લાંબા સમય પછી પ્રેમ સંબંધ તુટયા હોય તેવા કિસ્સામાં તે પછીનું સ્ટેજ મોટાભાગે નફરત, શંકા, તિરસ્કાર, અણગમા કે વેદનાનું જ કેમ હોય છે….

ડિઝાઇન સિટી સિઓલ -સૉલ

80ના દાયકાના દાયકાના ઉતરાર્ધમાં  જયારે ઘરમાં નવું નવું ટીવી આવ્યું હતું ત્યારે તેના પર સિઓલ ઓલિમ્પિક જોયાનો રોમાંચ હજુ યાદ છે.  સ્પોર્ટસમાં ત્યારે બહુ સમજ પડતી ન હતી ( હજુ કોઇ પ્રગતિ નથી) પણ,  એ રમતો જોવાની બહુ મજા આવી હતી . ત્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું કે કોઇક દિવસ આ સિઓલ શહેરની મુલાકાત લેવાનું બનશે.

હોટલ નોવોટેલ એમ્બેસેડર

તા. 10મી નવેમ્બરે રાતે  સિઓલના ગેન્ગનેમ ( અંગ્રેજી સ્પેલીંગ ,  gangnam ત્યાંની ભાષામાં ઉચ્ચાર ખબર નથી)  વિસ્તારમાં આવેલી હોટલ નોવોટેલ એમ્બેસેડરમાં પહોંચ્યા પછી ભારતના રાજદુત એસ.કે. ત્યાલે  અમને ‘ વેલકમ ટુ સૉલ ‘ એમ કહીને આવકાર્યા ત્યારે ખબર પડી કે આપણે જેને સિઓલ કહેતાં હતાં એનો ઉચ્ચાર તો સૉલ છે.  જોકે, પછી બે દિવસ અહીં ઠેર ઠેર welcome to soul of  Asia Seoul એવાં બેનર વાંચવા મળ્યાં.

મેં હજુ ભારતના તમામ મહાનગરો પણ પૂરેપૂરાં જોયાં નથી  એટલે તરત સરખામણી કરવા માંડવાની મારી કોઇ લાયકાત નથી. (આવાં કારણોસર હુ ગુજરાતી નવલકથાકાર બની શકતો નથી.  ) પણ, સૉલ ખરેખર પ્રેમમાં પડી જવાય એવું શહેર છે. ભારતના ગીચોગીચ રસ્તાઓ, ગંદકી, માર્ગો પર રખડતી ગાયો અને કૂતરાં, હોર્નના ઘોંઘાટથી ટેવાયેલા લોકોને સ્વાભાવિક રીતે જ આ શહેરની સ્વચ્છતા અને શાંતિ ગમી જાય. માર્ગો પર વાહનોની લાંબી લાંબી કતારો હોય પણ કોઇ હોર્ન વગાડે જ નહીં. ભારતમાં તો મ્યુઝિકલ ઓટો હોર્નની અલગ ઇન્ડસ્ટ્રીઝ જ છે પણ, આ શહેરમાં તો એ બધા બિચારા બેકાર જ રહે. ભારતીય શહેરોમાં વિશાળ બહુમાળી ઇમારતોની આસપાસ જ ગંદા વસવાટો હોય, સાંકડી ગલીઓ હોય, રસ્તા પર લારીવાળા અને પથારાવાળાની જમાવટ હોય એવું બધું અમને ના જોવા મળ્યું. વિશ્વના કદાચ દરેક પ્રગતિશીલ આધુનિક શહેરોમાં આવું હશે.

મેયર ઓહ સી હુન

પણ, આ શહેરમાં એક અસામાન્ય બાબત જોવા મળી  અને તે તેનો ડિઝાઇન સિટી પ્રોજેકટ. સૉલના 49 વર્ષીય મેયર ઓહ સી હુનએ આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધર્યો છે. એમને રૂબરૂ મળવાની તક તો ના મળી પરંતુ, ઇમેલ દ્વારા મોકલેલા પ્રશ્નોના એમણે વિગતવાર જવાબો આપ્યાં. ડિઝાઇન સિટી પ્રોજેક્ટ શા માટે એવા પ્રશ્નનો તેમણે બહુ સરસ જવાબ આપ્યો કે સૉલ હવે વિશ્વનું એક મહાનગર છે. અહીં રહેતા નાગરિકોને દરેક પળ એ અહેસાસ થવો જોઇએ કે તેઓ એક વિશ્વકક્ષના શહેરના નાગરિકો છે, તેમને આ વાતનું ગૌરવ થવું જોઇએ. તેમને એ સ્તરની ગુણવત્તાસભર સુવિધાઓ અને અનુભવ મળવા જોઇએ. સાથે-સાથે વિશ્વભરના પ્રવાસીઓમાં સૉલ માટે આકર્ષણ જમાવવા માટે પણ તેનું નવેસરથી ડિઝાઇનીંગ કરવું જરૂરી છે.

સૉલ સારી રીતે ડિઝાઇન થશે તો સ્થાનિક લોકો ખુશ રહેશે કારણ કે આખરે ડિઝાઇને એ એક અસરકાર

ક સ્ટ્રેસ બસ્ટર છે. સાથે સાથે વિશ્વભરના લોકો આ શહેરના પ્રેમમાં પડશે. અહીં પર્યટન કે બિઝનેસ માટે આવવાનું પસંદ કરશે. અત્યારે માત્ર આર્થિક પ્રભુત્વના જોરે જ કોઇ શહેરને વિશ્વના ટોચના શહેરોની હરોળમાં બેસાડી શકાય નહીં. સૉલને વિશ્વભરમાં જાણીતું બનાવવા માટે અમારે એક ગ્રોથ એન્જિનની જરૂર

હતી અને ડિઝાઇન અમારું ગ્રોથ એન્જિન છે.

ડિઝાઇન સિટી પ્રોજેકટમાં માત્ર બગીચા કે ફુવારા બનાવવા પર ધ્યાન અપાયું નથી પરંતુ, શહેરના બાહરી વાતવરણ સાથે તેની જુદી જુદી સિસ્ટમ્સ અને સર્વિસિસને બહેતર બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

માર્ગો પર ફલાવર ડેકોરેશન

એક તરફ માઉન્ટ નેમસેન રેનેસાં પ્રોજેકટ અને હેન્ગેન્ગ રિવર રિસ્ટોરેશન પ્રોજેકટ જેવા મેગા પ્રોજેકટ હાથ ધરાયા છે તો સાથે સાથે સ્ટ્રીટ ડિઝાઇનીંગનો કન્સેપ્ટ પણ અમલમાં મુકાયો છે.

રેઇનબો ફાઇન્ટેઇન

સૉલને  વિશ્વનું સૌથી જોવાલાયક મહાનગર બનાવવા માટે એક બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. 2006થી સમગ્ર શહેરની કાયાપલટ કરવાનું શરૂ થયું છે. હાન રિવર પર મુલાઇટ રેઇનબો ફાઉન્ટેનનું નિર્માણ કરાયું છે. તેની સાથે હેન્ગેંગ રિવર ફ્રન્ટ પાર્ક બનાવાયો છે.  અમદાવાદમાં હજુ રિવર ફ્રન્ટ પ્રોજેકટ તૈયાર થઇ રહ્યો છે પરંતુ, સૉલના આ રિવર ફ્રન્ટ પ્રોજેકટની તોલે તે આવી શકશે કે નહીં તે એક સવાલ છે.

અહીં હાન નદીમાં નાનકડા કૃત્રિમ ટાપુઓ બનાવીને તરતા મૂકવામાં આવ્યા છે. આ ટાપુઓ પર જુદા જુદા ફેસ્ટીવલ, સંગીત, નાટકના પર્ફોર્મન્સીસ યોજાશે. 2012માં ક્રુઝ શીપ ટર્મીનલ બનશે અને 2016માં ફલોટીંગ હોટલ તૈયાર થશે.

કૃત્રિમ તરતા ટાપુઓ

હાન રીવર રેનેસાં પ્રોજેકટ 2030માં પૂરો થવાનો છે.

ગુજરાતમાં ભુજના ડિઝાઇનીંગમાં ભુજીયા ડુંગરને કે જુનાગઢના ડિઝાઇનીંગમાં ગિરનાર પર્વતને સાંકળી લેવાય તો કેવું સરસ કામ થાય ! અહીં સિટી ડિઝાઇનીંગ પ્રોજેકટમાં માઉન્ટ નેલસેમ પર્વતના રિસ્ટોરેશનનો પણ પ્રોજેકટ બનાવાયો છે. ટેકરી પરના જુના કિલ્લા જેવાં સ્ટ્રકટરનું રિનોવેશન, એસ્કેલેટર, સતત પ્રજવલિત મશાલ અને ઓબ્ઝર્વેટરી સહિતના આયોજનો થઇ રહ્યાં છે.

વડોદરામાં શહેરની વચ્ચોવચ્ચથી વિશ્વામિત્રી નદી વહે છે. આ નદીમાં ગંદુ પાણી વહેડાવવામાં આવે છે અને તેના કારણે કાંઠા વિસ્તારોમાં દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. સૉલમાં પણ શહેરની વચ્ચોવચ્ચ આવું એક નાળું છે. પણ, અહીં હવે ગંદા પાણીની જગ્યાએ ચોખ્ખું પાણી વહેડાવવામાં આવે છે. તેના બંને કાંઠે ગાર્ડનીંગ, બેંચીસ, જોગીંગ ટ્રેક, પ્લે ઇક્વિપમેન્ટ, લાઇટ સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપ કરવામાં આવી છે. હવે લોકો

આ નાળાંની સમાંતર બનાવાયેલાં પાથ વે પર ઇવનિંગ કે મોર્નીંગ વોક લેવાનું પસંદ કરે છે.

રમણીય બનાવાયેલું નાળું. અહીં લોકો વોક લેવાનું પસંદ કરે છે

શહેરમાં અત્યાધુનિક સ્કાયક્રેપર્સની વચ્ચોવચ્ચ ટ્રેડિનશલ કોરિયન બાંધણી

ના મકાનોને પણ રિસ્ટોર કરી સાચવી રાખવામાં આવ્યાં છે. આ મકાનો આધુનિકતાની સાથે પરંપરાનું ફયુઝન  પૂરું પાડે છે.

ભારતના મોટાભાગના શહેરો ગંદા વસવાટ, પ્રદુષણ, ગંદકીની સમસ્યાઓ

થી પિડાય છે ત્યારે સૉલમાં શહેરને માત્ર સ્વચ્છ અને સુંદર નહીં પરંતુ ડિઝાઇનર સિટી બનાવવાનો પ્રોજેકટ ચાલે છે. યુનેસ્કોએ પણ આ પ્રયાસોને બિરદાવી સૉલને સિટી ઓફ ડિઝાઇન  જાહેર કર્યું છે.

ભારતમાં પાછા આવીને મને થયું કે અહીં ડિઝાઇનીંગ તો ઠીક પણ સિમ્પલ ટાઉન પ્લાનીંગની પણ વાત વિચારવી હમણા તો અશકય છે. કદાચ નગર રચના અને સિટી ડિઝાઇનીંગની રીતે 6000 વર્ષ પહેલાંના હડપ્પા કાળના આપણા પુર્વજો આપણા કરતાં ઘણા પ્રગતિશીલ હતા. આપણે હજુ બાથરૂમ અને બેડરૂમનાઇન્ટીરયર ડિઝાઇનીંગ સુધી પહોંચ્યાં છીએ. સિટી ડિઝાઇનીંગ આવતાં આપણે ત્યાં વાર લાગશે.  એવું નથી કે આ દિશામાં આપણે ત્યાં કોઇ વિચારતું નથી. થોડા સમય પહેલાં હું એમ.એસ.યુનિવર્સિટીના આર્કીટેકચર વિભાગમાં ગયો હતો. અહીંના વિદ્યાર્થીઓ દર વર્ષે આંતરકોલેજ સ્પર્ધા નાસામાં ટ્રોફીઓ જીતી લાવે છે. એકવાર તેમને વડોદરાના નવા બજાર (નવરાત્રિના ચણીયાચોળી માટે યુવતીઓની ફેવરીટ જગ્યા)ના ડિઝાઇનીંગ માટે પણ એવોર્ડ મળ્યો હતો. પુછપરછ કરતાં આ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેમૃણે આ આખી ડિઝાઇન મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દીધી છે પણ, તેમણે પછી કોઇ ફોલોઅપ કર્યું નથી. અહીં એક ગલી , એક બજારના ડિઝાઇનીંગમાં પણ કોઇને રસ નથી. અહીં હજુ પાયાની સુવિધાઓ બાબતે પણ કોઇ નક્કર પગલાં ભરાતાં નથી. ત્યાં ડિઝાઇનર સિટી તો બહુ દૂરની વાત છે.

સંબંધોનું સત્ય, બધેબધું કહી શકાતું નથી

सत्यम ब्रूयात प्रियं ब्रूयात न ब्रूयात सत्यमप्रियं

प्रियं च नानृतं ब्रूयात एष धर्म: सनातन

“હવે છૂટા પડવાનું નક્કી કર્યા પછી હું તને કેટલીક વાતો કહી શકું છું,

લવ આજકલ ફિલ્મનો આ સંવાદ બહુ સ્પર્શી ગયો. પ્રેમી અને પ્રેયસી ( આમ તો તેમની ભાષામાં માત્ર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ) એકબજાથી છૂટા પડવાનું નક્કી કરે છે. તેમને લાગે છે કે રૂટીન બની ગયેલા સંબંધમાં હવે પહેલાં જેવી ઉષ્મા અને તાજગી રહી નથી એટલે છૂટા પડી જવું બહેતર છે. છૂટા પડવાનું નક્કી કર્યા પછી બંને એકબીજાને કેટલીક એવી વાતો કહે છે કે જે સંબંધ ચાલુ હતો ત્યારે કહી શકાઇ ન હતી.  એકબીજાના દેખાવ વિશે, સ્વભાવ વિશે, વર્તન વિશે બંને કહી દે છે કે તારી અમુક અમુક વાત મને ગમતી ન હતી. ત્યારે કહી શકાતું ન હતું પણ, હવે આપણે છૂટા પડીએ છીએ એટલે કહું છું.

ખરેખર, સંબંધોનું આ સત્ય  છે કે સંબંધ સાચવવાની લ્હાયમાં આપણે બધેબધું કહી શકતા નથી.   સામેની વ્યકિતને ખોટું લાગશે એવી બીક વિના બધું કહી શકાતું હોય  તેને જો આદર્શ સંબંધ ગણીએ તો  આપણા કેટલા સંબંધ આવા આદર્શ સંબંધ છે એ તપાસવા જેવું છે.

મને લાગે છે કે સ્કુલના દિવસોમાં ,બાળપણમાં જે સંબંધો બંધાય છે તે સંબંદો આવા આદર્શની નજીક હોય છે. સાથે રમતા મિત્રને બેધડક તેના મોં પર જે કહેવું હોય તે કહી શકાય છે, લડી શકાય છે અને લડાઇના એક કલાક પછી બધું ભુલી જઇને પાછા રમી શકાય છે. એટલે જ કદાચ નાનપણની દોસ્તીની યાદ બહુ સતાવતી હોય છે. એ દોસ્તી ટકાવી રાખવાનો કોઇ સ્વાર્થ હોતો નથી. અથવા તો , આવો કોઇ સ્વાર્થ હોવો જોઇએ તેવી સમજણ ત્યારે હોતી નથી.

જેમ જેમ મોટા થતા જઇએ છીએ ત્યારે દરેક સંબંધની આસપાસ લાગણી સાથે સ્વાર્થના તાણાવાણા પણ રચાતા જાય છે. કાણાને કાણો કહી દેવાનું મન થાય છે પણ, પછી એ સંબંધ પહેલાં જેવો નહીં રહે તો….એવી ચિંતા નિખાલસ અને આખાબોલા થતા અટકાવે છે. કોલેજમાં સ્ટડી મટીરીયલ મેળવવાની લાલચમાં , સહ અભ્યાસ પ્રવૃતિઓમાં સાથે રહેવા ના મળે તેટલા ખાતર અને સૌથી વધારે તો  એ વ્યકિત આપણને ગમતાં પાત્રની નજીક છે, તેની પાસેની સોસાયટીમાં રહે છે, તેની સાથે બસમાં રોજ અવર-જવરનો સંબંધ છે એટલા માટે એ વ્યકિતને ખોટું લગાડી બેસવાનું સાહસ કરી શકાતું નથી. તેમાં ગરજ એ વ્યકિત સાથેના સંબંધની નહીં પણ એક મનગમતા સંબંધને બાંધવાની કડી ખોવાઇ ના જાય તેની હોય છે.  ટીનેજર તરીકે , કોલેજમાં અને તે પછી પણ …આવી ગમતી વ્યકિત સાથે નાતો જોડવામાં મદદરૂપ થાય એવી અણગમતી વ્યકિતઓ સાથે પણ સંબંધ વિક્સાવ્યાના ઘણા દાખલા દરેકને પોતપોતાની જિંદગીમાં મળી રહેશે.

આ વાત તો કોઇ બહુ ગમતા ના હોય તેવા સંબંધ વિકસાવવાની અને તેને જાળવી રાખવાની છે. પણ, કેટલાય સંબંધ એવા છે જે આપણે શાશ્વત હોવાનું માનીએ છીએ પણ તેમાં કયાંય કોઇ ખલેલ ના પડે તે માટે કેટલું બધું છૂપાવવું પડે છે. કેટલાં પતિ-પત્ની ખરેખર મોકળા મને, નિખાલસતાથી એકબીજાને બધે બધું કહી શકે છે. કયારેક ઘર-પરિવારના ટેન્શનની વાતો જે સહકર્મચારીઓ કે મિત્રો સાથે કરી શકતા હોઇએ તે પત્નીને કહી શકાતી નથી. પત્ની પણ જે વાત બહેનપણી કે પિયરમાં કહી શકે છે તે બધી જ પતિને કહી શકતી નથી. ચલાવી લેવું, નભાવી લેવું, સહન કરી લેવું, અણગમતી વાત છેડવી નહીં, …આવાં સમાધાનો તો રોજના બની જાય છે. આ સંતાકૂકડીનો ખેલ ઘણી વખત લગ્નબાહ્ય સંબંધોને પણ જન્મ આપે છે. વસ્ત્રોની પસંદગી જેવી અંગત બાબતથી માંડીને  સામાજિક વ્યવહારો , કુટુંબ સાથેના સંબંધો, મિત્ર વર્તુળ જેવી કેટલીય બાબતોમાં પતિ-પત્ની દર વખતે એકસંમત હોય એ જરૂરી નથી. મોટાભાગે એક પાત્ર અન્ય પાત્રની અણગમતી વાત કશું કહ્યા વિના સ્વીકારી લે છે. આવી વણકહી વાતોનો ખડકલો થતો જ જાય છે…થતો જ જાય છે . કયારેક એમાં વિસ્ફોટ થાય છે તો કયારેક એ ખડકલો ગંધાય પણ છે. આવાં દામપત્ય જીવવની દુર્ગંધ પછી એમના પરિવાર, પડોશીઓ , મિત્રો સૌ કોઇ અનુભવે છે.  જો કોઇ પતિ -પત્ની એક દિવસ સાથે બેસીને એકબીજાની અણગમતી વાતો કહેવા માંડે તો એ વાત કેટલી લાંબી ચાલે ?  દરેક પતિ-પત્નીએ આ યાદી ટૂંકી રહે તેનો પ્રયાસ કરવા જેવો છે.

જે સંબંધોને આપણે દોસ્તીનું રૂપાળું નામ ફટાફટ આપી દઇએ છીએ તેમાંથી કેટલા સંબંધો એવા છે જેમાં સત્યના પ્રયોગો કરવાનું જોખમ આપણે ખેડી શકતા નથી. આપણો સંબધ કેટલો નક્કર છે કે કેટલો તકલાદી તેની ખાતરી કરવાના આવા અખતરા અજમાવતાં મોટાભાગના લોકો ડરે છે.  સામેની વ્યકિત વિશે લાગ્યું એવું કહી દેવાનું જોખમ દર વખતે ઉઠાવી શકાતું નથી. કયારેક તો તેમની જે વાત ના ગમતી હોય તેની પ્રશંસા કરવી પડે છે.

મજાની વાત એ છે કે કેટલાક સંબંધો માં જે ગમે છે તે પણ કહી શકાતું નથી. ઘણા યુવાનો કબુલશે કે …તમે મને ગમો છો….તમે આજે સરસ લાગો છો….તમે બહુ સુંદર છો….મને તમારા લાંબા વાળ ગમે છે……તમારી આંખો બહુ આકર્ષક છે……આવું ઘણું બધું કોઇકને કહેવાનું મન થતું હોય છે. પણ, આવું કહેવા જતાં અત્યારે જે સામાન્ય હસવા બોલવાનો વ્યવહાર છે એ પણ જતો રહેશે તો…એવો ડર લાગ્યા કરે છે. એ પછી રચાય છે એકપક્ષી લાગણીની એક લાંબી કથા…..

આ એકપક્ષી લાગણીની લાંબી વાત ફરી કયારેક…….